વાદ પ્રતિવાદ

આકાશના થાંભલા: આદમી હું આદમી સે પ્યાર કરતા હું

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જગતના તમામ ધર્મો પછી આવેલા ઈસ્લામ ધર્મના બુનિયાદી (પાયાના) જે નિયમો- સિદ્ધાંતો છે તેમાં ઈમાનદારી (સચ્ચાઈ, સત્ય) છે અને નેકી (પ્રમાણિક) માર્ગે કમાયેલી ધન-દૌલતને ઈબાદત (પૂજા)નો એક મહત્ત્વનો ભાગ લેખવામાં આવ્યો છે.

આપણે ત્યાં પૂર્વજોથી ચાલી આવેલી એક પ્રચલિત કહેવત છે ‘આહાર તેવો ઓડકાર અને નિયત તેવી હરકત.’ ઈસ્લામ અલ્લાહ (ઈશ્ર્વર)નો ઈલાહી ધર્મ તરીકે પ્રસ્થાપિત થયો છે તેમાં ઉમ્મત (અનુયાયી, પ્રજાજનો)ને નેક નિયતની હિદાયત (બોધ, જ્ઞાન) સાથે ધર્મના ધ્વજને લહેરાતો રાખવા ઈલ્મોજ્ઞાન અને એ થકી જીવન શ્રેષ્ઠ બનાવવા નસીહત આપવામાં આવી છે.

વ્હાલા વાચક મિત્રો! ઉમ્મતની દરેક ઈબાદત તેની નિયત (આશય, ઈરાદો) મુજબ શક્ય બને છે. આ સંદર્ભમાં એક બોધ આપનારું દૃષ્ટાંત રાહબર બની રહેવા પામશે:

પયગંબર હઝરત મુહંમદ (સલ) પાસેથી એક શખસ પસાર થયો. આપ હુઝૂરે અનવર (સલ.) પાસે બેઠેલા એક સહાબી (સાથી)એ અરજ કરી કે, ‘યા અલ્લાહના રસૂલ! આ માણસની મહેનત અલ્લાહના માર્ગમાં હોત તો કેટલું સારું થાત!’ આમ હુઝૂરે અનવર (સલ.) ફરમાવ્યું કે- ‘જો એ ઈન્સાન પોતાના નાના નાના સંતાનોનાં પાલણપોષણ માટે દોડી રહ્યો છે, તો તેની દોડ અલ્લાહના માર્ગમાં જ લેખાશે, પરંતુ જો તે પોતાની જાત માટે દોડી રહ્યો છે અને તેનો ઈરાદો એવો હોય કે લોકો સમક્ષ હાથ ફેલાવવો ના પડે, તો તેની એ દોડ પણ પરવરદિગારે આલમના માર્ગમાં જ ગણાશે, પરંતુ જો તેની દોડાદોડ (પ્રયત્નો) એવા હેતુથી હોય કે લોકો સમક્ષ પોતાની મોટાઈ બતાવે અને માલદારી (શ્રીમંતાઈ)નું પ્રદર્શન કરે, તો તેની આ બધી જ મહેનત સેતાનના માર્ગમાં જ ગણાશે.’

મજકુર હદીસ શરીફની હિદાયતમાં નિયત જોવામાં આવશે તેનો ઉલ્લેખ છે.

આ હદીસ (હુઝૂરે અનવર-સલ.ના કથનો)નો સ્પષ્ટ અર્થ એવો નથી કે માણસે વધારે ધન નહીં કમાવું જોઈએ. માલોદૌલત જરૂર કમાવ અને તેનો ખર્ચ કરો, ત્યારે અલ્લાહના માર્ગનો વિચાર પણ કરો. રબની રાહ એટલે ફકીરો- મહોતાજોને જ આપો એવું નથી, પરંતુ તમારા બાળકો, માતા-પિતા, પત્ની પરિવાર માટે અથવા તમારે કોઈની પાસે હાથ લંબાવવો ના પડે, તમારી જરૂરિયાતોને તમે પહોંચી વળો, તે કારણે વધારે મહેનત કરતા હો, તો એ અલ્લાહના માર્ગની જ દોડાદોડ (કોશીશો) લેખાશે. નેક માર્ગે કમાયેલી દૌલત અને પરિશ્રમ ઈબાદતનો જ એક ભાગ છે.

મહાન સૂફી હઝરત સૂફિયાન સૌરી (રદ્યિતઆલા અન્હો)નું એક કથન છે કે, ‘નબુવ્વત અને ખિલાફત કાળમાં ધનસપંત્તિને અપ્રિય ગણવામાં આવતી હતી, પરંતુ હવે આપણા જમાનામાં માલ-દૌલત તો મોમીનની ઢાલ છે.’ આપ ફરમાવો છો કે- ‘આપણી પાસે દિરહમ અને દિનાર (નાણાં)ના હોત તો બાદશાહો- શહેનશાહો આપણને તેમના રૂમાલ (મોઢું લુછવા) બનાવી દેત.’ પરંતુ સમયે કરવટ (પડખું) બદલ્યું છે. આજે તો એવો જમાનો આવ્યો છે, કે જો કોઈ શખસ જરૂરતમંદ હશે અથવા કોઈ વ્યક્તિ પોતાના લાભાલાભ માટે ધર્મને વેચી મારવા સુધ્ધાં સહેજે ખચકાશે નહીં.

