એકસ્ટ્રા અફેર

સીબીઆઈ રેપ-મર્ડરની તપાસ કરે છે કે ઘોષના ભ્રષ્ટાચારની?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં)ની કેમ વિશ્ર્વસનિયતા રહી નથી એ કોલકાત્તા રેપ-મર્ડર કેસે સાબિત કરી દીધું છે. કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની રેસિડેન્ટ મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે, ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને પછી હત્યાના કેસમાં છુપાયેલાં રહસ્યોને સીબીઆઈ બહાર લાવશે અને બળાત્કારીઓ તથા તેમને મદદ કરનારાંને લોકો સામે ખુલ્લા પાડશે.

આ આશા બિલકુલ ઠગારી નિવડી છે અને સીબીઆઈ અત્યાર લગી ના તો ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં એવું કોઈ નવું તથ્ય બહાર લાવી શકી છે કે જે કોલકાત્તા પોલીસે ના શોધ્યું હોય ને ના તો કોલકાત્તા પોલીસે પકડેલા સંજય ઘોષ સિવાયના બીજા કોઈ આરોપીને પકડી શકી છે. સીબીઆઈની આ ઘોર નિષ્ફળતા છે પણ વધારે આઘાતજનક વાત એ છે કે, ડૉક્ટર પર રેપ-મર્ડરનો કેસ બાજુ પર રહી ગયો છે ને સીબીઆઈ એ રીતે વર્તી રહી છે કે જાણે તેને ડોક્ટર પર રેપ-હત્યાની તપાસ માટે નહીં પણ આર.જી કાર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ભ્રષ્ટાચારની તપાસ કરવાનું કામ સોંપાયું છે.

ડોક્ટરની હત્યાના મુદ્દે હજુય દેશભરમાં રોષ છે, લોકો આરોપીઓને ફાંસીની સજાની માગ સાથે હજુય ઠેર ઠેર દેખાવો કરી રહ્યા છે અને કોલકાત્તામાં ૨૬ દિવસથી ડૉક્ટરો હડતાળ પાડીને દેખાવો કરી રહ્યા છે ત્યારે સીબીઆઈ ડોક્ટરની હત્યાની ઘટનાના સત્ય સુધી પહોંચવાના બદલે હાથ ધોઈને સંદીપ ઘોષની પાછળ પડી ગઈ છે. સીબીઆઈએ સોમવારે રાત્રે સંદીપ ઘોષની હૉસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓ આચરવા બદલ ધરપકડ કરી પછી બીજા ત્રણને પણ અંદર કરી દીધા છે. સીબીઆઈએ ઘોષના સિક્યોરિટી ગાર્ડ ઓફિસર અલી ઉપરાંત હૉસ્પિટલ વેન્ડર્સ બિપ્લવ સિંઘા અને સુમના હજારાની ધરપકડ કરીને જેલભેગા કરી દેવાયા છે.

આર.જી. કાર હૉસ્પિટલના સેમિનાર હોલમાં ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપાઈ એ વાતને લગભગ ત્રણ અઠવાડિયા થઈ ગયાં અને ત્રણ અઠવાડિયાં પછી સીબીઆઈ દ્વારા આ પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને ડૉક્ટર પર રેપ-મર્ડર સાથે શું લેવાદેવા છે એ ખબર નથી. ડૉક્ટરની હત્યાના કેસમાં સંખ્યાબંધ સવાલો છે પણ એ સવાલોના જવાબ સીબીઆઈ પાસે નથી. તેના બદલે સીબીઆઈ સંદીપ ઘોષે કરેલા ભ્રષ્ટાચારમાં વધારે રસ લઈ રહી છે.

સીબીઆઈ સંદીપ ઘોષ કે તેના મળતિયાઓને ઉઠાવીને જેલમા નાખે, તેમની સામે ગમે તેટલા કેસ કરે ને ઈચ્છા થાય તો તેમનાં ઘરો પર બુલડોઝર પણ ફેરવી દે તો પણ આપણને કંઈ વાંધો નથી પણ મુદ્દો એ છે કે, સીબીઆઈ ડૉક્ટરના રેપ-મર્ડર કેસમાં કશું કેમ શોધી શકતી નથી ? સીબીઆઈનું કામ તો ડૉક્ટરની હત્યાનું સત્ય શોધવાનું હતું પણ તેના બદલે તપાસ ડોક્ટર સંદીપ ઘોષ પર કેન્દ્રિત કેમ થઈ ગઈ છે ?

