વેર- વિખેર -પ્રકરણ ૪૪
ગાયત્રી, સૉરી… મેં તો સામે ચાલીને મુસીબત નોતરી છે, પણ તું તો કોઈ પણ વાંકગુના વગર આ કાંડમાં ફસાઈ ગઈ…
કિરણ રાયવડેરા
બાબુએ નામ કહેવા માટે જેવું મોઢું ખોલ્યું કે જગમોહનનો મોબાઈલનો રિંગટોન ગૂંજી ઊઠ્યો. સેલના અવાજમાં બાબુનો અવાજ દબાઈ ગયો. કદાચ બાબુએ નામ ઉચ્ચાર્યું હતું.જગમોહનના દુશ્મનનું નામ લીધા બાદ બાબુના એ પોતાના શ્વાસ ખૂટાડ્યા હતા.
બાબુની સાથે જગમોહનના દુશ્મનનું નામ પણ ધરબાઈ જશે. કદાચ હંમેશ માટે.
બની શકે કે જગમોહનને જિંદગીભર પોતાને મારવાની સુપારી આપનાર વ્યક્તિનું નામ ખબર નહીં પડે.
‘હલ્લો… હલ્લો…’ સેલમાંથી અવાજ આવતો હતો. સામે છેડે કબીર હતો.
જગમોહનને કહેવાની ઇચ્છા થઈ આવી: તારો ફોન ન આવ્યો હોત તો નામ ખબર પડી જાત. પણ આ તબક્કે કબીરને દુ:ખ પહોંચે એવું કંઈ ન કહેવું જોઈએ.
બાબુ એ કંઈ કહ્યું?’ કબીરે પૂછયું.
‘ના, બાબુ નામ બોલી શકે એ પહેલાં જ મરી ગયો.’
‘ઓહ નો…’ કબીર આગળ કંઈ બોલી ન શક્યો.
‘હવે શું કરવું, કબીર?’ જગમોહને સલાહ માગી.
‘જગ્ગે, તારા હાથમાં ઘણું કામ છે. બબલુ, બાબુ વગેરેને ઠેકાણે પાડવાના છે. પોલીસવિધિમાં ઘણો સમય થશે. હમણાં તું ફિકર નહીં કર. તારું ખૂન કરવાની ઇચ્છા ધરાવનારનું નામ હું જાણી લઈશ. ટ્રસ્ટ મી.’
‘ઓ.કે. કબીર…’ પછી લાઈન કપાઈ ગઈ.
‘ડોક્ટર, બાબુનો અવાજ તમે સાંભળ્યો?’ જગમોહને ડોક્ટર પટેલને પ્રશ્ન કર્યો.
ડોક્ટર પટેલે નકારમાં માથું ધુણાવ્યું. ઇન્સ્પેક્ટર પરમાર પણ ચૂપ રહ્યા.
‘બાબુનો અવાજ સંભળાયો હતો, પણ સમજાયો નહોતો.’ ડોક્ટર પટેલ બોલ્યા.
રિંગટોનના અવાજને કારણે કોઈ બાબુને સાંભળી નહોતું શક્યું.
જગમોહનને પોતાનો સેલ ફેંકી દેવાની ઇચ્છા થઈ. આજે એ વ્યક્તિનું નામ ખબર પડી જાત પણ કદાચ કુદરતને એ મંજૂર નહોતું.
બાબુ એ રહસ્ય લઈને ચિરનિદ્રામાં પોઢી ગયો હતો હંમેશ માટે.
‘ઇન્સ્પેક્ટર પરમાર, હવે બહુ થયું. ફોર ગોડ’સ સેક પ્લીઝ ક્લીન અપ ધ પ્લેસ…’
‘યસ, મિ. દીવાન, હું સમજી શકું છું કે તમારા લોકો પર શું વીતતું હશે. મને થોડો સમય આપો. થોડી વારમાં ઘરને સાફ કરી દઈશ…’
જગમોહન ખુરશી પર ફસડાઈ પડ્યો.
ભગવાન જાણે કઈ ઘડીએ આત્મહત્યા કરવા નીકળ્યો હતો. આપઘાત કરતી વખતે લોકોએ મુહૂર્ત કઢાવવું જરૂરી છે? જગમોહન પોતાના વિચાર પર હસી ન શક્યો.