‘મિશ્કાત’માં હઝરત સૂફિયાન આગળ ફરમાવે છે કે- ‘હલાલ (ઈમાનદારીપૂર્વક)ની કમાણીમાં નકામો વ્યય થતો જ નથી.’ ટૂંકમાં સારાંશ એ નીકળે છે, કે જાઈઝ (હક્ક)ના સાધનોથી ધનસંપત્તિ મેળવો તથા ઘરખર્ચ અને બીજા સારા કામોમાં વાપરીને સૃષ્ટિના સર્જનહારને રાજી કરો. ઈસ્લામ ધર્મમાં જેટલી પણ ઈબાદતો છે, બધાનો આધાર નિય્યત (દાનત) પર અવલંબે છે. નેક ઈરાદા- આશયથી કરેલ દરેકે દરેક કાર્ય અલ્લાહના દરબારમાં સ્વીકાર્ય બને છે. તેના મીઠા ફળ આ દુનિયામાં તો મળે છે, પરંતુ આખેતરમાં પણ મળે જ છે.

નિખાલસતાપૂર્વક કરેલી ઈબાદત, ધંધોરોજગાર, સગાં-સંબંધીઓ સાથેના વ્યવહાર કુદરતી આફતો સામે ઢાલ બને છે. બંદાના આમાલ (કર્મ) થતા હોવાના લીધે જ ખુદાવંદે કરીમનો ઈન્સાનઝાત પરનો વિશ્ર્વાસ હજુ ટકી રહ્યો છે. આ કર્મો જ આકાશના થાંભલા છે. તેમાં વધારો થતો રહેશે.

  • સલિમ- સુલેમાન
    બોધ:

    જે ઈન્સાનના અંગમાં સમસ્ત જગતને અત્યંત પ્રિય લાગે એવું શીલ (સ્વભાવ, ચારિત્ર્ય) પ્રકટ થયું છે તેને માટે અગ્નિ જળ જેવો શીતળ બની જાય છે, મેરુ પર્વત નાનકડી શિલા જેવો, સિંહ મૃગજળ જેવો અને ઝેર અમૃતની વૃષ્ટિ સમાન બની જાય છે.

ઈલ્મ અમલનું જ્ઞાન આપે છે
પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામ (અલ્લાહ તરફથી આપના પર શાંત રહે- સલામહોજો)ને ચાહનારો એક શખસ હંમેશાં તેમની સાથે રહેતો હતો અને ઈલ્મ (જ્ઞાન, વિદ્યા) મેળવતો હતો. લાંબા સમય પછી તેણે હઝરત મુસા અલૈયહિસલ્લામ પાસે પોતાના ઘરે જવાની રજા માંગી.

પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામે તે શિષ્યને રજા આપી અને ફરમાવ્યું- ‘જાવ તમારા ભાઈઓ, સગાંસંબંધીઓ, કુટુંબીજનોને મળો; પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે અલ્લાહે તમને જે ઈલ્મ- જ્ઞાન આપ્યું છે તેના પર તમારા ઈલ્મ પ્રમાણે અમલ કરજો અને ઈલ્મના બદલામાં દુનિયાની ઈચ્છા નહીં કરતાં, નહીંતર નુકસાન ઉઠાવશો.’

તે શાગીર્દે કહ્યું- ‘મને અલ્લાહ પાસેથી ભલાઈની ઉમ્મીદ (આશા) છે.’

તે શિષ્ય ચાલી ગયો અને લાંબા સમય સુધી પયદંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામ પાસે પાછો ફર્યો નહીં. હઝરત મુસા અલૈયહિ સલ્લામ તેના વિશે લોકોને પૂછપરછ કરતા રહ્યા પરંતુ તેના કોઈ ખબર મળ્યા નહીં. એક દિવસ આપ હઝરતે ફરિશ્તા હઝરત જીબ્રઈલ અલૈયહિ સલ્લામને પૂછયું- ‘તમે મારા ફલાણા શાગીર્દને જોયો છે?’

હઝરત જીબ્રઈલ અલૈયહિ સલ્લામે કહ્યું- ‘હુઝૂર! તે મસ્ખ થઈને વાંદરો બની ગયો છે.’

હઝરત મુસા અલૈયહિ સલ્લામે ફરમાવ્યું- ‘તેણે શું ગુનાહ કર્યા હતા?’

હઝરત જીબ્રઈલે અર્ઝ (વિનંતી) કરી- અલ્લાહે તેને ઈલ્મોજ્ઞાન અતા કર્યું હતું, પરંતુ તેણે તે ઈલ્મોજ્ઞાનને દુનિયાના બદલામાં વેચી દીધું, તેથી તેને અલ્લાહતઅલ્લાએ મસ્ખ (શકલો સુરત, ચહેરામોહરા, નાક-નકશો બદલી નાખી વાંદરો બનાવી દીધો. (નોંધ: અરબી ભાષામાં તેને ‘મસ્ખ’ શબ્દથી સંબોધવામાં આવે છે.)

સાપ્તાહિક સંદેશ

  • ઉપકાર કરવો એ શ્રેષ્ઠ ધર્મ છે.
  • પોતાનું કર્મ નિપુણતાપૂર્વક કરવું એ શ્રેષ્ઠ અર્થ છે.
  • યોગ્ય પાત્રને (આપવા યોગ્ય હોય તેને) આપવું એ શ્રેષ્ઠ કામ (ઈચ્છા તૃપ્તિ છે અને
  • સર્વ તૃષ્ણાઓ છોડી દેવી તે મોક્ષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button