આમચી મુંબઈ

મુંબઈના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્રોજેક્ટમાં કેમ માત્ર ઈઝરાયેલી કંપનીને જ રસ છે?

આ સવાલનો જવાબ શોધવા ક્ધસલ્ટન્ટ નિમશે સુધરાઈ:

ફરી વાર ફક્ત એક કંપની આગળ આવતા ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અનેક વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે માત્ર એક જ કંપની આગળ આવતા પાલિકાએ ટેન્ડર ભરવા માટેની મુદત વધાર્યા બાદ પણ કોઈ આગળ નહીં આવતા છેવટે ટેન્ડર રદ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે કોઈ કંપની આ પ્રોજેક્ટમાં કેમ આગળ આવતી નથી તેનો અભ્યાસ કરવા માટે હવે પાલિકા ક્ધસલ્ટન્ટ નીમવાની છે.

મુંબઈને પ્રતિદિન કરવામાં આવતા પાણીપુરવઠામાં ૨૦૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો વધારો કરવા માટે સુધરાઈએ મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જોકે ટેન્ડર બહાર પાડવાને આઠ મહિના થઈ ગયા હોવા છતાં પાલિકા યોગ્ય બિડર શોધી શકી નથી. આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે માત્ર ઈઝરાયલસ્થિત એક જ કંપની આગળ આવી હતી. તેથી ટેન્ડર ભરવા માટેની મુદત વધારીને ૨૯ ઑગસ્ટ, ૨૦૨૪ કરી નાંખવામાં આવી હતી અને મુદત પૂરી થયા બાદ પણ કોઈ કંપની આગળ આવી નથી.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા બહાર પાડેલા ટેન્ડર માટે એક જ કંપની આગળ આવી હતી. આ કંપની જગતની અગ્રેસર કંપની છે. તેને ખારા પાણીને પીવા યોગ્ય બનાવવાનો સારો એવો અનુભવ છે. અનેક દેશોમાં આ કંપની જ ખારા પાણીને પીવા યોગ્ય બનાવવાનું કામ કરે છે. છતાં એક જ ટેન્ડર આવતા નિયમ મુજબ તેને રદ કરવામાં આવ્યું છે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આ બાબતે જણાવ્યું હતું કે ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ જલદીમાં જલદી અમલમાં લાવવાનો પ્રયાસ છે. પરંતુ અત્યાર સુધી ત્રણ વખત તેની માટે ટેન્ડર બહાર પાડ્યા છે. પરંતુ હંમેશની માફક એક જ કંપની આગળ આવી છે, તેથી ટેન્ડર રદ કરી દેવામાં આવ્યા છે. પાલિકા માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે, પરંતુ કોઈ કંપની તે માટે આગળ આવતી નથી. તેથી કંપનીઓ કેમ આગળ આવતી નથી? કંપનીઓને કઈ શરતો અને નિયમો આગળ આવતા નડી રહ્યા છે, તેનો પાલિકા હવે અભ્યાસ કરશે અને તેમ માટે બહુ જલદી ક્ધસલ્ટન્ટ નિમવા બાબતે પ્રશાસનનો વિચાર છે.

હાલ મુંબઈને દરરોજ ૩,૯૦૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી વસતી માટે આટલું પાણી પૂરતું નથી. એમ તો પાલિકાએ ગાર્ગઈ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, પરંતુ તેને અમલમાં આવતા લાંબો સમય લાગવાનો છે. તેથી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાલિકાએ પાણીપુરવઠામાં વધારો કરવા માટે ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. મલાડના મનોરી સ્થિત પ્રસ્તાવિત ડિસેલિનેશન પ્લાન્ટમાં શરૂઆતમાં ૨૦૦ એમએલડીની ક્ષમતા હશે અને ભવિષ્યમાં ૪૦૦ એમએલડી સુધી વિસ્તરણ કરવાની ક્ષમતા રહેશે. આ પ્લાન્ટ આગામી ચાર વર્ષમા ચાલુ કરવાની પાલિકાની યોજના છે. પ્રોજેક્ટ પાછળ લગભગ ૩,૫૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

ફેબ્રુઆરી ૨૦૨૧માં પાલિકાએ આ પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રપોઝલ તૈયાર કરવા માટે ઈઝરાયલી કંપનીની નિમણૂક કરી હતી. પાલિકાએ જાન્યુઆરી ૨૦૨૨માં ઈઝરાયલ ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેઈલ પ્રપોઝલનું મૂલ્યાંકન કરવા માટે એક કંપનીની નિમણૂક કરી હતી. ૪ ડિસેમ્બર, ૨૦૨૩ના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે પ્લાન્ટ ઊભો કરવા માટે એક ટેન્ડર નોટિસ જાહેર કરી હતી. ટેન્ડર માટે અનેક વખત મુદત વધાર્યા બાદ પણ મર્યાદિત લોકો તરફથી રસ બતાવવામાં આવ્યો હતો. ૧૦ જુલાઈના ટેન્ડરની મુદત વધારવામાં આવ્યા બાદ બે બિડ સબમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટે બિડર્સના દસ્તાવેજો સાથે ટેક્નિકલ સમસ્યાઓ હોવાનું જણાવતા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button