‘ખેલતેં કમ, બોલતે ઝયાદા હૈ’…ભૂતપૂર્વ કૅપ્ટને દિગ્ગજ બૅટરને વિરાટ પરથી કંઈક શીખવાની સલાહ પણ આપી
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન યુનીસ ખાનનું એવું માનવું છે કે મર્યાદિત ઓવર્સની મૅચો માટેનો કૅપ્ટન બાબર આઝમ તથા ટીમના અન્ય કેટલાક ખેલાડીઓ બહુ સારું નથી રમતા, પણ બહુ બોલ્યા કરતા હોય છે.’
પાકિસ્તાન 2009માં યુનીસ ખાનની કૅપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. તેણે મેન ઇન ગ્રીનને અને ખાસ કરીને વ્હાઇટ-બૉલ કૅપ્ટન બાબર આઝમ માટે સલાહ આપી છે કે ‘તેણે ક્રિકેટ પર વધુ એકાગ્રતા રાખવી જોઈએ અને પર્ફોર્મન્સ કેવી રીતે સુધરે એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
29 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર બાબર થોડા મહિનાઓથી સારું નથી રમી શક્તો. છેલ્લી 16 ટેસ્ટ ઇનિંગ્સમાં તેની એક પણ હાફ સેન્ચુરી નથી. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અને 2024ના ટી-20 વર્લ્ડ કપમાં તેની નબળી બૅટિંગ અને કૅપ્ટન્સી વિશે ખૂબ ટીકા થઈ હતી.
યુનીસ ખાનનું કહેવું છે કે ‘બાબર અને ટીમના કેટલાક ખેલાડીઓ બહુ બોલ્યા કરે છે, પણ સારું રમતા નથી. ખાસ કરીને બાબર વિશે કહું તો તેણે વિરાટ કોહલી પરથી કંઈક શીખવું જોઈએ. કોહલી કૅપ્ટન્સી છોડ્યા પછી પણ સારું રમી રહ્યો છે. જો બાબર અને ટોચના અન્ય ખેલાડીઓ સારું રમે તો સારા પરિણામો આપોઆપ લોકોની સામે આવી જાય. હમારે પ્લેયર્સ ખેલતેં કમ, બોલતે ઝયાદા હૈ.’
યુનીસ ખાને એવું પણ કહ્યું કે ‘વિરાટ કોહલીની જ વાત કરીએ. તેણે પોતાની શરતે કૅપ્ટન્સી છોડી અને હવે તે રેકૉર્ડ્સ તોડી રહ્યો છે. આ બતાવે છે કે દેશ વતી સારું રમવાની બાબતને અગ્રતા આપવી જોઈએ. ત્યાર પછી જો કંઈ ઊર્જા બચી હોય તો અંગત હેતુ સિદ્ધ કરવા રમો, પણ એ પહેલાં તો દેશ માટે જ રમવું જોઈએ.’
યુનીસે એવું પણ કહ્યું કે ‘બાબર આઝમ ટીમનો બેસ્ટ પ્લેયર હોવાને કારણે જ તેને કૅપ્ટન બનાવાયો હતો. હું એ મીટિંગમાં હાજર હતો. બાબરે ફિટનેસ પર તેમ જ પોતાના કાર્યને લગતી નૈતિકતા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.’
Also Read –