વિક્રોલીમાં હાઇવે પર વૃક્ષ સાથે કાર અથડાતાં બે જણનાં મોત
મુંબઈ: વિક્રોલી વિસ્તારમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ વેગે જઇ રહેલી કાર રસ્તાને કિનારે વૃક્ષ સાથે અથડાતાં બે જણનાં મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાતે 12.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ રોહિત ભાઉસાહેબ નિકમ (29) અને સિદ્ધાર્થ રાજેશ ઢગે (23) તરીકે થઇ હોઇ બંને જણ વિક્રોલી પૂર્વના ક્ધનમવર નગરના રહેવાસી હતા.
આ પણ વાંચો: ઓડિશામાં વિચિત્ર રોડ અકસ્માતમાં પાંચના મોત, 12 ઘાયલ
સિદ્ધાર્થ ઢગે બેદરકારીથી કાર હંકારી રહ્યો હતો અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પ્રવીણ હોટેલ સામે તેણે કાબૂ ગુમાવતાં કાર વૃક્ષ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં સિદ્ધાર્થ અને તેના મિત્ર રોહિત નિકમને ગંભીર ઇજા પહોંચી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં વિક્રોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા બંનેને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા. વિક્રોલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને વધુ તપાસ આદરી હતી.