થાણેવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે આપી લીલી ઝંડી

મુંબઈ: લોકલ ટ્રેનમાં વધતી ગિર્દી અને રસ્તા પર વધતા ટ્રાફિકથી પરેશાન થાણેવાસીઓ છેલ્લાં અનેક વર્ષોથી નવા મેટ્રો રેલ પ્રોજેક્ટની રાહ જોઇ રહ્યા છે. જોકે, થાણેવાસીઓની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે અત્યંત મહત્ત્વના થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
સરકારે 12,200 કરોડ રૂપિયાના થાણે મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી દાખવતા આ પ્રોજેક્ટ પાટે ચઢશે. કેન્દ્ર સરકારે છ ડબ્બાની મેટ્રોના છેલ્લાં અનેક વર્ષોથી ફક્ત કાગળ પર રહેલા આ પ્રોજેક્ટને આખરે મંજૂરી આપતા થાણેવાસીઓને ભવિષ્યમાં મોટી રાહત મળશે.
આ પણ વાંચો: થાણેવાસીઓ માટે આવ્યા Good News, મેટ્રો-4નું આટલા ટકા કામ પૂરું થયું…
એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા વડાલા-ઘાટકોપરથી ગાયમુખ મેટ્રો પ્રોજેક્ટનું કામ શરૂ છે ને કાપુરબાવડીથી ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રોજેક્ટનું કામ પણ ચાલી રહ્યું છે.
આ સિવાય થાણેવાસીઓને સાર્વજનિક વાહનવ્યવહારનો વધુ એક વિકલ્પ મળી રહે એ માટે મહાપાલિકાએ ઇન્ટિગ્રલ મેટ્રો પ્રોજેક્ટનો નિર્ણય લીધો હતો. થાણે શહેરથી જતા બે મુખ્ય મેટ્રો માર્ગને જોડે તેવો એક ઇન્ટિગ્રલ મેટ્રો પ્રોજેક્ટ મહાાલિકાએ મહામેટ્રો એટલે કે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની મદદથી તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો: થાણે-સાકેત વચ્ચે બનશે એલિવેટેડ રોડ, ટ્રાફિકની સમસ્યા દૂર થવાની શક્યતા
આ પ્રકલ્પ માટે 12,200 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત હોઇ પાલિકાએ રાજ્ય સરકારની મંજૂરી લીધા બાદ આ પ્રોજેક્ટની અરજી કેન્દ્ર સરકાર પાસે અંતિમ મંજૂરી માટે મોકલાવી હતી. જોકે અમુક કારણોસર આ પ્રસ્તાવ ઘણા વખતથી મંજૂર કરવામાં આવ્યો નહોતો. જોકે આખરે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
થાણે શહેરના આંતરિક વિસ્તારોને જોડવા માટે પાલિકાએ છ ડબ્બાની મેટ્રોનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ મેટ્રો ત્રણ મીનિટના અંતરે દોડાવવામાં આવે છે. જેને પગલે થાણેમાં ત્રણ ડબ્બાની મેટ્રો દોઢ મીનિટના અંતરે દોડાવવી એવી સૂચના કેન્દ્ર સરકારે આપી હતી. જોકે, થાણે શહેરની વધતી વસતીને ધ્યાનમાં રાખી આ મેટ્રો ત્રણને બદલે છ ડબ્બાની કરવામાં આવે, એવો આગ્રહ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો હતો.