આમેય બે દિવસમાં એટલું બધું બની ગયું હતું કે આત્મહત્યાનો પ્રયાસ એને ખૂબ જ દૂર લાગતો હતો.
જે પણ હોય એને એક વાતની ખાતરી થઈ ચૂકી હતી કે ઈશ્વર કે કુદરત એને હજી જિવાડવા માગે છે.
હજી જિંદગીના નાટકમાં એની થોડી ભૂમિકા બચી ગઈ છે. બાકીનો રોલ એને નિભાવવો પડશે. એણે ફરી અભિનય કરવો પડશે. ફરી સંવાદો બોલવા પડશે.
ફરી જીવવું પડશે.
જગમોહનને હવે મરવાની ઇચ્છા નહોતી થતી. બલકે પોતાનો આત્મહત્યાનો વિચાર એને હવે બાલિશ લાગતો હતો. એના જેવા પરિપક્વ માણસ આવું પગલું ભરવા જતો હતો એ વિચાર એને ખટકતો હતો.
ગઈકાલે સવારના આ જ વિચાર ખૂબ સ્વાભાવિક લાગતો હતો. ગઈકાલ અને આજ વચ્ચેના એના વિચારોના પરિવર્તન માટે એક વ્યક્તિ જવાબદાર હતી.
ગાયત્રી.
જગમોહને જોયું ગાયત્રી હેબતાઈ ગઈ હતી. એ ચૂપચાપ ખૂણામાં ઊભી હતી.
બિચારી…!
લેવાદેવા વગર એ ચક્રવ્યૂહમાં સપડાઈ ગઈ. જગમોહનને જીવતાં શીખવાડી દીધું, પણ પોતાનું જીવન અશાંત કરી નાખ્યું.
‘ગાયત્રી, આર યુ ઓલરાઇટ?’ જગમોહને સહાનુભૂતિભર્યા સ્વરે પૂછ્યું.
ગાયત્રીએ ચૂપચાપ માથું હલાવ્યું.
‘ઇન્સ્પેક્ટર પરમાર, આ શિંદેને પણ હોસ્પિટલમાં ભરતી કરી દો જેથી એને જરૂરી યોગ્ય સારવાર મળી શકે…’ જગમોહને ઇન્સ્પેક્ટરને સંબોધીને કહ્યું.
‘ઓકે…’ ઇન્સ્પેક્ટરે જવાબ વાળ્યો.
શિંદે ચૂપ રહ્યો.
એને ગાયત્રીનું ઘર છોડીને જવાની ઇચ્છા નહોતી પણ હવે આ ઘરમાં કંઈ પણ બનશે તો આ છોકરી ભાંગી પડશે એવું વિચારીને એણે જગમોહનનું સૂચન મૂકપણે સ્વીકારી લીધું.
‘ડોક્ટર પટેલ, તમારો ઘણો જ સમય લીધો. સોરી.’ ડોક્ટર પટેલ થાકી ગયા હતા. એમણે જગમોહન અને ગાયત્રીની વિદાય લીધી.
એકાદ કલાકમાં તો પોલીસની વાન આવી પહોંચી. પોલીસે પંચનામું કરીને લાશનો કબજો લીધો. પરમારે શિંદેને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી આપી. વિદાય લેતી વખતે શિંદેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. ગાયત્રી અને જગમોહનનો હાથ પકડીને એ ફક્ત ‘થેન્ક્યુ’ બોલી શક્યો.
થોડી વારમાં તો ગાયત્રીનું ઘર ખાલી થઈ ગયું. ઘરમાં હવે ફક્ત જગમોહન અને ગાયત્રી બેઠાં હતાં.
‘ગાયત્રી, સોરી… રહી રહીને એક જ વિચાર આવે છે કે મારી સાથે મુલાકાત ન થઈ હોત તો તું આ બધી આફતથી બચી ગઈ હોત… મેં તો સામે ચાલીને મુસીબત નોતરી છે પણ તું તો કોઈ પણ વાંકગુના વગર ફસાઈ ગઈ.
