આમચી મુંબઈ

મિત્રો સાથે માથેરાન ફરવા ગયેલી ભાયખલાની યુવતીનો રસ્તા પરના ખાડાને કારણે જીવ ગયો

પનવેલમાં ખાડામાં બાઈક પટકાવાને કારણે રસ્તા પર ફંગોળાયેલી યુવતી પર ટ્રેલર ફરી વળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિત્રો સાથે માથેરાન ફરવા ગયેલી ભાયખલાની યુવતીએ નવી મુંબઈ નજીકના પનવેલ ખાતે રસ્તા પરના ખાડાને કારણે જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ખાડામાં બાઈક પટકાવાને કારણે રસ્તા પર ફંગોળાયેલી યુવતી પર પાછળથી આવેલું ટ્રેલર ફરી વળ્યું હતું. ઘટના બાદ ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધ હાથ ધરી હતી.

પનવેલ શહેર પોલીસના જણાવ્યા મુજબ પળસ્પેથી જેએનપીટી રોડ તરફના નાંદગાંવ પુલ પાસે રવિવારે સાંજે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીની ઓળખ માનસી પાંડુરંગ રોકડે (24) તરીકે થઈ હતી. માનસી ભાયખલાના ઘોડપદેવ સ્થિત મ્હાડા કોલોનીની બિલ્ડિંગ નંબર-5ના 24મા માળે આવેલા ફ્લૅટમાં રહેતી હતી.

આ પણ વાંચો :1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો

પોલીસ ફરિયાદ અનુસાર માનસી તેમના સાતથી આઠ જણના ગ્રૂપ સાથે દર વર્ષે ચોમાસામાં માથેરાન-મહાબળેશ્ર્વર જેવાં સ્થળોએ બાઈક પર ફરવા જતી હોય છે. આ ગ્રૂપે રવિવારે માથેરાન જવાનું નક્કી કર્યું હતું.

રવિવારની સવારે 6.30 વાગ્યાની આસપાસ સાત જણનું ગ્રૂપ ચાર બાઈક પર માથેરાન જવા નીકળ્યું હતું. માથેરાન ફર્યા પછી મિત્રો એક ઢાબા પર નાસ્તો કરવા રોકાયા હતા. ત્યાંથી મુંબઈ તરફ આવવા નીકળ્યા ત્યારે માનસી ભાયખલાના ઘોડપદેવ પરિસરમાં જ રહેતા મિત્ર આદેશ લાડ (24)ની બાઈક પર પાછળ બેઠી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે લાડની બાઈક સાંજે 4.30 વાગ્યે નાંદગાંવ પુલ પાસે પહોંચી ત્યારે રસ્તા પર મોટો ખાડો નજરે પડ્યો હતો. ખાડો જોઈ માનસીએ તેમની પાછળ પૂરપાટ વેગે આવી રહેલા ટ્રેલરના ડ્રાઈવરને વાહન ધીમે હંકારવા હાથેથી ઇશારો પણ કર્યો હતો. જોકે ટ્રેલરના ડ્રાઈવરે માનસીના ઇશારા તરફ ધ્યાન આપ્યું નહોતું.

દરમિયાન બાઈક ખાડામાં પટકાવાને કારણે લાડ અને માનસી જમણી તરફ રસ્તા પર પડી ગયાં હતાં. એ જ સમયે પાછળથી આવેલું ટ્રેલર માનસી પર ફરી વળ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. માનસીને તાત્કાલિક ઉપજિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પ્રકરણે આદેશ લાડે નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વ્યવસાયે ફોટોગ્રાફર લાડ તેના ભાઈની બાઈક લઈને ફરવા ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button