ગાંધીધામમાં માતા-પુત્રનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના મહેશ્વરી નગરમાં રહેતાં પરિવારના યુવાન પુત્ર અને તેની માતાએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળેલી વિગતો અનુસાર, માહેશ્વરી નગરમાં રહેતા આ પરિવારના મોભી હિરાભાઈ સવારે કામસર બહાર ગયેલા અને સાંજે પરત ઘરે આવ્યાં ત્યારે તેની પત્ની ચાગબાઈ હિરાભાઈ મહેશ્વરી (ઉ.વ. ૫૫) અને તેમના ૨૬ વર્ષિય પુત્ર દિનેશની ઘરમાં અલગ અલગ સ્થાનેથી લટકતા મૃતદેહ મળી આવ્યા હતા.
આસપાસથી એકઠા થયેલા લોકોએ માતા-પુત્રના મૃતદેહોને આદિપુરની રામબાગ સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતાં.
માતા-પુત્રના આત્મઘાતી પગલાંથી સ્તબ્ધ થઇ ગયેલા પરિવારજનો પાસેથી પોલીસે ઘટના પાછળના કારણો જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ નિકટના સ્વજનોએ કોઈના પર શક ના હોવાનું જણાવ્યું હતું.
પરિણીત દિનેશ છૂટક મજૂરી કરતો હતો અને છેલ્લાં થોડાંક માસથી બેકાર હતો. આપઘાતના બનાવ પાછળ આર્થિક સંકડામણ, વ્યસન, બીમારી, કૌટુંબિક કલહ વગેરે જેવા વિવિધ કારણો મામલે પોલીસે સ્વજનોની પૂછતાછ કરેલી પરંતુ તેમણે આવું કોઈ કારણ ના હોવાનું કહ્યું હતું જોકે સમાજના કેટલાંક કહેવાતા આગેવાનોના કથિત માનસિક ત્રાસથી કંટાળેલા માતા-પુત્રએ અંતિમ પગલું ભર્યું હોવાના સંદેશ હતભાગીઓના ફોટા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ ભેદભરમ ભરેલા મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.