ભારતે ઝાકિર નાઈકને લાવવાની વાત ભૂલી જવી પડે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી વિદેશમાં ભારતનો દબદબો વધ્યો હોવાની વાતો વચ્ચે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે ઝાકીર નાઈકને ભારતને સોપવાનો ફરી ઈન્કાર કરી દીધો. નરેન્દ્ર મોદી હમણાં અનવર ઈબ્રાહિમને મળ્યા ત્યારે આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે કટ્ટરવાદી મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ અનવર ઈબ્રાહિમે વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી.
અનવરે સાફ શબ્દોમાં કહ્યું કે, ઝાકિર નાઈકે મલેશિયામાં ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ કંઈપણ કહ્યું નથી અને જ્યાં સુધી ઝાકિર નાઈક સમસ્યાઓ ઊભી નહીં કરે અથવા સુરક્ષા માટે ખતરો નહીં આપે ત્યાં લગી અમારા માટે ઝાકિરને સોંપવાનો સવાલ જ પેદા થતો નથી. અનવરે એવી ગોળી પણ ગળાવી કે, ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે ભારત મજબૂત પુરાવા આપે તો અમે તે અંગે વિચારીશું પણ હમણાં તો ઝાકિરને ભારતને સોંપવાનો સવાલ જ પેદા થતો નથી. મલેશિયાના વડા પ્રધાન બન્યા પછી અનવર ઇબ્રાહિમ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા છે ને ભારતની ધરતી પર ઊભા રહીને તેમણે મોદી સરકારને અહેસાસ કરાવી દીધો કે, મલેશિયા માટે ભારત સાથેના સંબંધો કરતાં ઝાકિર નાઈક વધારે મહત્ત્વનો છે.
મલેશિયાએ ઝાકિર નાઈક મામલે પહેલી વાર આપણને અટકાવ્યા નથી. આ પહેલાં ૨૦૧૮માં પણ મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે તડ ને ફડ કરીને કહી દીધેલું કે, ઝાકિર નાઈક મલેશિયામાં જ રહેશે ને તેને ભારત મોકલવાનો સવાલ જ પેદા થતો નથી. મહાથિરે સાફ શબ્દોમાં કહેલું કે, ઝાકિરે ભારતમાં જે કાંઈ કર્યું હોય. અમારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. ઝાકિર મલેશિયામાં કોઈ ગરબડ કરતો નથી ને ગરબડ નહીં કરે ત્યાં સુધી મલેશિયામાં રહી શકશે કેમ કે અમે તેને પરમેનન્ટ રેસિડેન્સી આપી છે.
મહાથિરે આ વાત કરી તેનું કારણ મોદીભક્ત મીડિયાએ ચલાવેલું તૂત હતું. આક્રમક અને ધર્માંધતાથી ભરેલાં પ્રવચનો માટે કુખ્યાત વિવાદાસ્પદ મુસ્લિમ પ્રવચનકાર ઝાકીર નાઈક સામે ભારતમાં પ્રતિબંધ મૂકાયો પછી એ મલેશિયા ભાગી ગયેલો. મોદી સરકારે ૨૦૧૬ની શરૂઆતમાં ઝાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન( આઈઆરએફ) પર પણ ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ પાંચ વર્ષનો પ્રતિબંધ ઠોકી દીધો હતો. ઝાકિર સામે આતંકવાદી પ્રવૃત્તિને લગતા બીજા પણ કેસો નોંધાયેલા પણ આ કેસો ચલાવી શકાય એ પહેલાં તો ઝાકિર રફુચક્કર થઈ ગયેલો.
ઝાકિર હળાહળ હિંદુવિરોધી હોવાથી તેને ભારતમાં ઢસડી લાવવો મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયેલો અને મોદી સરકાર લાંબા સમયથી ઝાકિરને અહીં ઢસડી લાવવા મથતી હતી પણ મેળ નહોતો પડતો. ૨૦૧૮માં મલેશિયાએ ચીનનો એક પ્રોજેક્ટ રદ કરી નાખ્યો પછી મોદીભક્ત મીડિયાએ તૂત ચલાવ્યું કે ભારતના દબાણના કારણે મલેશિયાએ ચીનને રસ્તો બતાવી દીધો. તેના પગલે એવી વાતો જોરશોરથી ચાલી કે મોદી સરકારના દબાણના કારણે ઝાકિર નાઈકને ભારતને સોંપવા મલેશિયાની સરકાર રાજી થઈ ગઈ છે.
અતિ ઉત્સાહી ટીવી ચેનલોએ તો ઝાકિરને સાંજ લગીમાં તો મુંબઈ એરપોર્ટ પર ઉતારી દેવાનાં એલાન પણ કરી નાખેલાં. ઝાકિરના પબ્લિક રિલેશન ઓફિસરે આ વાતોને બકવાસ ગણાવીને સાફ શબ્દોમાં કહેલું કે, ઝાકિર નાઈક મલેશિયામાં ખાય છે, પીએ છે ને મજા કરે છે. ઝાકિરનો ભારતમાં આવવાનો સવાલ જ પેદા થતો નથી. એ પછી મહાથિરે પોતે આવીને ઝાકિરને ભારતને નહીં સોંપાય એવું એલાન કર્યું ત્યારે ચેનલોવાળા માંડ માંડ ટાઢા પડ્યા હતા.
