સિદ્ધિવિનાયક ..તારાં રૂપ-સ્વરૂપ કેટલાં ?!
દુંદાળા દેવના આગમનથી વિદાય સુધી અત્યારે દેશભરમાં મહોત્સવનો માહોલ છે ત્યારે ચાલો, ડોકિયું કરીએ, વિખ્યાત સેકસોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ સંઘરેલી ગણપતિ બાપ્પાની વિરલ ક્લાકૃતિઓના ખજાનામાં !
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
ગણપતિ બાપ્પા .!
આ નામ લેતાં ને એનાં દર્શન કરતાં જ બધાનાં હોઠો પર સ્મિત- મોં પર હાસ્ય અને આંખોમાં અનેરો ઉત્સાહ છલકાય જાય..
અનેક દેવી-દેવતા પર આસ્થા ધરાવતા આપણા દેશમાં જાતભાતનાં ૧૦૮ નામ ધરાવતાં આ આરાધ્ય દેવ હિંદુઓના અનેક પૂજનીય દેવમાંના એક છે. આપણે ત્યાં આસ્થાળુના અતિ પ્રિય એવા ત્રણ દેવતા: ગણેશ-કૃષ્ણ-હનુમાન એવા છે ,જેનાં કદ-સ્વરૂપ-આકૃતિને તમે ઈચ્છો એ રૂપ-સ્વરૂપમાં રજૂ કરી શકો. તમે એનું રેખાચિત્ર બનાવો કે કટાક્ષ-કાર્ટૂન શૈલીમાં પેશ કરો – એમનું એ પ્રત્યેક સ્વરૂપ બહુ મનમોહક હોય છે. રમતિયાળ બાળકનૈયો- ગોળમટોળ બાળગણેશ કે પછી તોફાની બાળ હનુમાનનું રૂપ કોઈને પણ મોહી લે.
હમણાં આપણે ત્યાં ઉત્સવ-ઉલ્લાસની મોસમ છલકે છે. પહેલાં હનુમાનજયંતી પછી કિસન કનૈયાનો જન્મદિન અને અત્યારે આપણે ત્યાં દુંદાળાદેવના આગમનને વધાવાનો ઉત્સવ ચાલી રહ્યો છે.
આ અવસરે આપણે એક એવા આદમીની વાત કરવી છે,જે પોતાના વ્યવસાય ઉપરાંત અન્ય કારણોથી પણ જાણીતા છે. એ છે વિશ્ર્વભરમાં વિખ્યાત એવા જાતીય જ્ઞાન-વિજ્ઞાનના ડૉકટર પ્રકાશ કોઠારી સેક્સોલોજિના ફિલ્ડમાં પોતાનાં અનન્ય પ્રદાન માટે એ બહુ પંકાયા છે એવા ડૉ. પ્રકાશ કોઠારી વિશે આપણે અહીં એક સેકસોલોજિસ્ટ તરીકે જરા પણ વાત કરવી નથી. પ્રકાશભાઈ એમના આ વ્યવસાય ઉપરાંત જાણીતા છે એમનાં ગઝલનાં જ્ઞાન અને તખ્તા પર એની રજૂઆત માટે, છતાં પ્રકાશભાઈની એ કાબેલિયતની પણ અહીં વાત નથી કરવી.
પ્રકાશભાઈનો એક ત્રીજો આયામ પણ છે એક સંગ્રાહક તરીકે. એ સંગ્રહ કરે છે પાબ્લો પિકાસો જેવાં વિખ્યાત ચિત્રકારનાં સર્જનોનો..એ એકઠા કરે છે ઐતિહાસિક દસ્તાવેજોને. જો કે, આ બધાની સાથે એ અદમ્ય ચાહક છે ગજાનન એટલે કે ગણપતિદાદાના..!
અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ડૉ. પ્રકાશ કોઠારીના ‘ખજાના’માં રહેલી કેટલીક અદ્ભુત ગણેશ મૂર્તિ-પ્રતિમાઓની રસપ્રદ વાત જાણવી-માણવી જોઈએ.
