વેપાર

સૌરાષ્ટ્રના મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦ની તેજી, આયાતી તેલમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સૌરાષ્ટ્રનાં મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની અને દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫ વધી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ની ઝડપી તેજી આવી હતી.
વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૬ રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૩૩ સેન્ટનો ઘટાડો આવ્યા બાદ આજે પણ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૬૧ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ શિકાગોનાં નિરુત્સાહી અહેવાલે આજે હાજરમાં સોયા ડિગમના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા અને આરબીડી પામોલિનમાં રૂ. બેનો ધીમો સુધારો આવ્યો હતો. આ સિવાય અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચી અને અલાનાના રૂ. ૯૨૫, વાઈકોફ, ગોલ્ડન એગ્રી અને રિલાયન્સ રિટેલના રૂ. ૯૨૮ અને એએનએના રૂ. ૯૩૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ રહ્યો હતો. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના છૂટાછવાયા ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૬થી ૯૨૦ની રેન્જમાં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૬થી ૯૧૮, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૦, સોયા ડિગમના રૂ. ૮૭૫, સન રિફાઈન્ડના રૂ. ૯૫૦થી ૯૫૫, સન ક્રૂડના રૂ. ૯૦૦, સિંગતેલના રૂ. ૧૫૭૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૫ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સૌરાષ્ટ્રનાં મથકો પર ૧૦ કિલોદીઠ વૉશ્ડ કૉટન અને સિંગતેલના વેપાર અનુક્રમે રૂ. ૯૧૦થી ૯૨૦માં અને રૂ. ૧૫૪૦માં થયા હતા, જ્યારે તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૬૦માં થયાના અહેવાલ હતા. આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૧.૩૫ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૭૫થી ૬૧૦૦માં થયા હતા. આ સિવાય મથકો પર સરસવ એક્સપેલરના વેપાર રૂ. ૧૧૬૨માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૧૭૨માં પ્રતિ ૧૦ કિલો થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૫૫થી ૨૬૬૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button