ઉકાઇ ડેમમાંથી સિંચાઇ સિવાય પાણી છોડવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થવાની સાથે જ પાણીની આવક ઘટીને ૧૮ હજાર કયુસેક થતાં સત્તાધીશોએ ચાર હાઇડ્રો સ્ટેશન બંધ કરી હવે સિંચાઇ માટે ૮૦૦ કયુસેક પાણી કેનાલ વાટે છોડીને ડેમ ભરવાની શરૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ થવાની સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે. આથી ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી ગઇ છે. દૈનિક ૧૮ હજાર કયુસેક ઇનફલો આવે તેની સામે ૮૦૦ કયુસેક સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડીને ખેતીપાક માટે પાણી આપવાનું ચાલુ રાખ્યું છે. આમ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ બંધ થવાની સાથે સત્તાધીશોએ હવે જે પાણી આવે તે સંગ્રહ કરવાનું ચાલુ કરતા તમામ ચાર હાઇડ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. ઉકાઇ ડેમની સપાટી ૩૪૪.૪૬ ફૂટ નોંધાઇ હતી અને ૧૮ હજાર ઇનફલોની સામે ૮૦૦ કયુસેક પાણી છોડાઇ રહ્યું હતું. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું હોવા છતાં સુરત સ્થિત તાપી નદીમાં હજુ ૩૦ હજાર કયુસેક પાણીનો આવરો આવી રહ્યો છે. કોઝવેની સપાટી ભયજનક લેવલ ૬ મીટરથી ઉપર ૬.૨૭ મીટર નોંધાઇ હતી. ઉકાઇ ડેમમાં ગત વર્ષોમાં વરસાદની વિદાયની સત્તાવાર જાહેરાત થયા પછી પણ ઉકાઇ ડેમ કેચમેન્ટમાં વરસાદ થતાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડવું પડયું હતું.