વેશગોર, મૂછબંધ ને કાંચળિયા
મહેશ્ર્વરી
જૈન ધર્મની ધાર્મિક ક્રિયા પર આધારિત ’પ્રતિક્રમણ’ નાટક મુંબઈમાં વિવિધ ઠેકાણે ભજવી જયંત ભટ્ટ સાથે જામનગરમાં બહેનની કંપનીમાં નાટકો કર્યા. જામનગરથી અમારો રસાલો ભાટિયા નામના ગામમાં પૌરાણિક કથાવસ્તુ ધરાવતા અને મુંબઈના મરાઠી નાટકનું ગુજરાતી સંસ્કરણ ’પદ્મશ્રી પોપટલાલ’ વગેરે નાટકો કર્યા. ભાટિયા પછી અમારી કંપની પહોંચી ઐતિહાસિક પાત્રો ખેમરો – લોડણની ભૂમિ રાવળગાંવ. અહીંથી વાતનું અનુસંધાન આગળ વધારતા પહેલા ગયા અઠવાડિયે મુંબઈમાં ’ભવાઈ શિબિર’ના થયેલા આયોજન નિમિત્તે ભવાઈ પ્રકાર વિશે કેટલીક વાતો ’મુંબઈ સમાચાર’ના વહાલા અને કલાપ્રેમી વાચકો સાથે શેર કરવાની ઈચ્છા હું નથી રોકી શકતી.
આજે અને છેલ્લા કેટલાક વર્ષોથી ’સ્ટ્રીટ શો’ના નામથી નાટકો થાય છે. બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવા જનતામાં જાગૃતિ લાવવા માટે ઈન્ડિયન પીપલ્સ થિયેટર (ઈપ્ટા) અને પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન દ્વારા ૧૯૩૦ – ૪૦ના દાયકામાં શેરી નાટકો ભજવાતા જ હતા. ગુજરાતમાં જે ભવાઈ સ્વરૂપની ભજવણી થતી એ રસ્તા પર કરવામાં આવતી હતી. સાંજ પડે અને બજારમાં દુકાનો બંધ થયા પછી કોઈ આંગણામાં કે મહોલ્લામાં તો ક્યારેક મેદાનમાં પડદો ઊભો કરી ભવાઇના ખેલ કરવામાં આવતા. સડક કે શેરીમાં ભજવાતી ભવાઈ પણ સ્ટ્રીટ શોનો જ પ્રકાર ગણાય ને. ટૂંકમાં આ નવો પ્રકાર નથી. એ વખતે શેરી નાટક કે ભવાઈ કહેતા અને આજે ‘સ્ટ્રીટ શો’ જેવું અંગ્રેજી નામ આપવામાં આવ્યું છે.
ભવાઈમાં વાર્તા તો હોય જ પણ એનો હેતુ ધાર્મિક કે સામાજિક ઉપદેશનો રહેતો. પ્રેક્ષકો કંટાળી ન જાય એ માટે મનોરંજનનું તત્વ પણ ઉમેરવામાં આવ્યું હતું. મનોરંજન કરવાની જવાબદારી રંગલાની રહેતી. રંગલો એટલે વિદૂષકનું કામ કરનાર નટ. સામાન્ય જનતા માટે રેડિયો, સિનેમા જેવા મનોરંજનના માધ્યમ ઉપલબ્ધ નહોતા એ સમયકાળમાં ભવાઈના શો શિક્ષણ, સમજણ અને મનોરંજનનું પીરસવાનું કામ કરતા હતા. વિશેષ તો ભવાઈએ સમાજ જાગૃતિનું ઉમદા કામ પણ કર્યું છે. ભવાઈમાં વેશ કાઢવામાં આવતા, વેશ કાઢવો એટલે કોઈ ચોક્કસ પાત્રનો પાઠ ભજવવો. સામાજિક દૂષણો ઉઘાડા પાડવાનું કામ કરતા ‘કજોડાનો વેશ’, ‘બાવાનો વેશ’ વગેરે બહુ જાણીતા હતા.
ભવાઇના ખેલ કરે એ ભવાયા તરીકે ઓળખાતા હતા. સમયાંતરે ભવાયા પોતાને નાયક તરીકે ઓળખાવવા લાગ્યા. એમને સમાજમાં માન પાન મળતા. ગામમાં પ્રવેશે ત્યારે લોકો ઢોલ – નગારા વગાડી ધામધૂમથી તેમનું સ્વાગત કરતા. ઉત્સવનો માહોલ સર્જાઈ જતો. કોઈ પાણીનું માટલું આપી જાય તો કેટલાક લોકો ભેગા મળી એમના ભોજનની વ્યવસ્થા પણ કરે. કોઈ વેશની ભજવણી વખતે કોઈ ચીજવસ્તુ ભૂલાઈ ગઈ હોય કે ખૂટતી હોય તો ગામવાસીઓ હોંશે હોંશે એની વ્યવસ્થા કરી આપતા. આ કલાકારોને માનધન ન મળતું. હા, ક્યારેક કોઈ શેઠ કે ગામના મોભી કોઈ વેશ જોઈ રાજી રાજી થઈ ગયા હોય ને ભેટ આપે એવું બનતું ખરું. ભવાઈ ભજવનાર લોકોનું એક ટોળું રહેતું અને ટોળામાં દસેક માણસો હોય. ઓછાવત્તા હોઈ શકે. એટલે એ લોકો ટોળા તરીકે પણ ઓળખાતા હતા. ‘કયાં કામ કરો છો?’ એવા સવાલના જવાબમાં ‘ટોળામાં કામ કરું છું’ એવો ઉત્તર નાયકો આપતા. ગણપતિના પૂજન વિના ભવાઈ અધૂરી માનવામાં આવતી. પૂજન પછી રંગલો – વેશગોર વચ્ચે સંવાદ થાય અને પછી કયો વેશ ભજવાશે એની જાણ થાય.
