ઓમકારના નાદનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ધ્યાન નાદ પર રાખવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
વિશેષ નોંધ:
આ કુંભક વિનાનો ઉજજાયી પ્રાણાયામ પ્રમાણમાં ઘણો સરળ પ્રાણાયામ છે. આમ છતાં ‘તાણ’ના દરદી માટે તે ક્યારેક કઠિન બની શકે છે. જો તેમ થાય તો તેનાથી તાણ વધી જાય. આમ ન બને તે માટે આટલી કાળજી રાખવી જોઇએ.
* જાણકાર વ્યકિત પાસે જ પ્રાણાયામનો અભ્યાસ શીખવી જોઇએ અને તેની દેખરેખ નીચે જ અભ્યાસ ચાલુ રાખવો જોઇએ.
* પાંચ સેક્ધડ અને ૧૦ સેક્ધડના પૂરક-રેચક કઠિન લાગે તો પ્રમાણ તેથી પણ ઓછું રાખવું, ત્રણ સેક્ધડ અને છ સેક્ધડના પૂરક-રેચકથી પણ પ્રારંભ કરી શકાય.
* પ્રાણાયમ શીખતી વખતે અનેક બાબતો શીખવી પડે છે. આ બધાનો પ્રારંભ એકસાથે જ કરવાને બદલે એક પછી એક મુદ્દાઓ શીખીની પછી બધવનો સમન્વય કરી શકાય.
સાવધાન! આપણે અહીં તાણમાંથી મુક્ત થવા માટે ઉજજાતી પ્રાણાયામનો અભ્યાસ કરીએ છીએ. તે અભ્યાસ તાણ વધારવામાં કારણભૃત ન બને તેની કાળજી રાખવી જોઇએ.
૩. પ્રણવોપાસના
ભારતીય અધ્યાત્મપરંપરામાં પ્રણવોપાસનાને એક ઘણી મૂલ્યવાન સાધના ગણવામાં આવે છે. પ્રણવોપાસના મૂલત: અધ્યાત્મસાધના છે. માનસિક સ્વાસ્થ્ય માટે પણ પ્રણવોપાસના ઉપયોગી થઇ શકે તેમ છે. પ્રાણાયામના અભ્યાસ પછી તરત પ્રણવોપાસના કરવામાં આવે તો આ અભ્યાસ વધુ ફળદાયી બની શકશે. માત્ર પુસ્તક દ્વારા પ્રણવોપાસના શીખી શકાય નહીં. પ્રણવોપાસના કોઇ જાણકાર પાસે શીખવી જોઇએ. અહીં આપણે પ્રણવોપાસના વિશેના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સંક્ષેપમાં નોંધીએ.
(૧) કોઇ પણ એક આસનમાં બેસવું.
(૨) શ્ર્વાસ અંદર ભરીને પછી રેચક સાથે ખૂબ નીચા સ્વરથી ‘ઓ’નો ઉચ્ચાર કરવો.
‘ઓ‘ની ત્રણ માત્રા છે. માત્રા એટલે લગભગ એક સેક્ધડ જેટલો સમય. ત્રણ માત્રા જેટલો સમય ‘ઓ’ની ઉચ્ચાર કર્યા પછી મુખ બંધ કરીને ‘મ’નો ઉચ્ચાર કરવો. ‘મ’નો ઉચ્ચાર પોતાની શક્તિ પ્રમાણે ગમે તેટલો લંબાવી શકાય છે. ‘મ’નો ઉચ્ચાર પૂરો થયા પછી થોડી ક્ષણો બાહ્ય કુંભકની અવસ્થામાં જ રહેવું. પછી પૂરકનો પ્રારંભ કરવો. ધીમી ગતિએ પૂરક દ્વારા શ્ર્વાસને પૂરો અંદર ભરી લેવો. પછી ફરીથી રેચક સાથે ઓમકારનો ઉચ્ચાર કરવો. આ રીતે ઓમકારના ઉચ્ચારણનાં અનેક આવર્તનો કરી શકાય.
Also read: કૅક ખાઓ છો, તો પહેલા આ વાંચી લેજો
(૩) ઓમકારના નાદનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ધ્યાન નાદ પર રાખવું. નાદનું ઉત્પન્ન થવું અને નાદનું શ્રવણ કરવું -આ બંને ક્રિયાઓ એકસાથે થવી જોઇએ, જેથી નાદસર્જન અને નાદશ્રવણનું એક ચક્ર પૂરું બને.
(૪) દરેક આવર્તનમાં નાદને અંતે નાદના અનુરણનનું ધ્યાન કરવું. અનુરણન એટલે નાદના અંતે ચિત્તમાં ગુંજતી નાદની પ્રતિમા.
(૫) નાદના અનુસંધાનની સાથેસાથે ઓમકારના અર્થનું ચિંતન કરવું, ઓમકાર પરબ્રહ્મનો વાચક છે. ઓમકાર પરબ્રહ્મ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્વોચ્ચ નામ છે. ઓમકાર શબ્દબ્રહ્મ છે.
પ્રણવની સાડાત્રણ માત્રા છે. અ, ઉ અને મ-આ ત્રણે અનુક્રમે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-અવસ્થાની પ્રતીક-માત્રા છે. અર્ધમાત્રા તુરીયાવસ્થાની પ્રતીક-માત્રા છે. પ્રણવોપાસના દ્વારા આ ત્રણે અવસ્થાનો ભેદીને તુરીયાવસ્થામાં પહોંચવાનું છે.
