અમેરિકાએ તાઈવાનને મદદ કરી તેમાં ચીનને કેમ પેટમાં દુખ્યું ભાઈ!
તાઈપે: ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ તાઈવાનને લઈને લીધેલા એક નિર્ણયથી બેઈજિંગમાં હંગામો મચી ગયો છે. અમેરિકાએ ચીનના શત્રુ ગણાતા તાઈવાનને તેના સૈન્યને મજબૂત કરવા માટે 2 અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત કરી છે. જેના કારણે ચીનની ઊંઘ હરામ થઈ છે. અમેરિકાએ આધુનિક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સહિત બે અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે. માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલાથી ચીન નારાજ થઈ શકે છે.
આ સોદાને મંજૂરી આપવા બદલ તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે વોશિંગ્ટનનો આભાર માન્યો હતો. તાઈવાન રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેના નેતૃત્વ હેઠળ તેની સંરક્ષણ શક્તિને વધારી રહ્યું છે કારણ કે ચીને તેની સામે તેની સૈન્ય ક્ષમતાઓ વધારી છે. ચીન તાઈવાન પર દાવો કરી રહ્યું છે. બેઇજિંગે ગયા અઠવાડિયે મે મહિનામાં લાઇએ સત્તા સંભાળી ત્યારથી બીજી વખત તાઇવાનને ઘેરીને લશ્કરી કવાયત હાથ ધરી હતી.
તાઇવાનને સરંક્ષણ સક્ષમ બનાવવા માંગે છે અમેરિકા:
રાષ્ટ્રપતિના પ્રવક્તા દ્વારા આ મામલે મમાહિતી આપતા જણાવ્યું હતું કે, “તાઇવાનની આત્મ-રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવી એ ક્ષત્રિય સ્થિરતાની જાળવણીનો મુખ્ય આધાર છે.” અમેરિકી વિદેશ મંત્રાલયના રાજકીય-લશ્કરી બાબતોના કાર્યાલયના જણાવ્યા અનુસાર, સંભવિત શસ્ત્રોના વેચાણના સોદામાં 1.16 બિલિયન ડોલર સુધીની કિંમતની ત્રણ અદ્યતન સપાટીથી હવામાં મિસાઇલ સિસ્ટમ અને સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ સોદામાં અંદાજિત $8.28 મિલિયનની કિંમતની રડાર સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.