અત્યારે ટીવી ચેનલોની આબરૂ તળિયે છે કેમ કે લોકસભાની ચૂંટણી વખતે કરેલી મોદીભક્તિના કારણે લોકોને તેમની વાતો પર ભરોસો જ રહ્યો નથી. ચેનલોએ મોદીની ચાપલૂસી કરી કરીને વિશ્ર્વસનિયતા ગુમાવી દીધી છે. આ વાત ચેનલો પણ સમજવા માંડી છે એટલે થોડી માપમાં રહે છે. આ કારણે ચેનલોએ ઝાકિરનો મામલો નહોતો ઉઠાવ્યો પણ જયશંકરે વિદેશ મંત્રી તરીકે આ મુદ્દો છેડવો પડે તેમ જ હતો તેથી તેમણે વાત માંડી પણ ઈબ્રાહિમે તેમને પણ ટાઢા કરી દીધા.
આપણા માટે શરમજનક વાત એ છે કે, બાંગ્લાદેશમાં ઝાકિર નાઈકની ચેનલ પાછી ચાલુ થઈ ગઈ છે. મતલબ કે, ભારત અને હિંદુઓ સામે ઝેર ઓકવાનો કાર્યક્રમ પાછો પુરજોશમાં ચાલુ થઈ ગયો છે. શેખ હસીનાને કારણે બાંગ્લાદેશમાં ઝાકિરની ચેનલ પર પ્રતિબંધ મુકાવવામાં આપણે સફળ રહેલા પણ હસીના ભાગ્યાં એ સાથે જ પાછું એ તૂત શરૂ થઈ ગયું છે ને તેને રોકવાની આપણી તાકાત નથી.
અનવર ઈબ્રાહિમની વાતનો સ્પષ્ટ અર્થ એ છે કે, આપણે ગમે તેટલા ઉધામા કરીએ પણ ઝાકિર નાઈકને પાછો ભારત લાવી શકવાના નથી. ભાજપ ને ભાજપના ચમચા ગમે તેટલા ફડાકા મારે પણ ઝાકિર નાઈક જેવા ટટપૂંજીયાને મલેશિયા જેવો ફાલતુ દેશ આપણને ના સોંપે તેના પરથી જ દુનિયામાં આપણો કેવો વટ વધ્યો છે એ સ્પષ્ટ થઈ જાય છે.
જો કે ઝાકિરને પાછો લાવવા આપણે અત્યારે હવાતિયાં માર્યા કરીએ છીએ પણ ઝાકિર ભારતમાં હતો ત્યારે પણ મોદી સરકાર તેનું કશું ઉખાડી શકી નહોતી. શેખ હસીનાના દબાણને કારણ મોદી સરકારે ઝાકિર સામે આકરા થવું પડેલું, બાકી મોદી સરકાર તો હાથ પર હાથ મૂકીને બેઠી હતી. ઝાકિર નાઈક પીસ ટીવી પર ઈસ્લામનો પ્રચાર કરવાના બહાને ઝેર ઓકતો હતો. ઝાકિર બહુ સફાઈથી સીધી રીતે આતંકવાદને પોષતો હોય કે લોકોને ભડકાવતો હોય તેવું કશું બોલતો નહીં પણ સરકારે ધાર્યું હોત તો એ વખતે પણ તેને આંટીમાં લઈ શકાયો હોત પણ ત્યારે કશું ના કર્યું.
૨૦૧૬માં બાંગ્લાદેશમાં ઢાકામાં હુમલો થયો પછી થયેલી તપાસમાં હુમલામાં સામેલ આતંકવાદીઓ ઝાકિરના આશિક નીકળ્યા તેથી શેખ હસીનાએ દબાણ કરતાં આપણી સરકાર સફાળી જાગી. આતંકવાદીઓ પાસેથી ઝાકિરના પ્રવચનની ક્લિપ્સ ને બીજું સાહિત્ય મળતાં સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો પણ ત્યાં લગીમાં ઝાકિર મલેશિયા ભાગી ગયેલો. એ ઘડી ને આજનો દિ, આપણે મલેશિયાને ઝાકિરને સોંપી દેવા વિનંતીઓ પર વિનંતીઓ કરીએ છીએ પણ મલેશિયા હાથ મૂકવા નથી દેતું.
ઝાકિર છેલ્લાં ૮ વર્ષથી મલેશિયામાં છે ને ત્યાં ખાઈ, પીને લહેર કરે છે. ભારતમાં તેની સામે કેસોનો ખડકલો છે તેથી ભારત પાછો આવે એવી આશા નથી ને મલેશિયાની સરકારે પણ ઘસીને ના પાડી છે એ જોતાં આપણે તેનું કશું ઉખાડી શકીએ એવી શક્યતા સાવ ઓછી છે.