ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય…
મોજની ખોજ -સુભાષ ઠાકર
‘ચંબુડા બકા, યુ નો કે ચૂંટણીમાં ઊભો તો રહ્યો, પણ મારી યાદશક્તિ અને આંખો અત્યંત નબળા છે એટલે ભાષણ વખતે વહાલા, તું મારા હૈયામાં રહેજે ને ભૂલું ત્યાં તું ટોકતો રહેજે ’ બુધાલાલ બોલ્યા અરે, તમારી ઢાલ બનીને બેસીશ પણ તમે પાકેલાં પપૈયા જેવુ મોઢું કર્યા વગર સ્ટાર્ટ કરો.. હું અહીં ય જ છું’ને બુધાલાલે ચૂંટણીમંચ પરથી ભાષાણારંભ કર્યો. ‘ભાઈઓ-,ભાભીઓ-બહેનો-બનેવીઓ- મુરબ્બીઓ -મુરબ્બાઓ….’ હવે હદ એ થઈ કે બુધાલાલ પોતાનું જ નામ ભૂલી ગયા પણ પાછા ન પડતાં આગળ
વધ્યા : અપને દેશમે બડે બડે નેતા હો ગયે હૈ જૈસે લાલબહાદુર, સુભાષ બોઝ, જવાહરલાલ નહેરુ. નહેરુકો ગુલાબકા ફૂલ બહોત પ્યારા થા, ગુલાબ કહી રંગકે હોતે હૈ, લાલ, પિલે, ગુલાબી ઓર ગુલાબી રંગકે ગુલાબમેસે ગુલકંદ બનતા હૈ, ગુલકંદ પેટકો ઠંડક દેતા હૈ ઓર પેટ હર બીમારીકા જડ હૈ, જડે તો તડબૂચ કે બહોત લંબે હોતે હૈ લેકિન તડબૂચ રંગ બદલતા હૈ,રંગ તો કાચિંડા ભી બદલતા હૈ, મગર આદમીસે હાર જાતા હૈ. રંગ દેખો તો બાકી જર્મની કા,જર્મનીને દો બાર વોર કિયા, કહી લોગ વોર કો વાર કહેતે હૈ. વાર સાત હૈ.. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અરે બુધવારસે યાદ આયા મેરા નામ બુધાલાલ હૈ ઓર બુધાલાલકો મત દે કે પૂરી પેટી છલકા દેના.!’ આટલું બોલતા પરસેવો વળી ગયો પછી
Also read: ગાડરિયા પ્રવાહથી કેવી રીતે બચવું?
ખીસામાથી ચંબુએ આપેલો કાગળ કાઢ્યો: ‘મિત્રો આગળની સરકારે અન્ન આપ્યા વગર શૌચાલય બનાવી ગામ સાથે ઝળહળતો અન્યાય કર્યો છે.’ ઝળહળતો નઇ બાપુ, હડહડતો ! ’ મે પાછળથી સુધાર્યું. ‘સોરી હડહડતો ..ખુશ? બાકી ભૂતકાળમાં થયેલી ભૂલો બદલ હજી અમારો આત્મા ઝંખે છે.’ ‘ઝંખે છે નઇ બાપુ , ડંખે છે’ ફરી સુધાર્યું. ‘ઓકે ડંખે છે, પણ આ વખતે તમારો જો સાથ મળ્યો તો દેશને વિનાશના પંથે…’ ‘બાફયું પાછું બાફયું- વિનાશના નઇ વિકાસના ..જનતા ભડકે એ પહેલા સંભાળી લો ! ’ ‘ઓકે ઓકે ફરી સોરી, તો વિકાસના પંથે લઈ જાશું, અત્યાર સુધી આપણી ગામની જનતાએ બહુ ટોઇલેટ કર્યું હવે આનાથી વધુ ટોઇલેટ…’ અરેરે બાપુ, ટોઇલેટ નઇ ટોલરેટ..ટો-લ-રે-ટ…પ્લીઝ ! ’ ‘તું શબ્દ નઇ ભાવાર્થ પકડ, આ જનતાને ગામની પર સ્ત્રીની ખબર છે.’ ‘અરે બાપુ, માર ખવડાવશો પર સ્ત્રી નઇ.. પરિસ્થિતિ, સમજાયું ?!’ ‘ઓ..સોરી ..ને આટલી મંદી ને મોઘવારીમાં આપણે કેટલીય વિધવાઓનો મત લેવો..’
