બુરાઈઓ સામેની લડત માટે સબ્ર એક મજબૂત હથિયાર
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
અલ્લાહતઆલા કુરાન કરીમની સુરા ‘બલદ’ની આયત પાંચમા ફરમાવે છે કે ‘અમે બંદાને બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ઉન્નતિનો છે, પરંતુ તે પરિશ્રમ માગી લે છે. બીજો માર્ગ અત્યંત સરળ છે, જે ખાડાઓમાં ઊતરે છે. પતન માટે પરિશ્રમની જરૂર પડતી નથી. વાસનાઓની લગામને ઢીલી મુકીએ, એટલે તરત જ ઊંડી ખાઈમાં ગબડવા માંડીએ.
વર્તમાન સમયના માનવીએ પતનનો માર્ગ અપનાવી લીધો છે, પરંતુ અલ્લાહ તઆલાએ તો ઉન્નતિનો, પ્રગતિ, તરક્કીનો માર્ગ બતાવી દીધો છે. આયત ૧૩થી ૧૭મા જણાવી દીધું કે કોઈ વ્યક્તિ કોઈ ગુલામને આઝાદ કરે અથવા તો તેને આર્થિક સહાય કરે, કોઈ ગરીબને કરજના બોજામાંથી ઉગારે, પોતે ભૂખ્યો રહીને કોઈ નજીકના અનાથ (કોઈની સહાયનો તલબગાર) ને (સગો – સંબંધી – પાડોશી પણ તે શ્રેણીમાં આવે છે) અને એવા લાચારને ભોજન કરાવે અને જેઓ પરસ્પર સબ્ર (ધીરજ)ની વસિયત કરે અને પરસ્પર મહેરબાની (દયા, સદ્ભાવના)ની વસિયત કરે, આ બધા નૈતિક ઉન્નતિ તરફ જવાના માર્ગો છે, જ્યાં પહોંચવા માટે દુર્ગમ ખીણમાંથી જવું પડે છે.
પવિત્ર કુરાનમાં ગુલામને આઝાદ કરવાની ઘણી હદીસો (કથનો) આવી છે. એક હદીસમાં છે કે તે ગુલામના એક એક અવયવના બદલામાં તેના માલિકના દરેક અંગને દોઝખની આગથી બચાવી લેવાશે. હાથના બદલે હાથ, પગના બદલે પગ, ગુપ્ત ભાગના બદલે ગુપ્ત ભાગ.
હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમે નિ:સહાય લોકોને મદદ કરવા વિશે પણ ઘણાં ફરમાનો કર્યાં છે. આપે ફરમાવ્યું છે કે ‘વિધવા અને ગરીબની સહાય માટે પ્રયત્ન કરનાર એવો છે જાણે અલ્લાહના માર્ગમાં જેહાદમાં દોડધામ કરનાર.’
આપ પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.) ફરમાવો છો કે ‘જે કોઈ સગા અથવા સગો ન હોય તેવા અનાથનું ભરણપોષણ કરે, તો તે માણસ અને હું જન્નતમાં આવી રીતે દાખલ થઈશું. આવું ફરમાવીને આપ સરકારે દોઆલમે શહાદતની આંગળી અને વચલી આંગળી સીધી કરી બતાવી અને બંને આંગળીઓ વચ્ચે સ્હેજ જગા રાખી.
આપ હુઝૂરે અનવર (સ.અ.વ.) પાસે એક શખસે ફરિયાદ કરી કે મારું હૃદય કઠોર છે. હુઝૂરે તેને ફરમાવ્યું કે ‘અનાથના માથે હાર ફેરવ અને નિ:સહાય માણસને ભોજન આપ.’
