મારી ઊંઘ કેમ બગાડી કહી ટ્રાફિક ઈન્સ્પેક્ટરે એસટી ડ્રાયવરને થપ્પડ માર્યાની ફરિયાદ
ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના પ્રાગપરમા રહેનારા અને રાપર-ભુજ રૂટની રાજ્ય પરિવહનની બસમાં ફરજ બજાવનારા ડ્રાયવરને મોડી પડેલી બસ માટે સવારના પહોરમાં મીઠી નીંદર માણી રહેલા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ફોન કરીને કરેલી પૂછપરછ ભારે પડી ગઈ હતી અને જાહેરમાં કથિત રીતે થપ્પડ ખાવાનો વારો આવતાં એસ.ટી તંત્રમાં ચકચાર પ્રસરી છે.
જાણવા મળેલી વિગતો અનુસાર, રાપર ડેપોમાં ફરજ બજાવતા ડ્રાયવર હરેશ દવે વહેલી સવારે ઉપડનારી રાપર-ભુજ બસની રાહ જોઈને ઉભા હતા પરંતુ આ બસ સમયસર ન આવતાં તેમણે પ્રથમ તે બસના ડ્રાયવર અને કંડકટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળતાં તેણે ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ફોન કરી બસ ક્યારે આવશે તે અંગે પૃછા કરી હતી.
ત્યારબાદ રાપરના બસ સ્ટેશન પર અચાનક આવી ચઢેલા એટીઆઈએ ‘મારી ઊંઘ કેમ બગાડી, મને ગમે ત્યારે ફોન કરવો નહીં’ તેમ અવાક બનેલા હરેશ દવેને કહી જાહેરમાં લાફો ઝીંકી દેતાં તેના વિરુદ્ધ ડેપો મેનેજરને લેખિતમાં ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, સામે પક્ષે આવો કોઈ બનાવ ન બન્યાની પ્રતિ ફરિયાદ એટીઆઈ દ્વારા કરાઈ હોવાનું અને આ મુદ્દાને તપાસ અર્થે વિભાગીય નિયામકને મોકલી અપાશે, તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું.