ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

એક શૂરવીર માટે દીનતા દેખાડવી ને યુદ્ધથી વિમુખ થવું મરણથી પણ વધારે કષ્ટદાયક હોય છે

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ રક્ષક બનતાં જ બાણાસુર અને તેના અસુર સૈનિકો ક્રમશ: યમદેવ, અગ્નિદેવ, વરુણદેવ, કુબેરને બંદી બનાવે છે. તે દરમિયાન બાણાસુર ફરી તાંડવનૃત્ય કરી ભગવાન શિવને પ્રસન્ન કરીને કહે છે કે, ‘અગાઉ વરદાનમાં મેં સહસ્ત્ર ભુજા માગી હતી પણ હવે એ સહસ્ત્ર ભુજા મને એ મહાન ભારરૂપ લાગી રહી છે, કેમ કે આ ત્રિલોકીમાં મને આપના સિવાય મારી સમકક્ષ કોઈ યોદ્ધો જ મળ્યો નથી અને આ પર્વત જેટલી વિશાળ સહસ્ત્ર ભુજાઓ લઈને હું શું કરું? મેં દેવરાજ ઈન્દ્ર, યમદેવ, વરુણદેવ અને કુબેરને બંદી બનાવી રાખ્યા છે. હે મહેશ્ર્વર હવે મને કોઈ એવા યુદ્ધની પ્રાપ્તિ કરાવો જેમાં હરીફો મારી સહસ્ત્ર ભુજાને જર્જરિત કરીને પાડી નાખે અથવા કોઈપણ પ્રકારે શત્રુઓ સહસ્ત્ર ભુજાને કાપી નાખે એ જ મારી અભિલાષા છે, એને પૂર્ણ કરવાની કૃપા કરો.’ આટલું સાંભળતા જ ક્રોધિત ભગવાન શિવે કહ્યું કે, ‘તારી ઇચ્છા મુજબ થોડા જ સમયમાં મહાન ભીષણ યુદ્ધ થશે ’

ભગવાન શિવની પ્રેરણાથી બાણાસુરની પુત્રી ઉષા માંગલિક શૃંગાર કરીને સુસજિજત થઈને રાત્રિના સમયે પોતાના ગુપ્ત અંત:પુરમાં સૂઈ રહી હતી. એ જ સમયે તે (કામભાવ)ને પ્રાપ્ત થઈ અને તેને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું મિલન પ્રાપ્ત થયું. જાગ્યા પછી તે વ્યાકુળ થઈ ગઇ અને એણે એની સખી ચિત્રલેખાને સ્વપ્નમાં મળેલ એ પુરુષને શોધી આપવા કહ્યું. ઉષાના વર્ણન બાદ ચિત્રલેખા એ પુરુષનું ચિત્રણ કરવા લાગી અને ચિત્રણ પૂર્ણ થતાં જ રાજકુમારી ઉષા લજ્જિત થઈ ગઈ. ઉષા લજ્જિત થતાં જોઈને ચિત્રલેખાએ કહ્યું, ‘સખી આ તો નરશ્રેષ્ઠ પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ છે.’

ઉષા: ‘હે સખી! રાત્રે જે મારી પાસે આવ્યો હતો અને જેણે શીઘ્ર જ મારા ચિત્તરૂપી રત્નને ચોરી લીધું છે, તે ચોર પુરુષ આ જ છે.’


ચિત્રલેખા એક દિવ્ય યોગિની હતી. રાજકુમારી ઉષાના અનુરોધથી ચિત્રલેખાએ જેઠ વદ ચતુર્દશીના ત્રીજે પહરે દ્વારકાપુરી પહોંચી અને પલંગ પર બેઠેલા અનિરુદ્ધને પલભરમાં ઊંચકી લઈ રાજકુમારી ઉષાના અંત:પુરના કક્ષમાં લઈ આવી. રાજકુમારી ઉષા પોતાના મનના માણિગર પ્રિયતમને પોતાની સમક્ષ જોઈ પ્રસન્ન થઈ. રાજકુમારી ઉષા અને અનિરુદ્ધ એકબીના પ્રેમમાં તરબતર થઈ ગયા. રાજકુમારી ઉષાના અંત:પુરના દ્વારનું રક્ષણ કરનારા પહેરેદારોએ એક દિવ્ય શરીરધારી, દર્શનીય અને સાહસી યુવકને રાજકુમારી ઉષા સાથે જોઈ લીધો. એ દ્વારપાલો સહસ્ત્ર ભુજાધારી બાણાસુર પાસે પહોંચે છે.

દ્વારપાલ: ‘હે મહાપરાક્રમી અસુર રાજ આપણી રાજકુમારી ઉષાના અંત:પુરમાં બળપૂર્વક પ્રવેશ કરી કયો પુરુષ સંતાયો છે તે ખબર પડતી નથી, હે મહાબાહુ દાનવરાજ ત્યાં જઈ તમે જુઓ અને યોગ્ય લાગે તે દંડ તેને આપો, આમાં અમારો કોઈ દોષ નથી.’