જવાબમાં ગાયત્રી ફિક્કું હસી.
‘કાકુ, મારા પપ્પા હંમેશાં કહેતા જે બની ગયું એના પર તમારો ક્નટ્રોલ નથી. જે બનવાનું છે એને તમે ભાખી નથી શકતા એટલે તમારે અત્યારે આ ક્ષણે શું કરવાનું છે એનો જ વિચાર કરવો જોઈએ. આ એક જ ક્ષણ એવી છે જેના પર તમારું થોડું ઘણું નિયંત્રણ હોઈ શકે… બાકી આવતી ક્ષણમાં બારીમાંથી ફરી કોઈ ગોળી છૂટી શકે અને આપણા બેમાંથી ફરી કોઈ ઢળી શકે…’
જગમોહન ગાયત્રીની વાત સાંભળી રહ્યો. એની વાતમાં તથ્ય હતું, સચ્ચાઈ હતી. ભૂતકાળ પર રડનારા અને ભવિષ્યની યોજના બનાવનારા બંનેને થાપ ખાવાનો વખત આવી શકે.
જે સત્ય છે એ આજની અત્યારની વર્તમાન ક્ષણ જ છે. કેટલી ગહન વાત કેટલી સરળતાથી – સહજતાથી ગાયત્રીએ સમજાવી દીધી હતી.
‘ગાયત્રી, હાલની ક્ષણે તો મગજમાં ધુમ્મસ છવાયેલું હોય એવું લાગે છે. કંઈ સૂઝતું નથી… ઇચ્છા થાય છે થોડી વાર આરામ કરી લઉં. એકાદ કલાક જો ઊંઘી શકીશ તો દિમાગનું ધુમ્મસ વિખેરાઈ જશે.’ જગમોહન ઊભા થતાં બોલ્યો.
‘યસ, કાકુ, થોડી વાર આરામ કરી લ્યો. ભગવાન જાણે હજી કેટલા મોરચે યુદ્ધ લડવાનાં છે…’ ગાયત્રીએ સૂચવ્યું.
‘હા, ગાયત્રી, એક વાત યાદ રાખજે. હું એકાદ કલાકમાં ઊઠી જઈશ. તું તારો સામાન પેક કરી રાખજે. તું મારી સાથે મારા ઘરે ચાલીશ.’ જગમોહને સત્તાવાહી સ્વરે કહ્યું.
‘આપણે એ બાબત પછી ચર્ચા કરશું.’ ગાયત્રીએ પણ એટલા જ મક્કમ સ્વરે કહીને મૃદુતાથી ઉમેર્યું: ‘કાકુ, હમણાં શા માટે વિચાર કરો છો… હમણાં સૂઈ જાઓને… આપણે એકાદ કલાક પછી વિચારીશું.’
‘ગાયત્રી, તેં હમણાં જ કહ્યું કે આવતી ક્ષણોમાં જે થવાનું છે એ આપણને ખબર નથી. એટલે અગત્યની વાત આ પળમાં જ કરી લેવી જોઈએ.’
એ જ વખતે જગમોહનનો સેલ રણક્યો.
‘લ્યો, હવે સાંભળો આ યંત્રને. આજે કદાચ તમારા નસીબમાં આરામ લખાયો નથી. જુઓ, આવતી ક્ષણમાં શું બનવાનું છે એના ખબર પણ મળે કદાચ…’
જગમોહને સેલની સ્ક્રિન પર નામ વાંચ્યું
પાર્ક સ્ટ્રીટ વટાવ્યા બાદ ટેક્સીએ સૈયદ અલી અમીર એવન્યુ તરફ વળાંક લીધો કે વિક્રમે કાંડાઘડિયાળ તરફ દૃષ્ટિ કરી. એ અડધો કલાક મોડો હતો.
એણે ઑફિસે ફોન કરી દીધો હતો. અર્જન્ટ એપોઈન્ટમેન્ટ છે’ એવું એણે સેક્રેટરીને કહી દીધું હતું. સેક્રેટરી બીજો પ્રશ્ન કરે એ પહેલાં એણે લાઈન કાપી નાખી હતી. પપ્પા હાજર નથી ત્યારે એણે ઑફિસે રહેવું જોઈએ પણ કોણ જાણે કેમ એ પોતાના મન પર કાબૂ રાખી ન શક્યો.
