મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ જારી

હવે નાગપુરમાં 24 કલાકમાં 25 દર્દીઓએ જીવ ગુમાવ્યા

નાગપુરઃ સરકારી હૉસ્પિટલોમાં ભગવાન ભરોસે ચાલતા વહીવટના પુરાવા આજકાલ જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા થાણેની સરકારી હૉસ્પિટલમાં એક દિવસમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ નાંદેડની હૉસ્પિટલમાં 48 કલાકમાં 31 લોકોના મૃત્યુ થયા હતા અને હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે નાગપુરની એક સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયા છે.

અહીંની બે અલગ-અલગ હોસ્પિટલમાં આ મૃત્યુ નોંધાયા છે. અહીંની સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 16 દર્દીના અને ખાનગી હૉસ્પિટલમાં 24 કલાકમાં 9 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. નોંધનીય છે કે ખાનગી હૉસ્પિટલો દર્દીની હાલત જોઇને તેમને દાખલ કરવામાં આવે છે, જ્યારે સરકારી હૉસ્પિટલોમાં દર્દીની હાલત પર ધ્યાન આપ્યા વિના તેમને દાખલ કરવામાં આવે છે, તેથી હૉસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે સરકારી હૉસ્પિટલોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચુ હોય છે.

અગાઉ, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 16 લોકોના મોત નોંધાયા હતા. અગાઉ, મરાઠવાડાના નાંદેડમાં ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી, 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા હતા, જેમાં 48 કલાકમાં મૃત્યુની કુલ સંખ્યા 31 થઈ ગઈ હતી.


નાગપુરની હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, ‘2 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાથી 3 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાની વચ્ચે છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 16 મૃત્યુ નોંધાયા હતા.’ તેમણે કહ્યું કે જીએમસીએચમાં નોંધાયેલા 16 મૃત્યુમાંથી ચાર લોકોને મૃત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે 16 લોકોના જીવ ગયા તેમાંથી બે દર્દીઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે અન્ય લોકોએ ન્યુમોનિયાથી જાન ગુમાવ્યો હતો.


જીવ ગુમાવનારા અન્ય ત્રણ દર્દીઓ કિડની ફેલ્યોર અને અન્ય એક દર્દી લિવર ફેલ્યોરથી પીડિત હતા. લિવર અને કિડની ફેલ થવાના કારણે અન્ય એક દર્દીનું મોત થયું હતું. માર્ગ અકસ્માત, ઝેરી પદાર્થ અને એપેન્ડિક્સ ફાટવાથી એક-એક વ્યક્તિના મોત થયા હતા.

મહારાષ્ટ્રના થાણે, નાંદેડ બાદ હવે નાગપુરની સરકારી હૉસ્પિટલમાં મોતનું તાંડવ જારી છે. નાંદેડની હૉસ્પિટલમાં તો કહેવામાં આવે છે કે એક-એક બેડ પર બેથી ત્રણ બાળ દર્દીને સૂવડાવીને તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો હતો.


નાના બાળકોને એકબીજાનો ચેપ લાગવાથી તેમના મૃત્યુ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તહેવારો હોવાથી ખાનગી હૉસ્પિટલો બંધ હોવાથી સરકારી હૉસ્પિટલો દર્દીથઈ ઉભરાઇ ગઇ હતી. આ ત્રણે ઘટનાને કારણે મહારાષ્ટ્રમાં હડકંપ મચેલો છે. વિપક્ષને સરકારને ઘેરવાનું બહાનું મળી ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button