આટલું સાંભળતાં જ બાણાસુર ક્રોધિત થયો અને રાજકુમારી ઉષાના અંત:પુરમાં જઈ પહોંચ્યો. ત્યાં એણે દિવ્ય શરીરધારી અનિરુદ્ધને જોયો. એણે શક્તિ પ્રદર્શન કરવા દસ હજાર સૈનિક મોકલી આજ્ઞા આપી કે એને મારી નાખો. સેનાએ અનિરુદ્ધ પર આક્રમણ કર્યું, અનિરુુદ્ધે જોતજોતામાં દસ હજાર સૈનિકોને કાળને હવાલે કરી દીધા, ક્રોધિત બાણાસુર સેના પર સેના મોકલતો રહ્યો અનિરુદ્ધ એને કાળનો કોળિયો બનાવતો ગયો. ત્યાર પછી અનિરુદ્ધે બાણાસુરને સમાપ્ત કરવા કાલાગ્નિ સમાન ભયંકર શક્તિ હાથમાં લીધી અને બાણાસુર પર એનાથી પ્રહાર કર્યો, પરાક્રમી બાણાસુર પલકવારમાં અંતર્ધાન થઈ ગયો અને ત્યારબાદ બાણાસુરે છળપૂર્વક અનિરુદ્ધને નાગપાશમાં બાંધી દીધો. બંદી અનિરુદ્ધને તેણે પાંજરામાં કેદ કરી લીધો અને આદેશ આપ્યો કે આ પાપીને મારી નાખો.

આ સાંભળી તેના મંત્રી કુંભાડે કહ્યું, ‘મહારાજ થોડો વિચાર કરી જુઓ, શું બંદી યુવાનને મારી શકાય. પરાક્રમમાં એ વિષ્ણુ સમાન જણાય છે, હું એને આપની શરણમાં આવવા સમજાવું છું.’

બાણાસુરને સમજાવી કુંભડ અનિરુદ્ધ પાસે જાય છે અને કહે છે, ‘હે વીરપુરુષ તું કોણ છે એ મને ખબર નથી પણ હું તને એટલું જરૂર સમજાવી રહ્યો છું કે હવે તું હાથ જોડી દૈત્યરાજ બાણાસુરની સ્તુતિ કર અને નમ્ર વાણીથી બોલ કે ‘હું હારી ગયો છું મહારાજ, હું તમારી શરણે છું, તમારો દાસ છું.’

અનિરુદ્ધ: ‘હે દુરાચારી નિશાચર! તને ક્ષત્રિય ધર્મનું જ્ઞાન નથી. એક શૂરવીર માટે દીનતા દેખાડવી અને યુદ્ધથી વિમુખ થવું મરણથી પણ વધારે કષ્ટદાયક હોય છે. ક્ષત્રિય માટે તો રણભૂમિમાં સદા લડતાં લડતાં મરવું જ શ્રેયસ્કર છે, ભૂમિ પર પડીને હાથ જોડીને દીનની તરહ મરવાનું ક્યારેય નથી હોતું.’

અનિરુદ્ધને સમજાવી ન શકનાર કુંભાડ ફરી બાણાસુર પાસે આવે છે અને કહે છે, ‘અસુર રાજ મેં એને ઘણું સમાજવવાની કોશિશ કરી પણ યુવક માનતો નથી એ મરવાનું જ પસંદ કરે છે.’

બાણાસુર: ‘કુંભાડ, મેં એને નાગપાશમાં બાંધી દીધો છે. નાગપાશથી બચી જીવંત રહેવું અશક્ય છે, થોડા જ સમયમાં એ યુવાન મૃત્યુને વરશે.’

નાગપાશથી બંધાયેલા અનિરુદ્ધ માતા દુર્ગાનું સ્મરણ કરવા લાગ્યા કે ‘હે શરણાગતવત્સલ માતા દુર્ગા આપ તો યશપ્રદાન કરનારાં છો, આપનો રોષ બહુ ઉગ્ર હોય છે. હે માતા હું નાગપાશથી બંધાયેલો છું અને નાગોની વિષજ્વાલાઓથી સંતપ્ત થઈ રહ્યો છું, માટે આપ શીઘ્ર જ પધારો અને મારી રક્ષા કરો.’

અનિરુદ્ધની પ્રાર્થનાથી માતા દુર્ગા પ્રસન્ન થયા અને જેઠ વદ ચતુર્દશીના મહારાત્રિમાં પ્રગટ થયા અને તેમણે એ સર્પરૂપી નાગપાશને ભસ્મસાત કરીને પોતાના બલિષ્ઠ મુક્કાથી નાગપાશને વિદીર્ણ કરી દીધું અને અંતર્ધાન થઈ ગયા. માતા દુર્ગાની કૃપાથી અનિરુદ્ધ કષ્ટથી છૂટી ગયા અને નાગપાશની વ્યથા મટી જતાં તેઓ ફરી તેમની પ્રિયતમા ઉષાના અંત:પુરમાં પહોંચે છે અને રાજકુમારી ઉષાને લઈ ત્યાંથી પલાયન થઈ જાય છે.


સામે પક્ષે દ્વારકાપુરી ખાતે અનિરુદ્ધના અદૃશ્ય થઈ જવાથી તથા દેવર્ષિ નારદના મુખે એનું બાણાસુર દ્વારા નાગપાશથી બંધન થયું જાણ્યાના સમાચારથી બાર અક્ષૌહિણી સેનાની સાથે પ્રદ્યુમ્ન અને અન્ય વીરોને લઈને ભગવાન શ્રીકૃષ્ણ શોણિતપુર પર ચઢાઈ કરી દીધી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…