પ્રકાશભાઈ કહે છે તેમ એમની પાસે આજે નાની-મોટી ગણીને અનેક ગણપતિની મૂર્તિઓ અને ગણેશ સાથે સંકળાયેલી ૨૦૦ જેટલી ઐતિહાસિક વસ્તુઓ પણ છે,જેમાંથી ૨૦ તો સૌથી વધુ કિંમતી ઘણી એવી કળાકૃતિઓ પણ છે.
ડૉ. પ્રકાશ કોઠારી આમ તો દુર્લભ ગણાય એવાં દસ્તાવેજ-પેઈન્ટિંગ્સના સંગ્રાહક. એમાંય ખાસ કરીને પોતાના સેક્સોલોજિસ્ટ તરીકેના વ્યવસાયને લગતી ઈરોટિક – શૃંગારિક કળાકૃતિઓ એકઠી કરતાં કરતાં વખણાયેલી- વખોડાયેલી એવી મુંબઈની ‘ચોરબજાર’માંથી એક વાર એમને એક પ્રાચીન મહોર મળી ,જેના પર બુલ-આખલાની આકૃતિ હતી. આખલો-સાંઢ તો પૌરુષ-જુસ્સાનું પ્રતીક ગણાય..એની નીચે બ્રાહ્મી લિપિમાં કશું લખેલું હતું માટે એને ખરીદી લાવ્યા. થોડા દિવસ પછી અચાનક એમનું ધ્યાન ગયું કે લાલ માટીથી બનેલા એ ટેરાકોટાના સિક્કા-મહોર પાછળ તો ગણેશની આકૃતિ કંડારેલી હતી,જેને બે હાથ હતા ને પાછળ આભામંડળ હતું ! આ ઉપરાંત મહોર પર ‘જાગેશ્ર્વર’ પણ લખ્યું હતું. આ ‘જાગેશ્ર્વર’ એટલે શિવજીનું અન્ય નામ. આમ આ સિક્કા પર પુત્ર ગણેશ સાથે પિતાશ્રી શિવ શંકર પણ મોજુદ હતા!
(જસ્ટ જાણ ખાતર, ઉત્તરાખંડમાં ૭મી શતાબ્દી દરમિયાન બનેલું ભગવાન શિવજીનું ‘જોગેશ્ર્વર’ મંદિર પણ છે..!)
કુતૂહલવશ પ્રકાશભાઈએ પેલી મહોર પ્રાચીન કળાકૃતિ- વસ્તુઓના નિષ્ણાતો અને જાણીતા ઈતિહાસવિદોને દેખાડી ત્યારે એમને જાણ થઈ કે એ મહોર તો છેક ચોથી કે પાંચમી સદીની છે અર્થાત્ ચીનમાં જે સૌથી જૂની ગણાતી ગણેશ મૂર્તિ છે એના કરતાં પણ આ મહોર ૧૫૦-૨૦૦ વર્ષ પ્રાચીન છે..! આમ વિશ્ર્વની સૌથી પ્રાચીન ગણેશ મૂર્તિ ચીનમાં નહીં , પણ ભારતના ડૉ. પ્રકાશ કોઠારી પાસે છે એ મહોર ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે અને એમને એ ‘ચોરબજાર’માંથી માત્ર ૭૦૦ રૂપિયામાં મળી હતી! આમ ત્યાર બાદ, પ્રકાશભાઈ ‘એક્સિડેન્ટલ કલેક્ટર’ -અકસ્માતે ગણેશ મૂર્તિના ચાહક અને સંગ્રાહક બની ગયા..!
આ બધા વચ્ચે વિસ્મય પમાડે એવી વાત ઈતિહાસકારો કહે છે કે પ્રાચીન સમયમાં બે હાથવાળા ગણેજી ‘વિશ્ર્વકર્તા’ તરીકે ઓળખાતા અને એમને પ્રસન્ન રાખવા એમની પૂજા-અર્ચના થતી..! ક્રમશ: સમય વિતતા છઠ્ઠી સદીમાં ગણપતિની મૂર્તિ ચાર હાથની થઈ અને એમને ‘દુ:ખભંજક’ તરીકે સ્વીકારીને ‘વિઘ્નહર્તા’નું વહાલભર્યું વિશેષણ મળ્યું!
