મહાયુતિમાં મોટો ભાઇ તો ભાજપ જઃ શું કહ્યું અમિત શાહે બેઠકમાં?
![Amit Shah will bathe in Mahakumbh on this date, appeals to Gujaratis to visit Kumbh](/wp-content/uploads/2024/09/Amit-Shah-3.webp)
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં જ બે દિવસની મહારાષ્ટ્ર મુલાકાતે હતા અને એ દરમિયાન તેમણે વિધાસનભાની ચૂંટણીને લઇ મહત્ત્વના નિર્ણયો લેવા ઉપરાંત રણનીતિ પણ સમજાવી હોવાનું કહેવાય છે. આ દરમિયાન તેમણે બેઠકોની વહેંચણીના મુદ્દે પણ સાથી પક્ષોના વડા સાથે બેસીને વાટાઘાટો કરી હતી. જ્યાર બાદ ભાજપ ચૂંટણીમાં 150થી 160 બેઠક પરથી ચૂંટણી લડશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
બેઠકની વહેંચણીની વાતચીત દરમિયાન અમિત શાહે મિત્ર પક્ષોને ભાજપ 150થી 160 બેઠક પર જીત મેળવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. જો આમ થાય તો મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઇ બની રહેશે. જોકે, અજિત પવાર જૂથ કે પછી એકનાથ શિંદે જૂથ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામાં આવે, એવું આશ્વાસન પણ અમિત શાહે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જે બેઠક પર અજિત પવાર અને એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો છે એ બેઠક તેમની પાસે જ રહેવા દેવામાં આવશે, પરંતુ બાકીની બેઠકોની સમીક્ષા કર્યા બાદ એ અંગે નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો : પહેલા નોરતે અમદાવાદને મળશે નવી પોલીસ કમિશ્નર કચેરી: ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ
સત્તા મહત્ત્વની, પક્ષનું અભિમાન નહીં: અમિત શાહ
અમિત શાહની વાતથી બધા જ સંમત હોવાનું અને કોઇએ કોઇપણ પ્રકારનો આગ્રહ કે માગણી ન કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સત્તા હાથમાં આવે એ મહત્ત્વનું છે, પક્ષનું અભિમાન સાચવવું નહીં, એવી અમિત શાહની વાત બધાએ જ માન્ય કરી હોવાનું જાણવા મળ્યું હતું.