આમચી મુંબઈ

બોરિવલીની માહી ગાલા તાવ હોવા છતાં થાઇલૅન્ડમાં જીતી સ્કેટિંગના ત્રણ સિલ્વર મેડલ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરિવલીમાં રહેતી કચ્છી વીસા ઓસવાળ જૈન પરિવારની છ વર્ષની માહી જય ગાલા તાજેતરમાં થાઇલૅન્ડમાં સ્કેટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ત્રણ હરીફાઈમાં બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતી હતી.

આ ઍન્ડ્યૉરન્સ રેસ દરમ્યાન માહીને ખૂબ તાવ હતો એમ છતાં તેણે હરીફાઈઓમાં ભાગ લીધો અને ત્રણ રજતચંદ્રક જીતીને પોતાના સમાજનું, મુંબઈનું અને ભારતનું નામ રોશન કર્યું છે.

કચ્છના નાના આસંબિયા ગામની મૂળ વતની માહી ગાલાના મમ્મી કવિતા ગાલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ‘બોરિવલી (પશ્ર્ચિમ)ની એમએચડબ્લ્યૂએસ સ્કૂલમાં ગ્રેડ-વનમાં ભણતી મારી દીકરીની તબિયત થાઇલૅન્ડની સ્પર્ધા દરમ્યાન સારી નહોતી. તેને ખૂબ તાવ હતો અને તેણે બે દિવસ કંઈ જ ખાધું પણ નહોતું એમ છતાં તેણે મેડલ જીતવાનો સંકલ્પ કર્યો હતો અને દૃઢતા સાથે એક પછી એક હરીફાઈમાં ભાગ લેવા ઊતરી હતી અને ત્રણેયમાં સિલ્વર જીતી લીધાં.’

છેલ્લા બે વર્ષમાં પાંચ ટ્રોફી અને કુલ 37 મેડલ જીતી ચૂકેલી માહીએ 78મા સ્વાતંત્ર્ય દિને 78 મિનિટનું મૅરેથોન સ્કેટિંગ કર્યું હતું. જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા પૂરી કર્યા બાદ સ્પીડ ઇન્લાઇન સ્કેટ્સમાં માહી થાઇલૅન્ડની જે સ્પર્ધાઓમાં ત્રણ મેડલ જીતી એમાં શ્રીલંકા, નેપાળ, થાઇલૅન્ડ, યુએઇ, બાંગ્લાદેશ વગેરે દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button