વેશગોર એટલે મુખ્ય નાયક જે વેશ કાઢે. મૂછબંધ તરીકે ઓળખાતા મૂછાળા નટ હોય એ પુરુષ પાત્ર ભજવે જ્યારે જૂથમાં બે-ત્રણ કાંચળિયા (સ્ત્રૈણ જેવા લાગતા નાજુક બાંધાના પુરુષો) હોય એ સ્ત્રીનું પાત્ર ભજવે.
મનુષ્ય કાયમ વિકાસનો વિચાર કરતો હોય છે. રસ્તા પર નાટકો કરતા કરતા કોઈને એવો વિચાર જરૂર આવ્યો હશે કે થિયેટર બનાવી એમાં નાટક ભજવીએ તો કેવું સારું? એમાંથી જ કદાચ કોઈ ફળદ્રુપ દિમાગમાં ખાડાનો વિચાર આવ્યો હોવો જોઈએ. એના પરથી ખાડાનું થિયેટર અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ એવી મારી માન્યતા છે. એને પગલે આજુબાજુ પહેલા પતરા અને પછી મંડપ બાંધી ટિકિટ શો રાખી નાટક ભજવણીની નવી વ્યવસ્થા અમલમાં આવી હોવી જોઈએ. ખાડાના થિયેટર વિશે અગાઉ હું લખી ચુકી છું. ભવાઈ રંગભૂમિના ઈતિહાસનું એક યાદગાર પ્રકરણ છે જે આજે સચવાયું
નથી. ટેલિવિઝન પર થયેલા ભવાઇના શોમાં કામ કરવાનો મોકો મને મળ્યો છે અને મને મળેલો એ લ્હાવો આજે બધા સાથે વહેંચ્યો છે.
તા થૈયા થૈયા તા થઈ!
ભવાઈ એ લોકનાટ્યકલાનો અને મંચનકળાનો આવિષ્કાર છે. ભવાઈમાં બધી જ કળાની ગૂંથણી જોવા મળતી. નૃત્ય અને સંગીત તો એના પ્રાણ. નર્તન સાથે ગાન પણ હોય અને સંવાદ તો હોય જ. પ્રારંભમાં ભવાઈનો વિષય ધાર્મિક – પૌરાણિક કથાનકમાંથી લેવામાં આવતો. કાળક્રમે સામાજિક વિષય ઉમેરાયો. ધર્મ ઉપાસના માટે પણ ભવાઈની ભજવણી થતી હતી. કાપડના પડદા ઊભા કરી દેવામાં આવતા. એક પછી એક પાત્ર આવે અને પોતે જ પોતાનો પરિચય આપે. શરૂઆતના કાળમાં ભવાઈ મશાલ, ફાનસ અથવા પેટ્રોમેક્સના અજવાળે ભજવાતી. ભવાઈમાં ભૂંગળની હાજરી અનિવાર્ય ગણાતી. રંગમંચની બન્ને બાજુ ભૂંગળ વગાડનાર કલાકાર હોય. ભૂંગળ એટલે એક પ્રકારનું વાયુ વાદ્ય જે ફૂંકીને વગાડવાનું. એમાં પડજીભ (જીભના આકારનો લાકડાનો કટકો) હોય. આ પડજીભીમાં ફૂંક મારવાથી ભૂંગળમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. સાથે અન્ય સાજિંદા પણ હોય જે મંજીરા, હાર્મોનિયમ, ઢોલક, તબલા, પખવાજ જેવાં વાદ્ય વગાડી સાથ આપે. તાલબદ્ધ ગાનમાં ’તા થૈયા તા થૈયા તા થઈ’ વારે વારે આવે અને એને કારણે એવો લય નિર્માણ થાય જે પ્રેક્ષકને રસતરબોળ કરી દેવામાં નિમિત્ત બને. મોટે ભાગે સ્ત્રી પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવતા. મેકઅપ ઘેરો અને આકર્ષક રહેતો જેથી પ્રેક્ષકોની નજર ચોંટી રહે. ભવાયાની વેશભૂષા ચમકદાર અને રંગદાર રહેતી. (સંકલિત)