નોલેજ -ભાવાનુવાદ: પ્રથમેશ મહેતા
મોઇડમ્સ
દર વર્ષની જેમ યુનેસ્કોએ આ વર્ષે પણ વિશ્ર્વની ઐતિહાસિક વારસા સમાન સાઇટ્સમાં ઉમેરો કર્યો છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક,ઐતિહાસિક અને કુદરતી સ્થળોનો સમાવેશ થાય છે. પ્રાચીન શહેરોથી માંડીને કુદરતી અજાયબી અનેક સ્થળોની એક ઝલક માણવા જેવી છે. ચાલો હાલમાં જે ૧૫ સ્થળો ઉમેરાયા છે તેમાં લટાર મારીએ
મોઇડમ્સ : અહોમ રાજવંશની દફન વ્યવસ્થા (આસામ, ભારત) ભારતના આસામની મોઇડમ્સનો આમાં સમાવેશ થયો છે. એક ટેકરી પર કરવામાં આવતી અહોમ રાજવંશની ૧૩મી સદીની પ્રાચીન દફન વ્યવસ્થા એ વખતની ધાર્મિક અને ઐતિહાસિક વ્યવસ્થાનું દર્શન કરાવે છે.
નેલ્સન મંડેલાની સ્વતંત્રતા અને માનવ અધિકારો માટેની લડત સહિતનો ઇતિહાસ ધરાવતી સાઇટ (દક્ષિણ આફ્રિકા) આ સુંદર અને ઐતિહાસિક સ્થળમાં દક્ષિણ આફ્રિકાના દૂરંદેશી નેલ્સન મંડેલાની સ્વતંત્રતા, માનવ અધિકારો માટેની લડત અને સમાધાન માટે તેમણે ભજવેલી ભૂમિકાની તમામ માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે.
કેનોઝિરો તળાવ આગળ પાંગરેલી સંસ્કૃતિનું કુદરતી દર્શન (રશિયા) રશિયામાં આવેલા આ કેનોઝિરો તળાવના સ્થળે પારંપરિક લાકડાનું સ્થાપત્ય અને તેની આસપાસ કઠોર વાતાવરણમાં પાંગરેલી કૃષિસંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે.
મેલકા ક્ધચર અને બાલચિટ: ઇથોપિયા ઇથોપિયાના પર્વતીય પ્રદેશો પર આવેલા ભૂસ્તર અને અશ્મિવિજ્ઞાન સંબંધિત મેલકા ક્ધચર અને બાલચિટના પુરાવાઓ ઇથોપિયાના પ્રાચીન માનવજીવનની ઝાંખી કરાવે છે.
હેગમેટાનેહ (ઇરાન) ઇરાનના હમાદાનમાં આવેલું હેગમેટાનેહ પ્રાચીન શહેર એકબટાનામાં આવેલું પ્રાચીન સ્થળ છે અહીંના પુરાણા ભુસ્તરશાસ્ત્રીય અવશેષો આ વિસ્તારની પ્રાચીન અને મધ્યયુગી શહેરી વિકાસની સુંદર ઝલક દર્શાવે છે.
ફુ ફ્રબાત(થાઇલેન્ડ) ફુ ફ્રબાત તેના પ્રાચીન પથ્થરોની કળા કોતરણીના કળા-કસબ માટે જાણીતું છે. દ્વારાવતી યુગનું ખડકોની કોતરણી દ્વારા રચાયેલું સ્થાપત્ય પ્રાચીન થાઇ સંસ્કૃતિ અને ધાર્મિક ક્રિયાઓના ઘણા મહત્ત્વના મુદ્દાઓનું વર્ણન કરે છે.
સેન્ટ હિલેરિયન મોનસ્ટરી/ તેલ ઉમ્મ એમર (પેલેસ્ટાઇન) આ સ્થળે સંત હિલેરિયનનો પ્રાચીન મઠ અને તેલ ઉમ્મ અમેરના પ્રાચીન ભૂસ્તરીય અવશેષોનો સંગમ છે. આ સ્થળની પ્રાચીન શહેરી વિકાસ વ્યવસ્થા અને ખ્રિસ્તી સંતપરંપરાની શરૂઆત થઇ એ વખતની ઝલક અહીં દેખાઇ આવે છે.