આજે એને શ્યામલી બહુ જ યાદ આવતી હતી.
હજી બે દિવસ પહેલાં જ શ્યામલીને એના ફ્લેટમાં વિક્રમ મળ્યો હતો. ત્રણ કલાકની ઉન્માદક મુલાકાત પછી એણે શ્યામલીને કહ્યું હતું. ‘હવે આવતા અઠવાડિયા પહેલાં મળવું શક્ય નથી.’
ત્યારે શ્યામલી સૂચક રીતે હસી હતી, જાણે કહેતી હોય કે ‘જોઉં છું મારા વિના આટલા બધા દિવસો કેવી રીતે કાઢો છો?’
વિક્રમ પણ જાણતો હતો કે શ્યામલી વિના એક કલાક પણ રહેવું અશક્ય બનતું જતું હતું.
દીવાન ખાનદાનનો જ્યેષ્ઠ પુત્ર પૂજાનો પતિ વિક્રમ જગમોહન દીવાન શ્યામલીના પ્રેમમાં ઘાયલ થઈ ગયો હતો.
શ્યામલી વિધવા હતી. ગયા વરસે કાર અકસ્માતમાં એના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારથી એ પાર્ક સર્કસના ફ્લેટમાં એકલી રહેતી હતી.
વિક્રમ સાથે એની પહેલી મુલાકાત બે મહિના પહેલાં જ થઈ હતી.
વિક્રમને એ સાંજ કદી નહીં ભુલાય. એ સાંજના ધોધમાર વરસાદ પડતો હતો. વિક્રમ ખુદ ગાડી ચલાવતો હતો. ઠેરઠેર પાણી ભરાયેલાં હતાં અને એ સંભાળીને ધીમી ગતિએ કાર હંકારતો હતો. એ.જે.સી. બોઝ રોડ વટાવીને થિયેટર રોડના મોડ પર ટ્રાફિકની લાલ લાઇટને કારણે એણે કાર થંભાવી. એ વખતે એની બંધ બારીના કાચ પર કોઈએ ટકોરા માર્યા.
એ ટકોરા કાચ પર નહીં જાણે વિક્રમના મન પર પડ્યા હતા. એ ટકોરાથી વિક્રમના વ્યક્તિત્વનું એવું પાસું ખૂલી જવાનું હતું કે એને બાકીની જિંદગી બે ચહેરા લઈને જીવવું પડવાનું હતું.
વિક્રમે બારીનો કાચ પોંછીને પાણીને દૂર કર્યું. એક યુવાન સ્ત્રી ધોધમાર વરસાદમાં છત્રી વિના ભીંજાતી હતી. એની આંખમાં યાચના હતી.
વિક્રમે દરવાજો ખોલ્યો અને એ સ્ત્રીને અંદર બેસી જવા ઇશારો કર્યો.
જિંદગીમાં હંમેશાં સીધા રસ્તે ચાલનારી વ્યક્તિ માટે કુદરતે એક વળાંક સર્જ્યો હતો. હવે આવનારા દિવસોમાં વિક્રમ પાપ-પુણ્ય વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખવાનો હતો. સુકર્મ અને કુકર્મ વચ્ચેનો ફરક એ ભૂલી જવાનો હતો.
વિક્રમે ફક્ત કારનો દરવાજો નહીં, પોતાના જિંદગીનો એવો દરવાજો ખોલી નાખ્યો હતો જ્યાંથી પાછા આવવું અશક્ય હતું.
કારમાં બેઠા બાદ એ સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી.: ‘હું શ્યામલી મિત્રા.’ પોતાના પતિનું અકાળે અવસાન થયું છે એ પણ કહ્યું. એ એકલી રહે છે એ પણ ઉમેર્યું હતું.
કારમાં જ શ્યામલીનો હાથ અથડાઈ જતાં વિક્રમના શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ હતી.
