મુખ્ય પ્રધાનપદના નામની ચર્ચા, ઉદ્ધવ એકલા પડ્યા
શરદ પવાર પછી કૉંગ્રેસે પણ શિવસેના (યુબીટી)ના પ્રસ્તાવને ફગાવી દીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો આપીને ઉતરવાના મુદ્દે કોંગ્રેસ કોઈ પણ ચર્ચા નહીં કરે એવું સ્પષ્ટ કરી દીધું છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે હજુ પણ એ વિચારને આગળ વધારી રહ્યા છે કે મુખ્ય પ્રધાનપદ માટે ચૂંટણીમાં કોઈક ચહેરો હોવો જોઈએ. શરદ પવાર પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે ચૂંટણીમાં તેમની પાર્ટીનો કોઈ ચહેરો નહીં હોય. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ આ અંગે ચર્ચા થશે. આમ હવે મુખ્ય પ્રધાનપદના ચહેરાને લઈને કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી વચ્ચે એકમત થવાના કારણે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. તેઓ આ મુદ્દે એકલા પડી ગયા છે.
ઉદ્ધવ સીધો ચહેરો બનવા માગતા હતા
જ્યારથી ઉદ્ધવ સત્તામાં આવ્યા છે ત્યારથી તેઓ સતત કોઈને કોઈ રીતે મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની ઈચ્છા એવી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી પછી તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બને, જેથી ચૂંટણીમાં ઓછી બેઠકો મળે તો પણ તેઓ ખુરશીની શોભા વધારી શકે, પરંતુ મહાવિકાસ અઘાડીના મુખ્ય ઘટકપક્ષો કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીને આ પસંદ નથી. તેઓ કહે છે કે જેની પાસે વધુ બેઠકો હશે તેનો મુખ્ય પ્રધાન બનશે. આ ફોર્મ્યુલાને કોંગ્રેસ અને એનસીપી શરૂઆતથી જ અનુસરી રહી છે, પરંતુ ઉદ્ધવને આ ફોમ્ર્યુલા પસંદ નથી. તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે ચૂંટણી પરિણામોની સંખ્યાની રમતમાં તેમની પાર્ટી કદાચ પાછળ રહી જાય એવો ડર છે અને આવી સ્થિતિમાં તેમનું મુખ્ય પ્રધાન બનવાનું સપનું પૂરું નહીં થાય, તેથી તેઓ નંબરની રમતમાં જવાને બદલે સીધો ચહેરો બનવા માંગે છે.
સંજય રાઉત શરૂઆતથી જ મહેનત કરી રહ્યા છે
ઉદ્ધવ ઠાકરે અને તેમના પ્રિય સંજય રાઉત ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો આપવા માટે શરૂઆતથી જ મહેનત કરી રહ્યા છે. બેઠકોની વહેંચણી હજુ નક્કી થઈ નથી, તેમ છતાં ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવા માટે સંજય રાઉતે શરદ પવારને પ્રભાવિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે આવું કરવામાં આવશે નહીં. ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો નહીં હોય અને પરિણામ જાહેર થયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. પવારના જવાબ બાદ ઉદ્ધવ સેનાએ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અહીં પણ તેમની દાળ ગળી નહોતી. આવી સ્થિતિમાં, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ દિલ્હી કોર્ટમાં રજૂઆત કરી જોઈ, પરંતુ ત્યાં પણ કોઈ કામ થયું નથી.
શું કહેવું છે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું?
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હવે તેઓ ચૂંટણીમાં પોતાના ચહેરાને લઈને કોઈની સાથે કોઈ ચર્ચા કરશે નહીં. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે કે ઉદ્ધવનો પ્રસ્તાવ તેમને અસ્વીકાર્ય છે. બેઠકોની વહેંચણીના મામલાને આગળ લઈ જવામાં આવે તો સારું રહેશે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે ચૂંટણીમાં કોંગ્રેસ ચોક્કસપણે નંબર વન પાર્ટી રહેશે. કોંગ્રેસ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ બેઠકો જીતશે તો કોંગ્રેસ શા માટે સમાધાન કરે.