વેર -વિખેર -પ્રકરણ -૫૩
કોઈને ત્યાં જઈને બે ઘડી આનંદ માણી આવવો એ એક વાત છે, પણ એ જ વ્યક્તિની કટોકટી વેળાએ એની પડખે ઊભા રહેવું તે તદ્ન જુદી વાત છે…
કિરણ રાયવડેરા
‘અબ આયેગા મઝા…’ બોલતાં જતીનકુમાર કમરામાં દાખલ થયા ત્યારે રેવતી ચમકી ઊઠી.
‘કઈ મઝાની વાત કરો છો તમે?’ રેવતી શંકાશીલ થઈ ઊઠી. પતિદેવ કોઈ નવું ગતકડું નથી કર્યું ને?
‘હવે કઈ મઝા… મારી જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે, નથી જિવાતી કે નથી ફેંકાતી.’ જતીનકુમારે ઝડપભેર સ્પષ્ટતા કરી દીધી.
કરણ સાથેની વાતચીત બાદ એ થોડા વધુ ઉત્સાહમાં આવી ગયા હતા અને એમનાથી બોલાઈ ગયું હતું – ‘અબ આયેગા.’
‘ડો. પટેલની ક્લિનિકમાંથી મળેલી ઇન્ફોર્મેશનના આધારે એણે કરણને કહ્યું હતું કે તારો બાપ કોલકાતાની લેનિન સરણીના એક મકાનમાં કોઈ સ્ત્રી સાથે રહે છે’ એ સાંભળીને કરણ ધૂંઆપૂંઆ થઈ ગયો હતો. એને ડર હતો કે કરણ એકાદ અડબોથ લગાવી દેશે અને એટલે એ થોડા પાછળ પણ ખસી ગયા હતા. જોકે, ડોક્ટર પટેલ પાસેથી આ ખબર મળી છે એ જાણ્યા બાદ કરણ ઢીલોઢફ થઈ ગયો હતો.
પહેલાં તો કરણ પોતાના કમરામાં ચાલ્યો ગયો હતો. થોડી વાર બાદ એ કમરાથી નીકળીને ઝડપભેર બહાર નીકળી ગયો હતો.
જતીનકુમારને ખબર હતી કરણ ક્યાં જઈ રહ્યો હતો. કરણ લેનિન સરણીમાં આવેલા ‘મેગ્નમ’ નામના મકાનમાં બે દિવસથી રહેલા જગમોહન દીવાનને મળવા જઈ રહ્યો હતો. એટલે જ એ ઉત્સાહમાં આવીને બોલી ઊઠ્યા હતા :
‘અબ આયેગા મઝા’, પણ બાપ-દીકરા વચ્ચેની મુલાકાત પ્રત્યક્ષ જોવા મળે તો ખરેખર મઝા પડી જાય.
કરણને બાપ પર પ્રેમ ખરો પણ સહનશક્તિ ઓછી હોવાને કારણે તોછડાઈભર્યું વર્તન કરી બેસે. જગમોહન દીવાનની તો ‘કાપો તો લોહી ન નીકળે’ એવી સ્થિતિ થશે. આવો તમાશો બીજે ક્યાં જોવા મળે?!
‘હવે તમે શું વિચારે ચડી ગયા? બહુ ફિકર કરો મા. ઉપરવાળો સહુ સારાં વાનાં કરશે.’ રેવતી બોલી ઊઠી.
‘હવે તારો ઉપરવાળો બહુ જ બિઝી છે. તારા બાપ પાસે આપણા માટે ટાઇમ ન હોય તો ઉપરવાળો ક્યાં સમય કાઢવા નવરો છે’ જતીનકુમાર ઉદાસ સ્વરે બોલ્યા.
‘એમ તને જીવ કોચવો મા. મેં મમ્મીને વાત કરી છે. એમણે મને પ્રોમિસ આપ્યું છે કે આ વખતે એ પપ્પા સાથે વાત કરશે.’
પતિને હૈયાધારણ આપતી રેવતી બોલી હતી.
‘તો તો સારું. બાકી આ લોકોનાં કઠોર હૃદય પીગળે એવું હું નથી માનતો. તને ભરોસો હોય તો તું ટ્રાય કરી શકે છે. બાકી તારી મમ્મીનું ક્યાં કંઈ ઊપજે છે! તારો બાપ એની એકે વાત માનતો નથી.’ જતીનકુમારે પત્નીને ઉશ્કેરી.