ઘર સુધી આવ્યા બાદ શ્યામલીએ વિક્રમને ઘરે ચા માટે આમંત્રણ આપ્યું. વરસાદમાં ભીંજાવાને કારણે થરથર ધ્રૂજતી બત્રીસ વરસની ખૂબસૂરત સ્ત્રી એને ચા પીવા ઘરે બોલાવતી હતી.
એક વાર શ્યામલીના ઘરે પ્રવેશ કર્યો કે એની જિંદગીમાં પ્રવેશતાં વિક્રમને વધુ સમય ન લાગ્યો. એક કલાકની અંદર એ શ્યામલી વિશે બધું જ જાણી ચૂક્યો હતો. બીજા કલાકની અંદર એણે શ્યામલીની બધી સમસ્યાઓને પોતાની કરી લેવાનું પ્રોમિસ આપી દીધું હતું. શ્યામલીને નાણાકીય મદદ કરવાનું આશ્વાસન પણ એણે આપી દીધું હતું. ધીરે ધીરે વિક્રમ પહાડ પરથી જાણે ગબડવાનું શરૂ કરી દીધું હતું.
એક કમજોર પળ એવી આવી કે એણે પહાડ પરથી છલાંગ લગાવી દીધી હતી. મા-બાપ, પત્ની, ભાઈ, બહેન દરેક સામાજિક સંબંધોને ચાતરીને એણે એક નવો સંબંધ બાંધી લીધો હતો જેમાં એ આવનાર દિવસોમાં ઊંડો ને ઊંડો ખૂંપી જવાનો હતો.
ઘણી વાર બે ચહેરા લઈને બેવડી જિંદગી જીવીને વિક્રમ થાકી જતો પણ પછી પોતાની આવડત પર ચહેરા પર મલકાટ પણ પથરાઈ જતો.
આજે પણ એ શ્યામલીને મળવા જઈ રહ્યો હતો. પાસે પડેલી બેગ પર વિક્રમે હાથ ફેરવ્યો. એ બેગમાં પાંચ લાખ રૂપિયા હતા.
શ્યામલીને રૂપિયાની જરૂર હતી. વિક્રમે ઑફિસમાં કામથને કહીને રૂપિયા મંગાવી લીધા હતા.
શ્યામલી માંગે ને ના કેમ પડાય? શ્યામલીના મકાનથી એણે ગાડી થોડે દૂર પાર્ક કરી અને ચાલતો એના મકાન તરફ આવ્યો.
લિફ્ટમાં દાખલ થતી વખતે આજુબાજુ કોઈ છે નહીં ને એની ચોકસાઈ એણે કરી લીધી.
શ્યામલીના ફ્લેટની કોલબેલ દબાવી. એક સેક્નડમાં જ દરવાજો ખૂલી ગયો.
સામે શ્યામલી ઊભી હતી. બીજી ક્ષણે એ બન્ને એકમેકના આશ્લેશમાં હતાં .
‘મને હતું જ કે તું આજે આવીશ.’ શ્યામલીએ એક નજર વિક્રમની બેગ પર ફેંકતાં કહ્યું.
‘આવતા અઠવાડિયે જ આવવાનો હતો પણ તને રૂપિયાની જરૂર છે એ વિચારીને આજે આવી ગયો.’ વિક્રમ ખોટું બોલ્યો.
‘અરે, રૂપિયા દેવાની શું ઉતાવળ હતી. ખેર, એ બહાને તું આવ્યો તો ખરો…’ શ્યામલી લાડથી બેગ પર આંગળી ફેરવતાં બોલી.
વિક્રમે એનો હાથ પકડી લીધો.
અચાનક એને પૂજા યાદ આવી ગઈ.
ભવિષ્યના એંધાણ પામી જતી પૂજાને મારા શ્યામલી સાથેના સંબંધ વિશે ખબર પડી જાય તો… તો… તો… એ હંગામો મચાવી દે. તરત જ પપ્પાને ખબર પડી જાય અને પપ્પા વસિયતનામામાંથી મારું નામ હંમેશ માટે કાઢી નાખે.
દરેક પાપ સાથે આનંદ અને ગુનાની મિશ્રિત લાગણીઓ કેમ વણાયેલી હશે… વિક્રમ વિચારતો હતો.
(ક્રમશ:)