દિવસે દિવસે માણસ વધુ હિંસક બનતો જાય છે?
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
હિંસાના અતિરેક વિશે ચર્ચા થતી હોય છે ત્યારે આપણને પૌરાણિક યુગની કથાઓના દાખલા આપવામાં આવે છે. આપણને શીખવવામાં આવે છે કે માણસમાં હિંસાનું જીન્સ હજારો લાખો વર્ષથી છે. આપણા પૂર્વજ ચિમ્પાન્ઝીઓ એકબીજાના જૂથ સાથે ઘાતક રીતે લડતા . હજારો વર્ષ પૂર્વે માણસ શિકાર કરવા જતો ત્યારે ઝનૂન સાથે શિકાર કરતો હશે. આ જ માણસજાત પોતાના વિસ્તારના રક્ષણ માટે હિંસા કરતો રહ્યો હશે. સમ્રાટ અશોકે હિંસાની ચરમસીમા જોયા પછી મુક્ત થવાની કોશિશ કરી, પણ મૌર્ય પછી શૃંગોના સમયમાં ઘાતકી હિંસા ચાલતી રહી.
ગુપ્તવંશથી મુગલો સુધી લડાઇઓ ચાલતી રહી છે. આપણે આ હિંસાનો પ્રત્યુત્તર હિંસાથી આપ્યો છે, કારણ કે આ હિંસા અસ્તિત્વ ટકાવી રખવા માટે માટે હતી.
બીજા વિશ્ર્વયુદ્ધના અંતે સમગ્ર માનવજાત માટે સૌથી શરમજનક ઘટના હિરોશિમા અણુ બોંબ માની શકાય. આ ઘટના પછી પણ માનવી એ શીખ્યો નહીં કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આજ સુધી દુનિયામાં હિંસા અવિરત ચાલતી રહી છે. આ ઘટનાઓ પરથી એક નિષ્કર્ષ શીખવાડવામાં આવે છે કે હિંસા વગર એક સમુદાયનું અસ્તિત્વ ટકી શકે નહીં. ઘણે અંશે આ વાત સાચી પણ છે. જ્યારે સોશિયલ મીડિયા ક્રાંતિ થઇ છે અને દુનિયા દિવસે દિવસે નાની બનતી જાય છે છતાં હિંસા વગરનો સમાજની કલ્પના શક્ય લાગતી નથી.
જૂના સમયમાં માણસ આજના જેટલો સુસંસ્કૃત ના હોય તો હિંસા આચરી શકે પણ એકવીસમી સદીનો ચોથો ભાગ ખતમ થવા આવે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા દરવાજામાં પ્રવેશી રહ્યું હોય ત્યારે માણસ નાની- મોટી વાતમાં હિંસક બનવા લાગે છે એ આશ્ર્ચર્યની પમાડતી ઘટના છે.
આજે જ છાપામાં સમાચાર છે કે સ્કૂલમાં ભણતાં એક વિદ્યાર્થીએ બીજાને ચપ્પુ માર્યું, રસ્તા પર અકસ્માત થાય અને તરત મારામારી થઇ જાય. માણસ જાતમાં એવું કોઈ પરિવર્તન આવતું નથી જેનાથી એ હિંસાનો ઉકેલ આવી શકે. આપણને એમ હતું કે માણસ અભ્યાસ કરશે અને દુનિયાના વૈજ્ઞાનિક અભિગમને જોશે તો ઘણી સમસ્યાઓનો નિકાલ થશે. આ સમસ્યા કેવળ ભારત પૂરતી નથી પણ અમેરિકા સહિત પશ્ર્ચિમના દેશોને પણ લાગુ પડી રહી છે. એ દેશો સમૃદ્ધ છે અને એમની સમસ્યા એમને મુબારક પણ આપણે વધુને વધુ હિંસક બનવા લાગ્યા હોય એવું લાગે છે.
