ડોપિંગમાં ફસાયો જાણીતો ક્રિકેટર, તમામ ફૉર્મેટમાંથી અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ!
કોલંબો: શ્રીલંકાથી ખરાબ સમાચાર આવ્યા છે. શ્રીલંકા વતી 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો 31 વર્ષનો વિકેટકીપર-બૅટર નિરોશાન ડિકવેલાએ ડ્રગ્સ-વિરોધી કાર્યવાહી દરમ્યાન કેટલાક નિયમોનો ભંગ કર્યો એ બદલ તેને ત્રણેય ફૉર્મેટમાંથી અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે આ સમાચારને સમર્થન આપ્યું છે. લેફ્ટ-હૅન્ડ બૅટર અને વિકેટકીપર ડિકવેલા 5,000 જેટલા ઇન્ટરનૅશનલ રન બનાવી ચૂક્યો છે અને સ્ટમ્પ્સની પાછળથી 220 જેટલા શિકાર કરી ચૂક્યો છે.
દોઢ વર્ષથી તેને શ્રીલંકાની ટીમમાં સ્થાન નથી મળ્યું. તાજેતરની લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) દરમ્યાન તે ડોપિંગને લગતી ચકાસણીમાં ફેલ થયો હતો જેને પગલે તેની સામે આ કડક પગલું ભરાયું છે. ક્રિકેટની રમત પ્રતિબંધિત નશીલા પદાર્થો (કેફી દૃવ્યો)થી મુક્ત રહે એ હેતુથી દરેક ક્રિકેટ-પ્લેઇંગ રાષ્ટ્રમાં ડોપિંગને લગતા નિયમોનું પાલન કરવાનું તમામ ક્રિકેટરોને કહેવામાં આવે છે.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની 42 દિવસના બ્રેક પછી ઉપરાઉપરી ચાર સિરીઝ
ડિકવેલા મેદાન બહારના વિવાદો માટે (વિવાદાસ્પદ લાઇફસ્ટાઇલ માટે) જાણીતો છે. 2021માં ઇંગ્લૅન્ડમાં કોવિડ-19 સંબંધિત બાયો-બબલ પ્રૉટોકૉલ્સનો ભંગ કરનાર ત્રણ ક્રિકેટરમાં તે પણ હતો. બીજા બે ખેલાડીમાં કુસાલ મેન્ડિસ અને દાનુષ્કા ગુણથિલકા સામેલ હતા.