‘તો તમે ભૂલ કરો છો. જ્યારે મમ્મી નક્કી કરે ત્યારે પોતાનું ધાર્યું કામ કરાવી શકે. હવે તમે બસ, જોતા જાવ.’
‘તો તો સારું… છેલ્લે છેલ્લે સારા દિવસો તો જોવા મળશે.’ જતીનકુમાર બોલ્યા. રેવતીનું હૃદય દ્રવી ઊઠ્યું.
‘એવું શું બોલતા હશો! હું ફરી મમ્મીને વાત કરીશ, તમે ફિકર કરો મા. મારા પર બધું મૂકી દો.’
‘હા, હવે બધું તારા પર જ મૂક્યું છે.’ જતીનકુમાર બોલીને બહાર નીકળી ગયા. મકાનની બહાર નીકળતાં એ ગણગણતા હતા:
‘અબ આયેગા મઝા!’
શ્યામલીના ફોન આવ્યા બાદ વિક્રમ એના મકાન તરફ તાકતો રહ્યો. આટલી વારમાં એવું શું બની ગયું કે શ્યામલી પર જોખમ આવી શકે!
શ્યામલીએ હમણાં જ ફોન કરીને તાકીદ કરી હતી.
‘વિક્રમ, તાબડતોબ મારા ઘરે આવી જાઓ. મારી જિંદગી જોખમમાં છે.’
શ્યામલી કદાચ એમ સમજે છે કે એ પોતાની ઑફિસે પહોંચી ગયો હશે. એને ખબર નથી કે એ ક્યારનો એના ફ્લેટની નીચે જ ઊભો છે.
રિંગટોનનો અવાજ સાંભળતાં વિક્રમે ફોન કાને ધર્યો:
‘સર, કામથ હિયર. સર, તમારો શક સાચો છે. શ્યામલી અને કુમાર ચક્રવર્તીનું સરનામું એક જ છે. આપણી ઑફિસે આવ્યો એ માણસ શ્યામલી ચક્રવર્તીનો વર જ હતો. અનું મૃત્યું થઈ ગયું છે એ વાત પણ સાચી. ઘણા એમ પણ કહે છે કે દેણું બહુ વધી જતાં એણે આપઘાત કર્યો હતો. હવે એની પત્ની બિચારી એકલી ફ્લેટમાં રહે છે.’
વિક્રમ હસ્યો. એકલી સ્ત્રીની વાત આવે કે દરેક પુરુષના મનમાં સહાનુભૂતિની સરવાણી ફૂટી નીકળે. એ પણ તો ધોધમાર વરસાદમાં શ્યામલીને ભીંજાતાં જોઈને પીગળી ગયો હતો ને!
વિજય કામથ વિચારતો હતો કે બિચારી શ્યામલી એકલી ફ્લેટમાં રહે છે, એને ક્યાંથી ખબર હોય કે એનો બોસ વિક્રમ દીવાન શ્યામલીની એકલતા દૂર કરવા વારંવાર એ ફ્લેટની મુલાકાત લે છે.
વિક્રમ ધીમા પગલે શ્યામલીના મકાન તરફ આગળ વધ્યો.
ઉપર તો જવું પડશે. શ્યામલીએ બોલાવ્યો છે અને એ નહીં જાય તો સારું નહીં લાગે.
કોણ જાણે કેમ પણ શ્યામલીના પતિના હમશકલ માણસ સાથે અથડાયા બાદ વિક્રમને શ્યામલીના ઘરે જવાની ઇચ્છા નહોતી થતી. એના મને જાણે શ્યામલી વિરુદ્ધ ફેંસલો સુણાવી દીધો હતો. શ્યામલીને બચવાની એક પણ તક આપ્યા વિના એણે જાણે મનોમન ચુકાદો આપી દીધો હતો. શ્યામલી ઈઝ ગિલ્ટી, શ્યામલી ગુનેગાર છે.
બીજું, કોઈને ત્યાં જઈને બે ઘડી આનંદ માણી આવવો એ એક વાત છે, પણ એ જ વ્યક્તિની કમજોર ક્ષણે કે એના જીવનની કટોકટી વેળાએ એની પડખે ઊભા રહેવું તે તદ્દન જુદી વાત છે.
