લેટરલ ભરતી મુદ્દે પીછેહઠ, મોદીસરકારની નવી નાલેશી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેનાં મુખ્ય કારણોમાં એક કારણ અનામત મુદ્દે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોના નેતાઓએ મોદી સરકાર પર કરેલું આક્રમણ જવાબદાર હતું. મોદી સરકાર અનામત વિરોધી છે અને અનામતને નાબૂદ કરી દેવા માગે છે એવો પ્રચાર કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોએ પુરજોશમાં ચલાવેલો. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના આ પ્રચારની ભારે અસર થઈ એવું ભાજપે પોતે સ્વીકાર્યું છે છતાં ભાજપ કોઈ બોધપાઠ શીખ્યો નથી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન દ્વારા લેટરલે એટલે કે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કર્યા વિના લેટરલ ભરતી કરવાની જાહેરખબર બહાર પડાવીને ભાંગરો વાટી દીધો અને કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોને ફરી ભાજપ અનામત વિરોધી છે એવો મુદ્દો ઉઠાવવાનો મોકો આપી દીધી. યુનિયન પબ્લિસ સર્વિસ કમિશને ૧૭ ઓગસ્ટે લેટરલ એન્ટ્રી દ્વારા ૪૫ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરખબર બહાર પાડી હતી.
લેટરલ એન્ટ્રી એટલે પરીક્ષા વિના સીધી ભરતી કરવાની પરીક્ષા. લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન દ્વારા ભરાતી મહત્ત્વની જગ્યાઓ પર ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની સીધી ભરતી કરે છે. મહેસૂલ, નાણાં, આર્થિક, કૃષિ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં લાંબા સમયથી કામ કરતા લોકોને નિષ્ણાત ગણીને ભરતી કરાય છે. સરકારી મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર ૨૦૧૮થી લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવામાં આવે છે અને તેનો વિરોધ પણ થયો છે પણ અત્યાર લગી ભાજપ બહુમતીમાં હતો તેથી ગણકારતો નહોતો પણ હવે બહુમતી નથી એટલે નમવું પડ્યું. આ મુદ્દે ભારે હોહા થઈ અને એનડીએના સાથી પક્ષો જ આ હિલચાલ સામે મેદાનમાં આવી જતાં મોદી સરકારે નાકલીટી તાણીને આ જાહેરખબરને રદ કરી દેવી પડી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિસ સર્વિસ કમિશને ચેરમેનને આ આ ભરતી રદ કરવા સૂચના આપવી પડી છે.
હાસ્યાસ્પદ વાત એ છે કે, જિતેન્દ્રસિંહે ડહાપણ ડહોળ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી આ નિર્ણય બદલવામાં આવ્યો છે. ભલા માણસ, નરેન્દ્ર મોદી સરકારના વડા છે ને સરકારની સૂચનાથી યુનિયન પબ્લિસ સર્વિસ કમિશને આ જાહેરખબર બહાર પાડી હતી એ જોતાં ભરતી રદ કરવાની સૂચના પણ મોદીએ જ આપવી પડે ને ? યુનિયન પબ્લિસ સર્વિસ કમિશનને કંઈ નીતિન ગડકરી કે રાજનાથસિંહ થોડા કહેવા જાય ? કે પછી મમતા બેનરજીની કે રાહુલ ગાંધીની સૂચનાથી થોડી ભરતી રદ થાય ?
જિતેન્દ્રસિંહે ડહોળેલું ડહાપણ મોદીની માનસિકતાનો પુરાવો છે. કંઈ પણ સારું થાય તો તેનો જશ પોતે લેવાનો ને ખરાબ થાય તો ખરાબ થયેલું પોતાના કારણે સારું થયું એવું બતાવવાની મોદીની માનસિકતા છે. જિતેન્દ્રસિંહ જેવા ચમચા મોદીની આ માનસિકતાને પોષી રહ્યા છે. એ લોકો પ્રજા સાવ ડફોળ હોય એ રીતે વર્તી રહ્યા છે એ જોઈને તેમની બુદ્ધિની દયા આવે છે.
