ઍર ઈન્ડિયાની પાઈલટનો અંધેરીમાં આપઘાત: દિલ્હીના બૉયફ્રેન્ડની ધરપકડ
જાહેરમાં અપમાન કરનારા અને માંસાહારનો વિરોધ કરનારા બૉયફ્રેન્ડને કારણે યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍર ઈન્ડિયાની પાઈલટે અંધેરીના મરોલ ખાતેના ફ્લૅટમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે તેના દિલ્હીના બૉયફ્રેન્ડની ધરપકડ કરી હતી. જાહેરમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરનારા અને નૉન-વેજ ખાવાની ના પાડનારા બૉયફ્રેન્ડને કારણે છેલ્લા કેટલાક દિવસથી યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. બૉયફ્રેન્ડે હત્યા પછી મૃતદેહને લટકાવીને આત્મહત્યાનો દેખાવ ઊભો કર્યો હોવાનો આક્ષેપ પણ યુવતીના પરિવારજનોએ કર્યો હતો.
પવઈ પોલીસના જણાવ્યા મુજબ અંદેરી પૂર્વમાં મરોલ પોલીસ કૅમ્પની પાછળ કાણકિયા રેઈન ફોરેસ્ટ ઈમારમાં ભાડેના ફ્લૅટમાં રહેતી ઍર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિ તુલીએ (25)એ સોમવારના મળસકે કથિત આત્મહત્યા કરી હતી. તુલીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર તેના બૉયફ્રેન્ડ આદિત્ય પંડિત (27)ની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર તુલીના દાદા મેજર એન. કે. તુલી 1971ના યુદ્ધમાં શહીદ થયા હતા. તુલીને તાજેતરમાં યુથ આઈકન એવૉર્ડ મળ્યો હતો. તેનો બૉયફ્રેન્ડ પંડિત પણ પાઈલટની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તે પાઈલટ બનવાની યોગ્યતા નહોતો મેળવી શક્યો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગોરખપુરની વતની તુલી રવિવારે રાતે કામેથી ફ્લૅટમાં પહોંચી ત્યારે પંડિત સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મધરાતે એક વાગ્યાની આસપાસ પંડિત દિલ્હી જવા રવાના થયો હતો. તુલીએ તેના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો અને પોતે આત્મહત્યા કરી રહી હોવાની જાણ કરી હતી.
આ પણ વાંચો : Viral Video: મુંબઈમાં વધુ એક બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટ
ડરી ગયેલો પંડિત તાત્કાલિક મરોલના ફ્લૅટ પર પહોંચ્યો હતો. દરવાજો અંદરથી લૉક હોવાથી તેણે ચાવી બનાવનારાને બોલાવ્યો હતો. ચાવીની મદદથી દરવાજો ખોલતાં ડેટા કૅબલની મદદથી ગળાફાંસો ખાધેલી હાલતમાં તુલી નજરે પડી હતી. પંડિત તેને સેવન હિલ્સ હૉસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ પ્રકરણે તુલીના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મંગળવારે ધરપકડ કરાયેલા આરોપી પંડિતને કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી, એમ પવઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે તુલીના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો હતો. મોબાઈલ લૉક હોવાનું પોલીસનું કહેવું છે. આ મામલે તુલીના પરિવારજનો, મિત્રો, સહકર્મચારી અને રૂમમેટ્સનાં નિવેદન નોંધવામાં આવશે, એવું અધિકારીનું કહેવું છે.
કહેવાય છે કે કમર્શિયલ પાઈલટ લાઈસન્સ (સીપીએલ)ની તાલીમ દરમિયાન બે વર્ષ અગાઉ દિલ્હીના દ્વારકામાં રહેતી તુલીની ઓળખાણ પાઈલટની પરીક્ષાની તૈયારી કરનારા પંડિત સાથે થઈ હતી. ટ્રેનિંગ પછી તુલીને ઍર ઈન્ડિયામાં પાઈલટ તરીકેની નોકરી મળી હતી. તે જૂન, 2023માં મુંબઈ રહેવા આવી હતી.
તુલીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પંડિત તેનું જાહેરમાં અપમાન કરતો હતો, જેને કારણે તે હતાશ થઈ ગઈ હતી. થોડા દિવસ અગાઉ પંડિતે તેની બહેનની સગાઈમાં તુલીને બોલાવી હતી. જોકે કામ પરથી રજાના અભાવે તુલી સગાઈમાં હાજર રહી શકી નહોતી. ત્યાર બાદ પંડિત વારંવાર તુલી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. પરિવારજનોને લાગે છે કે પંડિતે તુલીની હત્યા કરી છે. આ મામલે પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ, એવી માગણી પણ તેમણે કરી હતી.