કોઈની સમસ્યામાં ગુંચવાઈ જવામાં વિક્રમને બિલકુલ રસ નહોતો.
એમાંય હવે શ્યામલી પર શક થવા માંડ્યો છે તો એનાથી દૂર રહેવું જ સલામત છે.
વિક્રમે ઘડિયાળ સામે જોયું. હવે ઉપર જઈ શકાય. એ ઝડપથી મકાન ભણી આગળ વધ્યો અને લિફ્ટના માર્ગે ઉપર ગયો.
શ્યામલીના ફ્લેટની બહાર ઊભા રહીને એણે કોલબેલ દબાવી.
શ્યામલીએ દરવાજો ખોલીને એને ત્વરાથી અંદર ખેંચી લીધો. એનો ચહેરો રડમસ હતો અને વાળ અસ્તવ્યસ્ત.
‘વિક્રમ. વિક્રમ…’ શ્યામલી બોલી જ નહોતી શકતી.
‘હા, હા શ્યામલી બોલ શું થયું? હવે તો હું આવી ગયો છું.’
શ્યામલીને જોઈને વિક્રમનું હૃદય કૂણું પડી ગયું.
‘વિક્રમ, તારા ગયા બાદ એક ફોન આવ્યો હતો.’ શ્યામલી માંડ માંડ બોલી શકી. વિક્રમ શ્વાસ રોકીને શ્યામલીની વાત સાંભળતો હતો.
‘કોઈ અજાણ્યો અવાજ હતો. રાબેતા મુજબ મેં હલ્લો’ ન કર્યું એટલે પેલી વ્યક્તિએ કહ્યું કે શ્યામલી, મને ખબર છે કે તું જ છે… તું નહીં બોલે તો પણ તારા શ્વાસથી હું તને ઓળખી કાઢીશ.’ શ્યામલીની આંખોમાં આંસુ ધસી આવ્યાં.
‘આવી વાતો કરવાવાળું કોણ ફૂટી નીકળ્યું?’ વિક્રમે કુતૂહલવશ પૂછ્યું.
‘મેં એને ધમકી આપતાં પૂછયું : તમે કોણ છો? અને મન શા માટે ફોન કર્યો છે? તો એ નફ્ફટાઈથી બોલ્યો, શ્યામલી મને ન ઓળખ્યો? હું તારો પતિ છું. યોર હસબન્ડ! તું મને જોઈશ તો મને તરત જ ઓળખી લઈશ. હવે મેં દાઢી વધારી લીધી છે, પણ તને ઓળખવામાં વાંધો નહીં આવે. શ્યામલી, હવે હું રખડી રખડીને થાકી ગયો છું. હવે મારે ઘરે આરામ કરવો છે…’
આટલું કહેતા શ્યામલી ધ્રુજી રહી હતી.
‘અરે પણ એ તારો પતિ કેવી રીતે… શ્યામલી, સાચું કહે, એ તારો પતિ જ હતો?’
વિક્રમને રસ્તામાં ભટકાયેલો દાઢીવાળો માણસ યાદ આવી ગયો.
‘ના, વિક્રમ ના, મારો પતિ તો રોડ અકસ્માતમાં ગુજરી ગયો છે. મેં જ એના શબની ઓળખવિધિ કરી હતી. આ કોઈ લેભાગુ ઠગ છે. મેં જ્યારે એને ચેલેન્જ કર્યો તો એ કહે કે હું તારો પતિ છું કે નહીં એની કડાકૂટમાં નહીં પડ. હું એના જેવો દેખાઉં તો છું ને! અને હા, બહુ સ્માર્ટ બનતી નહીં, નહીંતર તારા ઘરે તારો આશિક વિક્રમ દીવાન અવારનવાર આવે છે એ મને ખબર છે. બહુ હોશિયારી કરી છે તો બધાં છાપાંવાળાને વિક્રમ દીવાનની એ ખાનગી મુલાકાત વિશે જાણ કરી દઈશ.!’
વિક્રમના શરીરમાં એક કંપરી છૂટી ગઈ.
