સરફરાઝ, જુરેલ અને દયાલને ઇરાની કપ માટે રીલિઝ કરી શકે છે ભારતીય ટીમ…
નવી દિલ્હીઃ મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલને બાંગ્લાદેશ સામે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં નહી આવે તો ઇરાની કપ માટે તેઓને ભારતીય ટીમમાંથી રીલિઝ કરવાની શક્યતા છે.
આ પણ વાંચો : ‘…સબ નકલી હૈ’ શુભમન ગિલે સિરાજ વિષે આ શું કહી દીધું! સ્ટમ્પ માઈક વાત કેપ્ચર થઇ ગઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે 1 થી 5 ઓક્ટોબર દરમિયાન લખનઉમાં રણજી ચેમ્પિયન મુંબઈ સામે રમાનારી ઈરાની કપ માટે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરી હતી.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી એક રીલીઝ અનુસાર, “ધ્રુવ જુરેલ અને યશ દયાલને રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે પરંતુ ઇરાની કપમાં તેમના રમવાનો આધાર કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહી તેના પર નિર્ભર છે.
ભારતીય ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ મેચમાં ઋષભ પંત ઈજાગ્રસ્ત થાય છે તો તેની જગ્યાએ લોકેશ રાહુલ વિકેટકીપરની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં જુરેલને મુક્ત કરવામાં આવી શકે છે. જો સરફરાઝને ભારતીય પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન નહીં મળે તો તેને ઈરાની કપ માટે રાષ્ટ્રીય ટીમમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે. તે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં મુંબઈ ટીમનો ભાગ બની શકે છે.
આ પણ વાંચો : ‘કાંગારુઓ’ને પરાસ્ત કરવા ભારતના 2 ખેલાડીનું ફોર્મ મહત્ત્વનુંઃ ચેપલે કોના નામ આપ્યા?
બીસીસીઆઇએ કહ્યું હતું કે “સરફરાઝ ખાનને બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહી મળે તો તેને મુંબઈની ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે રીલિઝ કરી દેવાશે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર આ મેચમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરશે.
આ મેચમાં મુંબઈની ટીમને શ્રેયસ ઐય્યર, મુશીર ખાન, શમ્સ મુલાની અને તનુષ કોટિયાન સહિત તમામ ટોચના ખેલાડીઓ રમે તેવું લગભગ નિશ્ચિત છે.ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે આ મેચમાં રમશે નહી કારણ કે આ બંને ખેલાડીઓને બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ટી-20 શ્રેણી માટે 3 ઓક્ટોબરે ગુવાહાટી પહોંચવાનું છે.