૪. સમજ
સમસ્યાઓ સમજના અભાવમાં ઉત્પન્ન થાય છે અને સમજ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ મળે છે. માનસિક તાણનો દરદી જો પરિપક્વ હોય તો પોતાની સમસ્યાના સ્વરૂપને સમજે અને જો એમ બની શકે તો આ સમસ્યાના નિરાકરણમાં તેનાથી ઘણી સહાય મળી શકે તેમ છે. પણે પ્રારંભમાં જ તાણનાં સ્વરૂપ અને કારણોની વિગતવાર વિચારણા કરી છે. તાણનો દરદી પોતે આ વિગતો સમજે અને તેને આધારે અને વિષયની કોઇ જાણકર વ્યક્તિની સહાય મેળવી પોતાની સમસ્યાના સમગ્ર સ્વરૂપને સમજી લે તો આ સમજ તેને સમસ્યામાંથી મુક્ત થવામાં સહાયભૂત બને છે.
આ સમજની પ્રક્રિયામાં વ્યકિતની પોતાની જાગૃતિ, પોતાની જાતને સમજવાની તત્પરતા, પોતાનું આંતરનિરીક્ષણ, જાણકાર વ્યક્તિનું માર્ગદર્શન આદિ ઉપયોગી થઇ શકે છે. જ્યારે વ્યક્તિ તાણના સ્વરૂપને સમજી લે છે, ત્યારે તાણની વ્યર્થતાનો પણ સમજી લે છે અને વ્યર્થની વ્યર્થતાને સમજી લેવી તે વ્યર્થમાંથી મુક્તિનો મૂલ્યવાન ઉપાય છે. સમજનો આ ઉપાય કેટલો કારગત નીવડે તેવો આધાર જે-તે વ્યક્તિની અવસ્થા અને પરિપક્વતા પર છે. સમજની પ્રાપ્તિ તે સૌથી મોટી ઉપલબ્ધિ છે. માત્ર તાણના દરદી માટે જ નહીં, પણ જીવનની કોઇ પણ સમસ્યા માટે સમજની પ્રાપ્તિ બહુ મૂલ્યવાન ઉપાય છે, તે હકીકત સૌએ નોંધી રાખવી જોઇએ.
Also read: આરોગ્ય એક્સપ્રેસ : યુવાનોને હૃદયની બીમારી કેમ થાય છે?
૫. સમર્પણભાવ
સમર્પણ એટલે પોતાનાં મન-બુદ્ધિ-ચિત્ત, અહંકાર, પોતાનું જીવન, પોતે જે કાંઇ છે અને પોતાનું જે કાંઇ છે તે સર્વસ્વ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી દેવું તે. આવું સંપૂર્ણ સમર્પણ સહેલી વાત નથી. આવું સમર્પણ તો એક વિરલ ઘટના છે. તોપણ ભગવાનને સમર્પિત થઇને જીવવાનો એક મનોભાવ તો સર્વજનસુલભ છે. ભગવાન સમગ્ર અસ્તિત્વના અને તેથી આપણાં જીવનના પણ કર્તા-ધર્તા-સંહર્તા છે, તેવી શ્રદ્ધા રાખીને ભગવાનને પોતાનું જીવન, પોતાનાં સુખ-દુ:ખ, પોતાનું આયોજન, પોતાની ઇચ્છાઓ, પોતાની સલામતી, જીવન, પોતાનાં સુખ-દુ:ખ, પોતાનું આયોજન, પોતાની ઇચ્છાઓ, પોતાની સલામતી, પોતાના ભય, પોતાની સમસ્યાઓ આદિ સર્વ સોંપી દેવાનું મનોવલણ રાખવું તે પણ એક સ્વરૂપનું- ભલે આંશિક કે પ્રારંભિક- સમર્પણ છે. આ સમર્પણભાવ માનવીને અનેક ચિંતાઓ અને અનેક ભયમાંથી મુક્ત કરી દે છે. આપણે જોયું છે તે પ્રમાણે તાણ (તિિંયતત)ના પાયામાં જ ભય અને ચિંતા (ફક્ષડ્ઢશયિું) છે. સમર્પણના સામર્થ્યથી ભય અને ચિંતામાંથી મુક્તિ મળે છે, તેથી તેના પરિણામરૂપે સ્વાભાવિક રીતે જ તાણમાંથી પણ મુક્તિ મળે જ છે.
જેના ચિત્તમાં ‘મારા ભગવાન મારી સંભાળ રાખશે- મારી રક્ષા કરશે. મારા ભગવાન મારા જીવનની નૈયાને સંભાળશે’- આવી શ્રદ્ધા દઢીભૂત થઇ છે, તેને કોનો ભય? શાની ચિંતા? આવા શ્રદ્ધાળુ અને સમપિંત માનવીના જીવનમાં તાણને કોઇ સ્થાન જ નથી. તેવા માનવીને તાણ હોય નહીં અને આવે તો લાંબો વખત રહે નહીં. આમ સમર્પણભાવ પણ તાણમુક્તિનું એક મૂલ્યવાન પરિબળ બની શકે છે.
(ક્રમશ:)