Also read: આરોગ્ય પ્લસ: પથરી વિશે આપને આ માહિતી છે?
‘અરે, બાપુ- બાપુ- બાપુ.. કેટલા ભગા વિધવાઓ નઇ વિદવાનો ! ’ ‘અરે ટોપા,તું અક્ષર સુધારને, ક્યારનો બોલતો નથી એટલે? મારી આંખો નબળી…’ ‘ઓ…હો, બાપુ.. ઘ્યાનથી જુઓ- બધુ છાપેલું છે! ’ એ પછી પણ ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય એવું વાતાવરણ સર્જાયું. બુધાલાલ આગળ વધ્યા :’ મિત્રો, ‘આગળની સરકાર ગામને સારું સ્મશાન નથી આપી શકી એ જીવતા નાગરિકને જીવન શું આપી શકે? હું દરેક ઘરના આંગણે એક સ્મશાન બનાવીશ.. પ્રોમિસ ..પણ મત આપી મને જીતાડજો ’ અબે એય બુધિયા, તને મતની નઇ મોતની જરૂર છે ને તું શું સ્મશાન બનાવતો હતો!’ ચંપક ચોટીની
છટકી : ‘અમે ગામવાળાએ સ્મશાન બાંધી દીધું છે ને એમાં તારું દહન કરીને -તને બાળીને તારાથી જ ઉદ્ઘાટન કરીશું, અરે ઉઠાવો બધા ! ’ – ને એ પછી બુધાલાલ ‘અમર રહો’ ના નારા સાથે ટીંગાટોળી કરી ઉઠાવ્યા. ગામમાં પહેલી વાર જીવતી સ્મશાન યાત્રા નીકળી એને જોવા લોક ટોળે વળ્યા. અરે, મને બાળવા લઈ જાઓ છો ને આ ‘અમર રહો’ના નારા પ્લીઝ. છેવટે સ્મશાનમાં ચિતા પર બુધાલાલનો અગ્નિદાહ તો દીધો, પણ આશ્ર્ચર્ય લાકડાં બધા બળી ગયા પણ બુધાલાલ એમના એમ !
આવું કેમ બન્યુ?’ એમ કોઈ બોલ્યું તો ચિતાના લાકડામાંથી અવાજ આવ્યો : જેણે દેશની ચિંતા કરી નથી એને ચિતા પર સૂવાનો અધિકાર નથી ! ’ પછી કબરમાં લઈ ગયા ને મીઠા સાથે દફનવિધી કરી તો મીઠું ઓગળી ગયું ,પણ બુધાલાલ ન ઓગળ્યા!
અમે કઈ બોલીએ પહેલાં માટીમાંથી વાણી ફૂટી : જે માટીમાંથી પેદા થયો એ માટીનું ઋણ અદા ન કરે ત્યાં સુધી અમારામાં સમાવીશું નહીં ! બાપરે હવે? છેવટે પારસીના કૂવામાં ફેકવાનું વિચાર્યું, ભલે હવે તો ગીધડા ખાઈ જતાં.. એમ કર્યું તો કૂવામાંના ગીધડા ઊડી ગયા અને બોલ્યા: ‘આને ખાવાથી અમને ફૂડ પોઇઝન થઈ જાય તો ક્યાં જઈએ ..જાયે તો જાયે કહાં.. ?’
Also read: ફોકસ : મચ્છરોને ભગાડવા શું તમે પણ સળગાવો છો કોઇલ? તો થઈ જાઓ, સાવધાન
આમ આ ટોપો હિન્દુ, મુસ્લિમ કે પારસી વિધિથી પણ ન મર્યો તો દેહદાન કોણ લે? જો ભાઈ, શરીરમાં આત્મા હોય ને ઉપર પરમાત્મા. આ બંને વચ્ચે જે છે એ પ્રેતાત્મા. બુદ્ધિ વગરના આવા કેટલાય બુધાલાલ જેવા પ્રેતાત્મા ચૂંટણીમાં ચૂંટાશે. હવે બોલો ‘ભારત માતાકી’ …. ….‘નઇ બિલકુલ નઇ જય’, જ્યાં સુધી આવા પ્રેતાત્માનો નિવેડો ન આવે… બોલ્યા તો ખબરદાર! શું કહો છો?