ટેસ્ટના વર્લ્ડ કપની ત્રીજી ફાઇનલ પણ ઇંગ્લૅન્ડમાં, આ વખતે રમાશે…
પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત નંબર-વન, ઑસ્ટ્રેલિયા નંબર-ટૂ છે: બાંગ્લાદેશ ચોથા નંબર પર આવી ગયું
દુબઈ/લંડન: દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ 2025ની સાલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલ માટેનું સ્થળ નક્કી કરી લીધું છે. ટેસ્ટના વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ સ્પર્ધાની નિર્ણાયક મૅચ ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં 2025ની 11મી જૂનથી રમાશે. 16મી જૂનનો દિવસ રિઝર્વ-ડે તરીકે નક્કી કરાયો છે.
2021માં ડબ્લ્યૂટીસીની પ્રથમ ફાઇનલ ઇંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનમાં અને 2023માં બીજી ફાઇનલ ઇંગ્લૅન્ડના ઓવલમાં રમાઈ હતી. હવે ત્રીજી ફાઇનલ પણ ઇંગ્લૅન્ડની જ ધરતી પર રમાશે અને એ માટે આઇસીસીએ ક્રિકેટના મક્કા તરીકે જાણીતા લંડનના લૉર્ડ્સ ગ્રાઉન્ડને પસંદ કર્યું છે.
ભારત એકમાત્ર દેશ છે જેણે ડબ્લ્યૂટીસીની બન્ને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2021ની ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને 2023ની ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારત અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં 68.52 પૉઇન્ટ સાથે મોખરે અને ઑસ્ટ્રેલિયા 62.50 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબરે ન્યૂ ઝીલૅન્ડ (50.00) ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ (45.83) મંગળવારે પાકિસ્તાન સામે 2-0થી સિરીઝ જીતીને ચોથા નંબર પર આવી ગયું છે. ઇંગ્લૅન્ડ (45.00) પાંચમા અને સાઉથ આફ્રિકા (38.00) છઠ્ઠા નંબરે છે. ત્યાર પછીના બે ક્રમે શ્રીલંકા (33.33) તથા પાકિસ્તાન (19.05) છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની 0-2ની હારને કારણે ડબ્લ્યૂટીસીની પૉઇન્ટ્સ-ટેબલમાં જોરદાર પછડાટ ખાધી છે. વેસ્ટ ઇન્ડિઝ (18.52) નવમા નંબરે છે.