તમે પણ આવી ડિજિટલ હિંસા તો નથી કરતાંને??
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આ અઠવાડિયે એક ચોંકાવનારો રિપોર્ટ વાંચવા મળ્યો. એમાં જણાવાયું છે કે આ દુનિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી લગભગ દરેક સ્ત્રી ડિજિટલ હિંસાનો શિકાર થઈ છે. હવે કોઈને થશે કે આ ડિજિટલ હિંસા એટલે શું? વેલ, ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈને કારણ વિના મેસેજ કરવા, કોઈને બ્લેકમેલ કરવા, કોઈના ફોટોઝ એની જાણ બહાર ડાઉનલોડ કરી લેવા, કોઈના ફોટા કે વીડિયો સાથે ચેડા કરવા કે પછી કોઈને દ્વિઅર્થી કે અભદ્ર રિલ્સ કે મેસેજ મોકલીને એને માનસિક ત્રાસ આપવો અથવા તો કોઈને ટ્રોલ કરવા કે પછી કોઈના ક્ધટેન્ટ પર અભદ્ર કોમેન્ટ કરવી એ એક પ્રકારની ડિજિટલ હિંસામાં છે!
પેલા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર મોટાભાગે સ્ત્રીઓ સોફ્ટ ટાર્ગેટ બનતી હોય છે, જ્યાં કેટલાય પુરુષો ફેક અકાઉન્ટ દ્વારા અથવા તો પોતાના રિયલ અકાઉન્ટથી આવી ચેષ્ટા કરતા રહે છે.
આવી ચેષ્ટાને કારણે અનેક મહિલાઓ વાસ્તવિક જીવનમાં પણ કેટલીક હરેઝમેન્ટનો સામનો કરતી હોવાના દાખલા સામે આવી રહ્યા છે. આવા સમયે ફરી પાછો એ જ સવાલ ઊઠે છે કે શું આપણને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ આવડે છે ખરો? કારણ કે સોશિયલ મીડિયા માત્ર મજાક-મસ્તીનું સાધન નથી. અહીં એક ચોક્કસ પ્રકારની વર્તણૂકની તેમજ જવાબદારીની જરૂર પણ હોય છે. બાકી, જો સોશિયલ મીડિયાને માત્ર ફ્લર્ટ કરવાનું માધ્યમ જ માનતા રહેશું તો થઈ રહ્યું.
જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે મોટાભાગના પુરુષો એ માનવા જ તૈયાર નથી હોતા કે એ પણ ડિજિટલ હિંસા કરે છે. એમનું માનવું એ છે કે કોઈને પણ ઓળખાણ-પીછાણ વિના ‘ગુડ મોર્નિંગ ડિયર’ કે આજે શું જમ્યા?’ જેવું પૂછી લેવું એ હિંસા કઈ રીતે હોઈ શકે? એમનું કહેવું એ છે કે આ રીતના સંવાદ કરીને એ પરિચય વધારે છે. એમાં કોઈ કંઈ કોઈને હેરાન થોડા કરે છે?
બીજી તરફ, કેટલાક આ ‘ગુડ મોર્નિંગ’ વાળી પ્રજાતિથી આગળ વધીને સ્ત્રીનાં ફોટોગ્રાફ્સ પર કે વીડિયો પર હૃદયના લાલ ઈમોજી અને ‘લૂકિંગ ક્યૂટ લૂકિંગ નાઈસ’ પણ લખી સાથે હળવું ફ્લર્ટિંગ પણ કરી લે છે! કોઈ કોઈ તો પર્સનલ ચેટમાં જઈને નફ્ફ્ટાઈથી પૂછી લેતા હોય છે કે તમે આજે શું ડ્રેસ પહેર્યો છે?!
અલબત્ત, ત્યાર પછી એવીય પ્રજાતિઓ આવે છે, જે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના સ્ત્રીઓને સાવ અભદ્ર રિલ્સ અથવા તો ગ્રાફિક્સ મોકલતા હોય છે. આ પ્રજાતિ થોડી વધુ ક્રિમિનલ માઈન્ડેડ હોય છે એટલે સામાન્ય પુરુષો કરતાં એમની સંખ્યા ઓછી હોવાની, પરંતુ એનો મતલબ એ નથી થઈ જતો કે પેલી બે પ્રજાતિનો સમાવેશ ડિજિટલ હિંસામાં ન થાય ! આ વર્ગ તો અત્યંત મોટો હોય છે, જે પોતાના કૃત્યને સહજતામાં ખપાવીને ગામ આખાની સ્ત્રીઓને સોશિયલ મીડિયા પર પજવતા- રંજાડતા ફરે છે. હોય છે. એમને એ પણ ખબર પણ નથી હોતી કે એમના આ ગુડ મોર્નિંગ્યા મેસજથી કોઈના મનમાં કેવી કડવાશ અથવા તો ભય પેદા કરે છે. એમ પણ બને કે એમના આવા ગુડ મોર્નિંગ’ ને ‘હેલ્લો ડિયર’ ના મેસેજથી કેટલીય સ્ત્રી સતત ફફડાટમાં જીવતી હશે. આવાં કૃત્યોથી કેટલાય લોકોને ત્રાસ પહોંચતો હોય છે તો પછી આવો ત્રાસ કોઈને શું કામ આપવો ? શું લેવા દેવા છે આપણે કે કોઈની સવાર થઈ કે નહીં? કે શું લેવા દેવા છે આપણે કે કોઈ જમ્યું કે નહીં કે એણે કેવો ડ્રેસ પહેર્યો છે? આપણે એમને આ પૂછીએ કે ન પૂછીએ એનાથી એમને શું ફરક પડે?
આપણા ઘરમાં તો ઘણીવાર આપણું ચાલતું નથી હોતું. આપણા સત્તાવાર ડિયર્સ તો આપણી સામે વાઘ થઈને બેઠા હોય છે તો બીજાને શું કામ ડિયર- ડિયર કરીને ત્રાસ આપો એના કરતાં બીજાને શાંતિથી જીવવા દેતા હો તો?