આ ગુણો સાથે એ પણ જરૂરી છે કે મોમીન હોય એટલે કે એક સાચો ઈમાનદાર મુસલમાન પણ તે હોય. કારણ કે ઈમાન વિનાનું કોઈ પણ સત્કાર્ય સત્કાર્ય ગણાશે નહીં અલ્લાહ તેનો સ્વીકાર કરશે નહીં. કુરાને પાકમાં તેની ચોખવટ ઘણી જગ્યાએ થઈ છે. તેથી જ ઉપરોક્ત સુરા ‘બલદ’ની આયત ૧૮મા તેવા લોકોને ‘જમણી બાજુવાળા’ કહ્યા છે. સુરા ‘નિસા’માં ફરમાવ્યું છે કે ‘જે નેક કાર્યો કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, પણ તે મોમીન હોય તો એવા લોકો જન્નતમાં જશે.’ એજ અર્થની આયતો થોડા ફેરફાર સાથે બીજી સુરાઓ (પ્રકરણો)માં આવી છે, જેમાં સદ્કાર્યો સાથે મોમીન હોવાની શર્ત લગાવી છે.
સુજ્ઞ વાચક મિત્રો! એ નોંધી રાખો કે સુરા ‘બલદ’ની આયત ૧૭મા એવું કહ્યું નથી કે, ‘પછી તે ઈમાન લાવ્યો.’ પરંતુ એવું કહ્યું છે કે ‘સુમ્મ કાન મિનલ્લઝીન આમનૂ’ (પછી તે લોકોમાં શામેલ થયો, જે ઈમાન લાવ્યો છે.) મતલબ એ છે કે પ્રત્યેક ઈમાન લાવનાર બીજા ઈમાનદારો સાથે ભળી જાય, તે જરૂરી છે, જેથી તેમનું એક જૂથ ઊભું થઈ જાય. એજ આયત ૧૭મા ‘પરસ્પર ધૈર્ય (સબ્ર)ની વસિયત કરી.’ એવા શબ્દો આવ્યા છે. કુરાન શરીફમાં સબ્ર (ધૈર્ય)નો વિશાળ અર્થ છે:
મોમીનનું સમગ્ર જીવન સબ્રનું જીવન છે. ઈમાન લાવતાંની સાથે જ ધૈર્યની કસોટી શરૂ થઈ જાય છે. ઈબાદતોમાં સબ્ર, આદેશ પાલનમાં સબ્ર, હરામ વસ્તુઓથી બચવામાં સબ્ર, પવિત્ર નીતિ અપનાવવા અને બુરાઈથી બચવામાં સબ્ર… આ રીતે કોઈ મોમીન સબ્ર રાખ્યા વિના આવા કઠિન માર્ગો પર ચાલી શકતો નથી. ઈમાનનો માર્ગ અપનાવતાં જ હજારો હજારો મુશ્કેલીઓ આવે, ત્યારે સબ્રની જરૂર પડે છે. આમાં હિજરત (સ્થળાંતર) અને જેહાદ (ધર્મના માર્ગ તરફ પ્રયાણ)ના પ્રસંગો પણ આવી જાય.
આવી પરિસ્થિતિઓમાં એક વ્યક્તિ કરતાં સમગ્ર મોમીનોનો સમાજ હોય અને તે એકબીજાને સબ્રની તલકીન (આપલે) કરે તો, કામિયાબી (સફળતા) જરૂર મળે છે. બુરાઈઓ સામે એક વિશાળ શક્તિ ઊભી થશે, એક વિશાળ સેના ઊભી થશે. આમીન (તથાસ્તુ, ઈશ્ર્વર – અલ્લાહ ભલું કરે).
નસીહત
અલ્લાહ તે વ્યક્તિ પર દયા નથી કરતો જે મનુષ્ય પર દયા નથી કરતો. (હવાલો: બુખારી).
બોધ: અલ્લાહતઆલાએ અને તેના પ્યારા રસુલ (સ.અ.વ.) મોમીનોના દિલમાં દયાના ગુણને વિકસાવવાના આદેશો
આપ્યા છે.
સાપ્તાહિક સંદેશ
ગમે તેવી મુશ્કેલીઓમાં પણ જેની બુદ્ધિ હીન બનતી નથી – આઘાત પામતી નથી, તે ઈન્સાન તેની એ બુદ્ધિના પ્રભાવથી બેશક તે મુશ્કેલીઓને પાર કરી જાય છે.