આવતીકાલના છાપાનાં મથાળાં એની આંખો સામે તરવરવા લાગ્યાં :
‘ધનાઢ્ય દીવાન પરિવારના જ્યેષ્ઠ પુત્રનું લફરું! ’
પોતે વળી આ કઈ મુસીબતમાં ફસાઈ ગયો?
આ માણસ કોણ છે જે શ્યામલીને પણ જાણે છે અને એને પણ ઓળખે છે?
એ કોઈ પ્રોફેશનલ ઠગ છે એટલે શ્યામલીને એનાથી બચાવવી જોઈએ. પોતે શ્યામલી પર શક કરતો હતો એ વાત યાદ આવતાં વિક્રમ શરમ અનુભવી રહ્યો. આ બાઈ તો પહેલેથી જ દુખિયારી છે એમાંય એને કોઈ લે-ભાગુ ભટકાઈ ગયો.
‘શ્યામલી, તું ફિકર નહીં કર. મને પણ થોડી વાર પહેલાં એક દાઢીવાળો નીચે રસ્તા પર ભટકાઈ ગયો હતો. એના ચહેરો બિલકુલ તારા પતિ જેવો લાગતો હતો. એક વાર જોઈને તો હું પણ ચકરાઈ ગયો. તું એ બધું મારા પર છોડી દે. આવા તો કેટલાયને મેં સીધાદોર કરી નાખ્યા છે. એકલી સ્ત્રીને ભાળીને એ લોકો ધાકધમકી આપવા આવી જાય છે, પણ એ મવાલીને મારી તાકાતની ખબર નથી.’ વિક્રમ જોશમાં આવી ગયો હતો.
શ્યામલી પર ગમે તેવી મુસીબત આવી પડી હોય એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આ બિચારી કબૂતર જેવી શ્યામલી પોતે તો વફાદાર અને નિર્દોષ છે.
‘થેન્ક યુ વિક્રમ, તારા સહારે જ હું જીવતી રહી શકી છું’ કહીને એ વિક્રમને વળગી પડી. વિક્રમ ક્યાંય સુધી એની પીઠ પર હાથ પસરાવતો રહ્યો.
શ્યામલીનો ચહેરો વિક્રમને દેખાતો નહોતો.એ વખતે શ્યામલીના ચહેરા પર એક માર્મિક સ્મિત રમતુ હતું.
કરણ અને જગમોહનની વચ્ચે મારૂતિવાન આવીને ઊભી રહી જતાં જગમોહન વિહ્વળ થઈને દોડ્યો : ‘અરે, સૂનો.’એ ચિલ્લાતો હતો.
મારૂતિ હજી ત્યાં જ ઊભી હતી. કરણ અચાનક દેખાતો બંધ થઈ ગયો હતો. જગમોહન હાંફળોફાંફળો થઈ ગયો. એને ભય લાગ્યો : એ લોકો કરણનું કિડનેપીંગ કરતા હશે!
એ સામે પાર પહોંચ્યો ત્યાં સુધી મારૂતિ ત્યાં જ ઊભી હતી. જગમોહને આજુબાજુ નજર દોડાવી.
કરણ સામે જ ઊભો હતો. વાનની આડે એ ઢંકાઈ ગયો હતો. કરણને એ વળગી પડ્યો.:
‘ઓહ માય સન, આટલી વારમાં તો મને કેવા કેવા વિચારો આવી ગયા. મને એક કે…’
‘કે હું કિડનેપ થઈ ગયો?’ કરણે વાક્ય પૂરું કર્યું. જગમોહને જોયું કે કરણનો ચહેરો ભાવશૂન્ય હતો. કદાચ નારાજગીની એકાદ રેખા ચહેરા પર ખેંચાયેલી હતી.
‘કરણ, યુ આર અપસેટ. હું તને બધું સમજાવીશ. તું એક વાર ઉપર આવ. આપણે સાથે બેસીએ. હું કોઈ છોકરી સાથે રહું છું એ પણ તને ખબર પડી જશે. જતીનકુમાર જેવા માણસની વાતમાં તું આવી ગયો? તને મારા પપ્પા પર વિશ્વાસ નહોતો? તું મને ફોન કરી શક્યો હોત…’ જગમોહનનું ગળું ભરાતું હતું. ગઈ કાલે મેટ્રો સ્ટેશને કૂદી પડતાં પહેલાં એને કરણનો ચહેરો યાદ આવ્યો હતો.