આ ભરતી રદ કેમ કરવી પડે એ જગજાહેર છે. મોદી સરકાર ચાલાકી વાપરીને પોતાના મળતિયાઓને કેન્દ્ર સરકારમાં સેક્રેટરી સહિતના મલાઈદાર પદો પર ગોઠવવા માગતી હતી ને એ માટે યુનિયન પબ્લિસ સર્વિસ કમિશનનો ઉપયોગ કરવાનો તખ્તો ઘડાયેલો. યુનિયન પબ્લિસ સર્વિસ કમિશનમાં બેઠેલા લોકો સરકારના ચમચા છે એટલે તેમણે ઝાઝી બુદ્ધિ લગાવ્યા વિના ભરતીની જાહેરખબર બહાર પાડી દીધી પણ કૉંગ્રેસ સહિતના પક્ષોના ધ્યાન પર આ જાહેરખબર આવી ગઈ તેમાં મોદી સરકારને બરાબરનો બૂચ વાગી ગયો.
રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આ લેટરલ એન્ટ્રીનો વિરોધ કર્યો હતો પણ મોટી વાત એ છે કે, કૉંગ્રેસે આ મુદ્દાને અનામત સાથે જોડીને મોટો બનાવી દીધો. રાહુલે આક્ષેપ કર્યો કે, લેટરલ એન્ટ્રી દલિત, ઓબીસી અને આદિવાસીઓ પર હુમલો છે. ભાજપનું રામ રાજ્યનું આ વિનાશક સંસ્કરણ બંધારણને નષ્ટ કરવા અને બહુજન પાસેથી અનામત છીનવી લેવા માગે છે.
રાહુલે એવો આક્ષેપ પણ કર્યો કે, લેટરલ એન્ટ્રી દ્વારા એસસી, એસટી અને ઓબીસી વર્ગોના અધિકારો ખુલ્લેઆમ છીનવાઈ રહ્યા છે. મોદી સરકાર સંઘના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે અને અનામત નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ આક્ષેપોના કારણે મોદી સરકાર તો ભીંસમાં આવી જ પણ એનડીએના સાથી પક્ષો પણ દબાણમાં આવી ગયા. નીતીશ કુમાર અને ચિરાગ પાસવાન સહિતના સાથી પક્ષોની તો દુકાન જ અનામત પર ચાલે છે ત્યારે મોદી સરકાર અનામતની સાવ અવગણના કરે એ તેમને પરવડે એમ જ નથી તેથી એ લોકો તરત મેદાનમાં આવી ગયા.
નીતીશ કુમાર સહિતના નેતાઓએ ખાનગીમાં જ્યારે ચિરાગ પાસવાને જાહેરમાં લેટરલ ભરતીનો વિરોધ કર્યો. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને લેટરલ એન્ટ્રી રિક્રુટમેન્ટ સામે વાંધો લઈને સાફ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ સરકારી નિમણૂકમાં અનામત હોવી જ જોઈએ. ખાનગી ક્ષેત્રમાં તો અનામત છે જ નહીં પણ નિમણૂકમાં પણ તેનો અમલ થતો નથી તો એ ચિંતાનો વિષય છે.
ચિરાગે એમ પણ કહ્યું કે, કેટલીક જગ્યાઓ પર લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ભરતી કરવામાં આવી રહી છે અને અનામતને ધ્યાનમાં લેવામાં આવી નથી. હું અને મારો પક્ષ આ પ્રકારની ભરતી સાથે સહમત નથી. અમે તેના સંપૂર્ણ વિરોધમાં છીએ. સરકારનો એક ભાગ હોવાને કારણે અમે અમારી ચિંતાઓ પણ સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં અમે આ અંગે જોરદાર અવાજ ઉઠાવીશું.
વિપક્ષો અને સાથી પક્ષો બંને બાજુથી હુમલો થતાં ફફડી ગયેલી મોદી સરકારે લેટરલ ભરતી રદ કરવાની ફરજ પડી છે. લેટરલ ભરતી સારી છે કે નહીં તેની પંચાયતમાં આપણે પડતા નથી પણ મોદી સરકારની આ પીછેહઠ એ વાતનો પુરાવો છે કે, હવે ભાજપના પોતાના ધાર્યું કરવાના દિવસો પૂરા થઈ ગયા છે. અત્યાર સુધી મોદી સરકારે વિપક્ષોને ગણકાર્યા વિના પોતાને ફાવે એમ કર્યું પણ હવે નાના સાથી પક્ષો દબાણ કરે તો પણ મોદી સરકાર ફફડી જાય એવા દિવસો આવી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની ત્રીજી ઈનિંગ્સનો ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર હોવાની વાતો કરાતી હતી. હવે મોદી સરકારનો એજન્ડા ને પ્લાનિંગ બધું સાથી પક્ષો નક્કી કરે છે તેનો આ સંકેત છે.