મરાઠવાડામાં વરસાદનો પ્રકોપઃ આ સિઝનમાં પચાસથી વધુ લોકોના મોત
છત્રપતિ સંભાજી નગર: મરાઠવાડામાં આ વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાં (1 જૂનથી 6 સપ્ટેમ્બર) વરસાદને લગતી ઘટનાઓમાં ૫૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 16 જણને ઈજા થઈ હોવાનું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા અહેવાલ મુજબ મરાઠવાડામાં 1 જૂનથી 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદને કારણે 1,269 પ્રાણીઓના પણ મૃત્યુ થયા હોવાનું જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે આ વિસ્તારના આઠ જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
મરાઠવાડાના 284 મહેસૂલ વિસ્તારમાં પહેલી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં કેટલેક ઠેકાણે ભારે વરસાદ પડ્યો હતો એવી માહિતી પણ અધિકારીએ આપી હતી.
આ જાનહાનિમાં છત્રપતિ સંભાજી નગર, નાંદેડ અને લાતુર જિલ્લામાં પ્રત્યેક ઠેકાણે નવ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પરભણીમાં આઠ, બીડમાં છ, જાલના અને હિંગોલીમાં પાંચ-પાંચ અને ધારાશિવમાં 2 જણના મૃત્યુ થયા હતા.
આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં થયેલા વરસાદને કારણે વિસ્તારમાં 14 મકાન તૂટી પડ્યા હતા અને 384 પાકા અને 2,423 કાચા મકાનોને આંશિક નુકસાન થયું હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. (પીટીઆઈ)