‘પપ્પા, આઈ એમ સોરી, મને કંઈ સૂઝ્યું નહીં એટલે જતીનકુમારની વાત સાંભળીને મેં ચિઠ્ઠી લખી નાખી. બે દિવસથી તમને નહોતા જોયા એટલે મન પણ મૂંઝાઈ ગયું હતું.’
કરણની આંખમાં પણ આંસુ ઊભરાઈ આવ્યાં.
રસ્તામાં ઊભા રહેવું સારું નહીં લાગે એવું વિચારીને કરણને હાથ પકડીને જગમોહન એને ગાયત્રીના મકાન તરફ લઈ ગયો. રસ્તામાં એણે ગઈ કાલે ગાયત્રીએ એવો કેવી રીતે જીવ બચાવ્યો એ વિશે વાત ટૂંકમાં કરી દીધી.
‘કરણ, તેં મારી ડાયરી વાંચી લીધી છે એટલે તારાથી શું છુપાવું પણ ગાયત્રી ન હોત તો કદાચ હું આજે અહીં હયાત ન હોત..!’
જગમોહને ગાયત્રીના ઘરની બહાર કોલબેલ દબાવતા કહ્યું.
ગાયત્રીએ બારણું ખોલ્યું અને કરણને આવકાર આપ્યો. કરણ ફક્ત એટલું જ બોલી શક્યો : ‘સોરી !’
ગાયત્રીએ કહ્યું : ‘ઈટસ ઓલરાઇટ. હમણાં સુધી તારા પપ્પા એક દીકરી સાથે રહેતા હતા. હવે તું પણ એની સાથે જ રહે. વેલ કમ ’
‘માફ કરજો, હું તમારા વિશે શું શું ધારી બેઠો હતો.’
‘તમારા નહીં, તારા… ઓ.કે.? વી આર ફ્રેન્ડ્સ’
‘ઓહ બાપ રે, કરણ આવ્યો કે કાકુ ગાયબ?! ’
‘યસ કાકુ, મારા અને કરણમાં એક સામ્ય છે. બંને પોતાના પિતાને ખૂબ ચાહીએ છીએ.’
થોડી પળ માટે ભારેખમ મૌન છવાઈ રહ્યું.
‘પપ્પા, હવે શું કરશો? ઘરે નહીં આવો? ’ કરણે અચકાતાં અચકાતાં પૂછી લીધું.
‘આવીશ અને ગાયત્રીને પણ લેતો આવીશ. અહીં એને એકલી રખાય તેમ નથી.’ જગમોહન બોલ્યો.
‘ઓહ, ગ્રેટ, તો તો બહુ જ મઝા પડશે, ગાયત્રી પ્લીઝ કમ… હવે મારો વેલકમ કરવાનો વારો આવી ગયો ’
ગાયત્રી હસી પડી. અચાનક એને જગમોહનના ઘરે જવાની ઇચ્છા થઈ આવી.
‘કરણ, તારી મમ્મી ગાયત્રીને જોઈને શું કહેશે?’ જગમોહને મનમાં ઘોળાતો પ્રશ્ન પૂછી નાંખ્યો.
‘શું પપ્પા, તમે તો કોઈથી ડરો એવા નથી. મમ્મીને સમજાવી દેશું. તમે એ બધું મારા પર છોડી દો.’ કરણ પણ મૂડમાં આવી ગયો હતો.
‘ગાયત્રીએ પોતાની બેગ ઊંચકી : ઓકે, લેટ અસ ગો! ’
જગમોહન દરવાજા તરફ આગળ વધતાં વિચારતો હતો કે પ્રભા એને ગાયત્રી સાથે જોઈને કહેશે ‘બીજીને પરણીને આવવું હતું તો મને શા માટે લઈ આવ્યા હતા?
એ પળે જગમોહન દીવાનનો સેલફોન રણકી ઊઠ્યો.
‘જગમોહને હલ્લો’ કહ્યું કે સામે છેડેથી પ્રભાનો મૃદુ સ્વર સંભળાયો :
‘જગમોહન, ઘરે ક્યારે આવો છો?!’
(અહીં પૂર્વાર્ધ સમાપ્ત)
હવે વાંચો ઉત્તરાર્ધ – આવતી કાલથી
(ક્રમશ:)