વાયા એપ્પીઆ. રેજિના વિઆરમ (ઇટાલી) રોડની મહારાણી તરીકે ઓળખાતો આ વિઆ એપ્પીઆ માર્ગ રોમના પ્રાચીન રસ્તાઓમાંનો એક છે. આ ઐતિહાસિક માર્ગે રોમન સામ્રાજ્યના વિસ્તાર અને વહીવટમાં મહત્ત્વનો ભાગ
ભજવ્યો હતો.
બદાઇન જરણ ડેઝર્ટ (ચીન) ચીનમાં આવેલા આ રણમાં રેતીના ટેકરાઓ અને સુંદર સરોવરોના સંગમનો અદ્ભુત નઝારો જોવા મળે છે. સાવ શુષ્ક પ્રદેશમાં આ બે કુદરતી પરિબળો વચ્ચેની સાંઠગાંઠ ખરેખર અનુપમ દૃશ્યો રચે છે જે નિહાળવા લાયક છે.
ઉમ્મ અલ જિમલ (જોર્ડન) ઉત્તર જોર્ડનમાં આવેલું આ સ્થળ પ્રાચીન સમયમાં રણપ્રદેશમાં કેવા શહેરો વિકસેલા તેની ઝાંખી કરાવે છે. આ સ્થળનું ઐતિહાસિક અને ભૂસ્તરીય મહત્ત્વ અને એે સમયના વ્યાપાર-ઉદ્યોગમાં એણે ભજવેલી ભૂમિકાના પણ દર્શન થાય છે.
ગેડીનું ઐતિહાસિક શહેર (કેન્યા) ગેડી એ કેન્યામાં આવેલા સ્વાહીલી શહેરની ઝાંખી કરાવે છે. અહીંના અવશેષો દ્વારા મધ્યયુગમાં અહીં વ્યાપારિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનો ખ્યાલ આવે છે. આ સ્થળ પર તે સમયની સ્વાહિલી સંસ્કૃતિની ઝલક મળી આવે છે.
ધ પ્લેઇસ્ટોસિન ઑક્યુપેશન સાઇટ્સ ઑફ સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં આવેલું આ સ્થળ આધુનિક માનવીય વર્તનની ઉત્ક્રાંતિ સમજવા માટેનું ચાવીરૂપ સ્થાન છે. પ્રાચીન સભ્યતા,શોધખોળો, કળા અને સામાજિક રીતરિવાજોના અતિ મહત્ત્વના અનેક પુરાવાઓ અહીંથી મળી આવ્યા છે. સેવરિન રેસિડન્સ એન્સેમ્બલ (જર્મની) સેવરિન મહેલો અને બગીચાઓ દર્શાવતું ઉત્તર યુરોપમાં આવેલું આ સ્થળ પ્રાચીન સમયના અદ્ભુત સ્થાપત્યના દર્શન કરાવે છે. આ સ્થળ આ પ્રદેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિ દર્શાવે છે.
સાડો આઇલેન્ડ ગોલ્ડ માઇન્સ (જાપાન) આ સોનાની ખાણોએ ઇડો યુગ દરમ્યાન જાપાનના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ ખાણોમાં ભૂગર્ભ માર્ગો અને તેને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે એ તે સમયના ઐતિહાસિક અને સામાજિક પાસાઓને ઉજાગર કરે છે.
રોયલ કૉર્ટ ઑફ તિએબેલ (બુર્કિના ફાસો) આ સ્થાન બુર્કિના ફાસોમાં આવેલા કાસો જાતિના લોકોના સજેલા ધજેલા કળાત્મક મકાનો અને સાંસ્કૃતિક પરંપરાનું દર્શન કરાવે છે. અહીંની અદ્ભુત ડિઝાઇનો સમૃદ્ધ વારસો અને તે સમયની સ્થાપત્ય શૈલીને પ્રતિબંબિત કરે છે.