સ્પેશિયલ ફિચર્સ

સનાતન ધર્મ સનાતન રહેશે?

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

શિવજી જે પ્રકારની ધ્યાન સાધના કરે છે તેના એક ટકા જેટલી સાધના આપણે શ્રાવણ જેવા ધર્મિક પવિત્ર મહિનામાં પણ કરી શકતા નથી કે કરતાં નથી. પાર્વતીજી એ જે પ્રકારના વ્રત- ઉપવાસ કર્યા હતા એ પ્રકારના ઉપવાસ પણ આપણે નથી કરતા.. ત્રણ ટાઇમ ફરાળ ખાઈને આપણે ઉપવાસ નહીં પણ ઉપહાસ કરીએ છીએ. સનાતન ધર્મ જે લોકો ચુસ્તતાથી પાળતા તેમને આપણે વેદિયા જેવા નામ આપી મજાક ઉડાવવા લાગ્યા. સનતન ધર્મની વૈજ્ઞાનિક અને ઉજળી બાબતોની પણ ઉપેક્ષા કરવા લાગ્યા. ધર્મની કોઈ વાતો નવી પેઢી પર પરાણે ન લદાય એ સાચું પરંતુ તેમાંની સારી બાબતોનું અનુકરણ કરવા પૂરતી શિક્ષા અને પ્રેરણા જરૂર આપી શકાય.

જૈનોમાં નાના બાળકો ઉપવાસ કે પ્રતિક્રમણ જેવી અનેક ધાર્મિક પ્રક્રિયાઓ કરે તે માટે ખૂબ પ્રેરણા આપવામાં આવે છે. સંયમનું જીવનમાં શું મહત્ત્વ છે એ નાનપણથી શીખવાડવામાં આવે છે. આજે છાશવારે હત્યા, ગેંગરેપ કે લૂંટ જેવી ઘટનાઓ થાય છે. માણસ ધર્મ વિહોણો અને સંસ્કાર વિનાનો બનતો જાય છે . સનાતન ધર્મના ૧૬ સંસ્કારો કેટલાને યાદ હશે? ગૂગલ તમને જયાં જવું હોય ત્યાં લઈ જાય છે. પણ સાચો ધર્મ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. સનાતન ધર્મ એ કોઈ સંપ્રદાય નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે એ પદ્ધતિ તો બાળકોને નાનપણથી જ શીખવવી જરૂરી છે .

શાળા કોલેજો કે ઓફિસમાં પણ શિસ્ત જાળવવા માટેના નિયમો હોય છે. આવા કોઈ નિયમો ધર્મ કે સંસ્કૃતિ સાથે સંકળાયેલ હોય અને લાભકર્તા હોય તો અપનાવવા જોઈએ. આજની પેઢી એમ કરવામાં ક્યારેક નાનપ અનુભવે છે. જોકે એમાં તેમનો પણ વાંક નથી . સનાતન ધર્મીઓ ધર્મમાં રહેલા લોજિક, જ્ઞાન અને વિજ્ઞાન સમજાવવામાં અન્ય ધર્મો કરતાં વધુ ઉદાસીન રહ્યા છે.

ગઈ કાલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મલાડની પ્રખ્યાત એન. એલ. કોલેજ સંચાલિત ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા યોજાયેલ વિવિધ ગુજરાતી ભાષી સ્પર્ધાઓમાં જજ તરીકે જવાનું આ લેખકને સન્માન પ્રાપ્ત થયું. વીસ થી ત્રીસ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ માતૃભાષા અને માતૃસંસ્કૃતિની વાતો ખૂબ સારી રીતે વાર્તાઓ અને નાટકોમાં વણી લીધી. ખૂબ સુંદર આયોજન હતું જેમાં પ્રોફેસર ડો. રીના દેસાઈ અને ભૂતપૂવે વિદ્યાર્થિની અને માતૃભાષા તેમ જ સંસ્કૃતિ માટે કામ કરતા કવિતા બેનનો પણ અદભુત સહયોગ રહ્યો. આ કોલેજના મેનેજમેન્ટે પણ ગુજરાતી સાહિત્ય સંસ્કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ માર્કસ આપવાનું નક્કી કર્યું છે ત્યારથી વધુને વધુ ગુજજુ વિદ્યાર્થીઓ આ મંડળમાં જોડાઈ રહ્યા છે. શરૂઆતમાં તેમને ગ્રેસ માર્કસ મળે તેની લાલચ હતી પરંતુ અહીં આવીને તેમને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વિશે જે જાણવા મળી રહ્યું છે તેનો તેમને ખૂબ જ આનંદ છે. તેઓ હવે હોશે હોશે મંડળની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. ખરેખર દરેક ગુજરાતી મેનેજમેન્ટ ધરાવતી શાળા કોલેજ આ જાતનું પ્રોત્સાહન આપી વધુ ને વધુ ભાષાપ્રેમી વિદ્યાર્થીઓને આકર્ષી શકે છે. આજની પેઢી તો તૈયાર જ છે. ફક્ત એમને જે પ્રોત્સાહન અને માર્ગદર્શન મળવું જોઈએ તે આ કોલેજે પૂરું પાડ્યું છે.

સનાતન ધર્મને ધબક્તો રાખવા શાળા કે કોલેજ સ્તરે પણ પ્રયત્ન કરવા જ રહ્યા . પણ આ પ્રયાસ સત્યની ખોજ માટે હોવો જોઈએ. લોકોને સંપ્રદાય કે જાતિવાદમાં ફસાવનારો નહીં. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…