પશ્ર્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરના બળાત્કાર – હત્યા પછી જે રીતે ઘટનાઓ બની રહી છે એ જોતાં માનવજાતના ભવિષ્ય પર પ્રશ્ર્નાર્થ થાય છે. ભારતમાં કલાકો સુધી ટીવી ચેનલો પર થતી ઉગ્ર ચર્ચાઓ બળતામાં ઘી ઉમેરવાનું કામ કરે છે.
આપણી પાસે કૃષ્ણ અને બુદ્ધ મહાવીરના સંગમ જેવો ગાંધી માર્ગ હતો. ગાંધીએ વ્યક્તિગત અહિંસા માટે જિંદગી ઘસી નાખી, પણ સોશિયલ મીડિયાના આડેધડ મેસેજની દુનિયામાં રોજરોજ ગાંધી અસર નાબૂદ કરવા આપણે હોડ લગાવી દીધી. આપણું ચાલે તો ગાંધીને શક્ય એટલા જલદી નેસ્ત નાબૂદ કરવા છે.હા, તો પછી પ્રશ્ર્ન એ છે કે વધતી જતી વ્યક્તિગત હિંસાનો ઉપાય ક્યાં શોધીશું?
માણસ જ્યારે હિંસા કરે છે એ માટે સત્તાથી માંડીને વ્યસનો સુધીના નશાને જવાબદાર ગણે છે કે પછી હિંસા પોતે જ એક નશો છે એનો જવાબ શોધવો પડશે. મનોવિજ્ઞાનના એક મત મુજબ પેઢીઓથી હિંસા વચ્ચે ઉછેર પામેલા સમાજની આપોઆપ હિંસક બનવાની સંભાવના વધારે હોય છે. જ્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સૌથી વધુ આવિષ્કાર થયો છે એવા અમેરિકામાં સૌથી વધારે હિંસા જોવા મળે છે. માણસ સુસંસ્કૃત બનવાની ઘટનાને હિંસા સાથે કોઈ નિસ્બત હોય એવું લાગતું નથી.
આપણા સોશિયલ મીડિયામાં દુનિયાભરના વિવાદોમાં યેનકેન પ્રકારે હિંસા જ સોલ્યુશન હોય એવો દેખાવ કરવામાં આવે છે. વિચાર તો કરો કે સભ્ય સમાજની દુનિયામાં વર્ષે સાડા ચાર લાખ કરતાં વધારે ઘાતકી હત્યા થાય છે. મહદઅંશે આપણું સિનેમા વધારે ને વધારે ઘાતકી બનતું જાય છે. ક્રૂર દ્રશ્યો માણસની કલ્પના બહારના છે. આઠ દશ વર્ષનાં બાળકો આ દ્રશ્ય જોઇને શું શીખશે એનાથી ભગવાન જ બચાવે.
દરેક વિવાદના હિંસક ઉપાય પર ક્ધફર્મ સિક્કો મારવાનું કામ ચેનલો કરે છે. ચેનલો પર થતી ઉગ્ર ચર્ચાઓએ સહજ સંવાદની મૂળભૂત ભારતીય પરિકલ્પનાને ગાયબ કરી દીધી. આપણી સંસ્કૃતિના પાયામાં સંવાદ હતો. એકબીજા સાથે સહજ દલીલ કરીને માફ કરવાનું ભૂલી ગયાં છીએ.
કોરિયા જેવા પ્રગતિશીલ દેશમાં પંચ્યાસી ટકા કરતાં વધુ સ્ત્રીઓને ઓનલાઇન અભદ્ર ભાષાઓથી અપમાનિત કરવામાં આવી છે. વિશ્ર્વભરમાં પ્રતિ પાંચમું દંપતી ડોમેસ્ટિક વાયોલન્સનો-ઘરેલુ હિંસાનું ભોગ બનેલું છે.