સીબીઆઈએ ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના મુખ્ય આરોપી સંજય રોયને પહેલાં જ પોતાના સકંજામાં લઇ લીધો છે પણ તેની પાસેથી સીબીઆઈ કશું ઓકાવી શકી નથી. બલ્કે અત્યાર લગી તો સંજય ઘોષે જ બળાત્કાર કરેલો કે હત્યા કરી હતી એવા પુરાવા પણ સીબીઆઈ મૂકી શકી નથી. ડોક્ટર સેમિનાર હોલમાં સૂતી હતી ત્યારે સંજય ઘોષ સવારે ૪.૦૩ વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશતો દેખાયો હતો ને તેના આધારે તેને પકડી લેવાયો છે.

મહિલા ડોક્ટરની ઓટોપ્સીમાં ખુલાસો થયો છે કે, બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેને માર મારવામાં આવ્યો હતો અને ગળું દબાવવામાં આવ્યું હતું પણ સંજય રોય એકલાએ જ બધું કર્યું કે બીજા હેવાનો પણ આ જઘન્ય અપરાધમાં સામેલ હતા એ સવાલનો જવાબ સીબીઆઈ ત્રણ અઠવાડિયાં પછી પણ શોધી શકી નથી. સંજય રોયે દાવો કર્યો છે કે, પોતે નિર્દોષ છે અને જ્યારે પોતે સેમિનાર હોલમાં પ્રવેશ્યો ત્યારે મહિલા ડૉક્ટર પહેલાથી જ બેભાન હતી. આ વાત સાચી છે કે ખોટી છે એ મુદ્દે પણ સીબીઆઈ મૌન છે પણ સંદીપ ઘોષના ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ અતિ ઉત્સાહ બતાવી રહી છે.

સંદીપ ઘોષ મહિલા ડૉક્ટરની હત્યાના કેસમાં પણ શંકાના દાયરામાં છે. પીડિતાના પરિવારજનોએ સંદીપ ઘોષ પર ડોક્ટરની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ડૉક્ટરની હત્યાને લગતા પુરાવાનો નાશ કરાયો હોવાનો પણ આક્ષેપ છે ને તેમા સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ છે. સીબીઆઈ એ દિશામાં કશું કરી રહી નથી ને સંદીપ ઘોષના કહેવાતા ભ્રષ્ટાચારનાં મડદાં ઉખેળી રહી છે.

આ મડદાં પણ સંદીપ ઘોષ સાથે કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટક ડો. અખ્તર અલીની અરજીના આધારે ઉખેળવામાં આવી રહ્યાં છે. ડો. અખ્તર અલીએ કરેલા નાણાકીય ગોટાળાના આક્ષેપના કેસમાં સંદીપ ઘોષ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. હાઈ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં અખ્તર અલીએ સંદીપ ઘોષ પર ક્લેમ ન કરાયેલી લાશોનું ગેરકાયદેસર વેચાણ, બાયોમેડિકલ વેસ્ટની હેરાફેરી અને દવા અને મેડિકલ સાધનોના સપ્લાયર્સ પાસેથી કમિશન લઈને ટેન્ડર પાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. ડો. અલીએ એવો પણ દાવો કર્યો હતો કે, ઘોષ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાવવા માટે ૫થી ૮ લાખ રૂપિયા આપવા કહેતો હતો.

આ આક્ષોપો ગંભીર છે ને તેની તપાસ થવી જોઈએ તેની ના નથી પણ મુખ્ય તપાસ ડોક્ટરના રેપ-મર્ડરની છે. આ કેસમાં સંદીપ ઘોષની શું ભૂમિકા કે બીજા કોણ કોણ સામેલ છે એ સીબીઆઈ શોધી શકતી નથી તેથી સંદીપ ઘોષને પકડીને પોતાની નિષ્ફળતા છુપાવવા મથી રહી છે એવું લાગે છે.

સંદીપ ઘોષ દેવનો દીકરો નથી કે સંત નથી તેથી તેને અંદર કરાયો તેનો અફસોસ કરવા જેવો નથી. છાપેલા કાટલા જેવા સંદીપ ઘોષે ફેબ્રુઆરી ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી આરજી કાર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ભ્રષ્ટાચાર કર્યો હોય ને તેના ભ્રષ્ટાચારને છાવરવામાં આવ્યો હોય તો તેમને પણ ઉઘાડા પાડવા જોઈએ પણ ડોક્ટરના રેપ-મર્ડરને લગતા સવાલોના જવાબો પણ મળવા જોઈએ.

સીબીઆઈ એ જ નથી કરી રહી તેથી તેની વિશ્ર્વસનિયતા સામે ફરી શંકા ઊભી થઈ છે.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?