પ્રાચીન-ઐતિહાસિક કળાકૃતિના નામે આજકાલ જબરી બનાવટ ચાલે છે એટલે પોતે સંગ્રહ કરી છે એ બધી કળાકૃતિ ફેક-બનાવટી નથી એના માટે ડૉ. પ્રકાશ કોઠારીએ એનાં અધિકૃત પ્રમાણપત્રો પણ મેળવ્યાં છે.
અનેક અજાયબી ધરાવતા શ્રીગણેશના સંગ્રાહક ડૉ. પ્રકાશ કોઠારીએ એમનાં આવા વિરલ સંગ્રહ વિશે અગત્યનો એક દસ્તાવેજ ગણાય એવું અફલાતૂન પુસ્તક પણ આલેખ્યું છે,જે જોગાનુજોગ ૧૦૮ પાનાંનું છે !
એમનાં આ અંગ્રેજી પુસ્તક : ‘ગણેશા: થ્રુ ધ એજીસ’માં એેમણે દેશ-વિદેશથી એકઠા કર્યા એ વિઘ્નહર્તાઓ તેમ જ ગણેજીની છબી સાથેનાં જૂનાં જમાનાનાં સ્ટેમ્પ પેપર – પોસ્ટકાર્ડ- ટપાલ ટિકિટો વિશે રોચક માહિતી આપી છે, જેમકે લગ્ન વખતે હિમાચલ -પંજાબમાં વરરાજા પહેરે એવો પુરાણો ગણેશ મુગટ.પ્રવાસ વખતે સાથે રાખી શકાય ગણેશજીની પ્રતિકૃતિ,જેમાં સૂર્ય-ચન્દ્ર અને ૮ ગજરાજ પણ છે એવું ‘અંગ સંગ’ તરીકે ઓળખાતું નવમી સદીનું ટચકડું શિલ્પ સોનાના મૂલ્યાંકન માટે વપરાતો ‘કસોટી’ પત્થર, જેના પર ગણેશદેવની સાથે હનુમાનજી પણ છે. આ બન્ને અહીં રક્ષા-શક્તિ ને નિષ્ઠાના પ્રતીક છે…એ જ રીતે, સૂંઢમાં કમળ સાથે ચાર ભૂજા અને કપાળે શિવ જેવું ત્રીજું નેત્ર ધરાવતા ૧૮મી સદીની સિદ્ધિવિનાયકની મૂર્તિ…તો આઝાદી પહેલાં હિન્દુસ્તાનમાં એક ‘દુતિયા’ તરીકે એક રાજ્ય હતું, જેણે ગણેશજીની ટપાલ ટિકિટ કાઢી હતી એનો આખો સેટ પ્રકાશભાઈને બહુ સસ્તામાં મળી ગયો હતો તો એમની પાસે એક સિક્કો એવો પણ છે, જેની એક બાજુ ‘શ્રી ગણપતિ’ અને બીજી તરફ, ‘શ્રી પંત પ્રધાન’ શબ્દો અંકિત છે. મરાઠા યુગનો અતિ મૂલ્યવાન મનાતો આ સિક્કો પ્રકાશભાઈએ એક લિલામની બોલીમાં રૂપિયા પાંચ લાખમાં ખરીદ્યો છે!
-અને છેલ્લે છેક ૧૧-૧૨મી સદીમાં રતિક્રિડાના ગુરુ એવા કોકાપંડિત દ્વારા સંસ્કૃતમાં રચિત વિખ્યાત ગ્રંથ ‘રતિરહસ્ય – કોકશાસ્ત્ર’ની મૂળ હસ્તપ્રત પણ આજે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીના સંગ્રહમાં છે, જેના પ્રથમ પાના પર દેવી સરસ્વતી સાથે ગણેશજી પણ બિરાજે છે!