વેપાર

ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2034.14 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતાં રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 83.20ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 83.22ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.27 અને ઉપરમાં 83.19ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે 83.24ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીના દબાણને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી આક્રમક નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેમ જણાય છે. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી 0.21 ટકા ઘટીને 106.77 આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.95 ટકા ઘટીને બેરલદીઠ 90.06 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 286.06 પૉઈન્ટનો અને 92.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button