તમે ખણખોદ કરવાનો શોખ ધરાવતા હો તો ગૂગલ દેવતા હિંસાના ઢગલાબંધ ઘાતકી ડેટા આપશે, પણ પ્રશ્ર્ન એનો એ જ છે કે આપણે કેવા સમાજનું નિર્માણ કરવાનું છે એ નક્કી કોણ કરશે?.
યશ ચોપ્રાની ‘ડર’ ફિલ્મ યાદ છે ને? શાહરૂખ ખાન એક સ્ત્રીના પ્રેમમાં પડે છે અને પોતાની સ્વર્ગીય માતા સાથે એ સ્ત્રી પરત્વેના પ્રેમની વાતો કરે છે. સતત હિંસા વચ્ચે પોતાની છાતી પર ચપ્પા વડે એ સ્ત્રીનું નામ લખે છે, આ દ્રશ્યએ માણસના મનમાં શેનું બી રોપ્યું હશે એ અલગ ચર્ચા છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અસંખ્ય અહિંસક ફિલ્મો બનાવી છે, પણ આપણને રસ પડ્યો નથી. આપણે રોજેરોજ સોશિયલ મીડિયામાં ઝેર ઓકીને વ્યક્તિગત અહિંસક સમાજ બનાવવાનો ગાંધીમાર્ગ તોડી નાખ્યો છે.
આધુનિક યુગમાં નવી પેઢી સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જીવી શકે એ માટે કશું પ્લાનિંગ છે ખરું એ પ્રશ્ર્ન દશ વર્ષ પછી પૂછવામાં આવશે તો વોટ્સએપ મેસેજ વંચાવીશું?
પચ્ચીસ વર્ષ પહેલાં એક ફિલ્મ આવી હતી ‘શૂલ’ . હિંસાથી ભરપૂર એ ફિલ્મના અંત ભાગમાં મનોજ બાજપાઇ એક દ્રશ્યમાં નકારાત્મક ભૂમિકા ભજવતા સયાજી શિંદેને વિધાનસભા ગૃહમાં શોધે છે. વિધાનસભા સ્પીકરના ટેબલ પર સયાજી શિંદેને ઘસડીને લાવે છે અને એના માથા પર રિવોલ્વર મૂકીને સમગ્ર સમાજને સંબોધીને એક વાત કહે છે: ‘બાહર બૈઠે હુએ લોગોં કો તુમસે બડી ઉમ્મીદેં હૈ. ’ આ સવાલ ફક્ત સિનેમાના ઓડિયન્સ પૂરતો મર્યાદિત નથી પણ આવનારી પેઢી હિંસાથી છૂટવા માટે સવાલ પૂછે એ પહેલાં જવાબ શોધવાની તૈયારી કરવાનો છે. પ્રકૃતિ વચ્ચે રખડવાથી કે સારાં પુસ્તકો વાંચવાથી હિંસા દૂર થઇ જશે એવું માનતા હોય તો એ સૌથી મોટો ભ્રમ છે. જે પેઢી ગાંધીને નકારવાની વાત કહી રહી છે એ પેઢી પાસે ચર્ચા સિવાય કશું જ બચ્યું નથી. નવી પેઢીએ જ પોતાનો ગાંધી માર્ગ શોધવો પડશે. હિંસાનો સામનો કરવા માટે આપણે સમાજને શું આપ્યું એ પ્રશ્ર્ન ઊભો થાય એ પહેલાં સોશિયલ મીડિયાના વીરોએ ફરી યાદ કરવાની જરૂર છે કે બાહર બૈઠે હુએ લોગોં કો તુમસે બડી ઉમ્મીદેં હૈ..’
ધ એન્ડ:
દરેક ઘા થકી એક નિશાન પડતું હોય છે. પ્રત્યેક નિશાન સાથે આગવી કથા જોડાયેલી હોય છે. આ કથાઓ એટલું જ કહેતી હોય છે કે હું બચી ગયો/ગઇ…. (ફાધર ફ્રેગ સ્કોટ)