કૅનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ યોગ્ય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત આવી જ ગયો છે કેમ કે હાઈ કમિશનર સર્વોચ્ચ રાજદ્વારી છે. ભારતે પહેલાં કેનેડાના ભારત ખાતેના રાજદૂતને ભારત છોડવા કહ્યું ને પછી પોતાના હાઈ કમિશનરને જ પાછો બોલાવી લીધો તેનો મતલબ એ કે, બંને દેશોમાં હવે એકબીજાના ટોચના અધિકારી નથી ને તેનો અર્થ રાજદ્વારી સંબંધોનો અંત જ કહેવાય.
કેનેડાએ તાજેતરમાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં કેનેડા ખાતેના ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો પણ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના નિવેદનને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યું હતું.
કેનેડાએ એ છતાં સંજય કુમાર વર્માની સંડોવણીની રેકર્ડ વગાડવાનું ચાલુ રાખતાં ભારતે સોમવારે ૧૪ ઓક્ટોબરે ૬ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા. આ તમામ રાજદ્વારીને ૧૯મી ઓક્ટોબરે મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. સામે કેનેડાએ પણ ભારતના ૬ રાજદ્વારીને દેશ છોડવા ફરમાન કર્યું છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી નાખીને સ્કોર સરભર કર્યો પણ ભારતે પોતાના હાઈ કમિશનરને પણ પાછા બોલાવી લેવાનું નક્કી કરતાં બંને દેશોના રાજદ્વારી સંબંધો પર હાલ પૂરતું પૂર્ણવિરામ આવી ગયું છે.
કેનેડા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે ભારત સામે આંગળી ચીંધ્યા કરે છે. જૂન ૨૦૨૩માં નિજ્જરની હત્યા પછી કેનેડાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા આ હત્યામાં સામેલ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા ૧૮ જૂને થઈ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ આક્ષેપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતે એ વખતે પણ કહેલું કે, આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને ભારતને નિજ્જરની હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.
કેનેડા એ પછી પણ આ મુદ્દાનો છાલ છોડવા તૈયાર નથી. હમણાં કેનેડા તરફથી ભારતને એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશનમાં ફરી આક્ષેપ કરાયો કે, નિજજરની હત્યાની તપાસમાં બહાર આવ્યું છે કે, ભારતના હાઈ કમિશનર વર્મા અને અન્ય રાજદ્વારી આ હત્યામાં સામેલ હતા. ભારતે રાજદૂત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહેલું કે, આ આક્ષેપો એકદમ હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુદાનમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે અને તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કશું નથી.
કેનેડાએ એ છતાં જૂની રેકર્ડ વગાડવાનું બંધ ના કરતાં અકળાઈને ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં આપણા હાઈ કમિશનર સહિતના અધિકારીઓને ભારત પરત બોલાવવાનો ફેંસલો કરીને આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારકીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નથી તેથી અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ.
કેનેડા એ પછી પણ નિજ્જરની હત્યાની રેકર્ડ વગાડવાનું ચાલુ રાખ્યું છે. કેનેડાના ઈનચાર્જ ડી’અફેયર્સ એટલે કે વિદેશી બાબતોનો હવાલો સંભાળતા અધિકારી સ્ટીવર્ટ વ્હીલરે દાવો કર્યો છે કે, કેનેડાની સરકારે ભારતીય એજન્ટોનો નિજ્જર હત્યા સાથે સંબંધો હોવાના પુરાવા આપ્યા છે. હવે સમય આવી ગયો છે કે ભારત પોતાનું વચન પાળે અને તે તમામ આરોપીઓની તપાસ કરે.
કેનેડા ભારત સામે જે આક્ષેપો કરી રહ્યું છે એ સાચા છે કે ખોટા એ ખબર નથી પણ તેનાથી ભારતને કોઈ ફરક પડતો નથી. ભારતે નિજ્જરની હત્યા ના કરાવી હોય તો ઠીક છે પણ માનો કે નિજ્જરની હત્યા કરાવી હોય તો પણ તેમાં કશું ખોટું નથી કેમ કે નિજ્જર ભારતમાં અરાજકતા અને હિંસા ફેલાવવા માગતો હતો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હતો એ વાત સાથે સહમત થવામાં આપણને કંઈ વાંધો નથી પણ ટ્રુડો કહે છે એમ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો. ભારતમાં નિજ્જર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજ્જર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો.
ભારત સરકારે નિજ્જરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું. નિજ્જર પંજાબ સહિતના ભારતનાં રાજ્યોમાં અરાજકતા અને અશાંતિ ઊભી કરવા માગતો હતો એ જોતાં ભારત માટે નિજ્જર વિલન હતો. ભારતે તેની હત્યા કરાવી હોય તો તેનો ભારતને પૂરો હક હતો. ટ્રુડો કેનેડાના સાર્વભૌમત્વની બોન પૈણવા બેઠા છે પણ ભારતના સાર્વભૌમત્વનું શુ? નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હોય ને આપણે બેઠા બેઠા તમાશો જોયા કરીએ, કેનેડાના સાર્વભૌમત્વની ચિંતા કર્યા કરીએ એ શક્ય નથી.
દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષા સામે ખતરો હોય ને દેશના ટુકડા કરવા માગતો હોય એવા નમૂનાને ઉપર જ પહોંચાડે. ભારતે પણ એ કર્યું તો તેમાં જરાય ખોટું વનથી. ટ્રુડોને કેનેડાના સાર્વભૌમત્વની એટલી જ ચિંતા હતી તો તેમણે નિજ્જરને પહેલાં રોકવાની જરૂર હતી. નિજ્જર કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતો હતો એ બંધ કરાવવાની જરૂર હતી. તેના બદલે કેનેડા નિજ્જરને છાવરતું હતું ને હવે કેનેડા નિજ્જરની હત્યા બદલ છાજિયાં લે, કેનેડાના સાર્વભૌમત્વની વાતો કરે એ ના ચાલે. ભાઈ, સાર્વભૌમત્વ તમારું એકલાનું નથી પણ અમારું પણ છે.
ભારત ને કેનેડા વચ્ચે સંબંધો વણસતાં ભારતીયો ચિંતામાં છે કેમ કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં ભણે છે અને નોકરી-ધંધો કરવા માટે કેનેડા ગયા છે. તેમનાં સ્વજનોને ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આ તણાવ કામચલાઉ છે અને બહુ જલદી તેનો અંત આવી જશે . ભારત અને કેનેડા બંનેના આર્થિક હિતો પરસ્પર જોડાયેલાં છે તેથી કોઈને પણ એકબીજાને અવગણવા પરવડે નહીં. આ કારણે બહુ જલદી બધું પૂર્વવત થઈ જશે.