હિજાબના વિરોધમાં યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીએ કપડાં ઉતાર્યા
ઈરાનમાં હિજાબ અને મહિલાઓના પહેરવેશને લઈને ખૂબ જ કડક નિયમો છે. ઈરાનમાં, પોલીસ મહિલાઓને હિજાબ પહેરવા દબાણ કરવા માટે શેરીઓમાં ફરે છે.
મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાની વચ્ચે પોતાના કપડા ઉતારી દીધા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ઇરાનના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક મહિલાએ તેના કપડાં ઉતાર્યા હતા.
તે ફક્ત અન્ડરગાર્મેન્ટ્સમાં જ કેમ્પસમાં ફરી રહી હતી. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ તેનો ફોટો વીડિયો બનાવતા રહ્યા. મહિલાએ એક જગ્યાએ બેસીને વિરોધ પણ કર્યો હતો.
આ વિદ્યાર્થિનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વીડિયોમાં વિદ્યાર્થિનીને અંડરગારમેન્ટમાં સિમેન્ટના સ્લેબ પર બેઠેલી જોઈ શકાય છે. એ સમયે તે કેટલાક લોકો સાથે ઝઘડો કરી રહી છે.
તેની આસપાસ ઘણા લોકો ભેગા થઈને તમાશો જોઈ રહ્યા છે. કટ્ટર ઇસ્લામી ગણાતા ઇરાનમાં મહિલાઓ પર ઘણી પાબંદી છે. મહિલાઓએ ફરજિયાત હિજાબ પહેરવો જ પડે છે. હિજાબનો વિરોધ કરનાર મહિલાઓ પર સરકાર એટલા બધા અત્યાચાર ગુજારે છે કે તેની જિંદગી જ બરબાદ થઇ જાય છે. આવી મહિલાઓની પછીથી ક્યારેય ભાળ પણ મળતી નથી. તેઓ જીવે છે કે મરી ગઇ છે એની એના પરિવારજનોને પણ જાણ હોતી નથી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક શાખાના સુરક્ષાકર્મચારીઓ એક અજાણી મહિલાની અટકાયત કરતા જોઈ શકાય છે.
આ વિરોધ બાદ ગાર્ડ મહિલાને વાહનમાં લઈ ગયા હતા. યુનિવર્સિટીએ કહ્યું છે કે મહિલા માનસિક રીતે બીમાર છે, તેથી તેણે આ પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે મહિલાને પોલીસે ઝડપી લીધી છે અને હવે તેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ મહિલાની ઓળખ થઇ શકી નથી.
સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું છે કે આ મહિલાએ ઈરાનના મુલ્લાઓની કટ્ટરપંથી સરકારનો વિરોધ કરવા માટે આવું પગલું લીધું હતું અને હવે તેને બદનામ કરવા માટે તેને માનસિક રીતે બીમાર કહેવામાં આવી રહી છે. ઈરાનમાં મહિલા અધિકારો માટે બોલતા લોકોએ દાવો કર્યો છે કે આ પછી મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તે કોમામાં છે.
Also Read – Iran Israel War: અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી, કહ્યું જો ઈઝરાયેલ પર હુમલો કર્યો તો ..
ઈરાનમાં હિજાબનો ત્યાગ કરીને અધિકારીઓને પડકાર ફેંકતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. સપ્ટેમ્બર 2022 માં હિજાબના નિયમોનું કથિત ઉલ્લંઘન કરવા બદલ નૈતિક પોલીસની કસ્ટડીમાં ઈરાની કુર્દિશ મહિલાના થયેલા મૃત્યુ પછી દેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વેગ પકડી રહ્યો છે. ઈરાની શાસન અને સુરક્ષા દળોએ મહિલાઓના બળવાને હિંસક રીતે દબાવવાનો પ્રયાસ કરે છે, જેમાં ઘણી મહિલાઓના મોત થયા છે.