1975માં આખા પરિવારની હત્યા બાદ શેખ હસીનાને ભારતે આપ્યું હતું શરણ
ઢાકા: બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ દેશના વડાપ્રધાનના નિવાસ સ્થાને ઘૂસી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ ઘટનાએ આપણને 1975માં બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓની યાદ અપાવી છે. જ્યારે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન પીએમ શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ અને હસીનાએ ભારતમાં શરણ લેવું પડ્યું.
1975માં આખા પરિવારની હત્યા કરી દેવામાં આવી હતી:
બાંગ્લાદેશની આઝાદી બાદ શેખ મૂજીબુર રહેમાન (Sheikh Mujibur Rahman) પ્રધાનમંત્રી બન્યા હતા. જો કે વર્ષ 1975માં સેનાની એક ટુકડીએ તેમની વિરુદ્ધમાં વિદ્રોહ કરી દીધો હતો. સેનાના અધિકારીઓએ મૂજીબુર રહેમાનની સાથોસાથ તેમના પરિવારના 18 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તે બાદ બાંગ્લાદેશમાં ભારે રાજનીતિક ઉથલપાથલ મચી ગઈ હતી અને કેટલાય વર્ષો સુધી દેશમાં સૈન્ય શાસન ચાલતું રહ્યું હતું.
આ પણ વાંચો : Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું
શેખ હસીના કઈ રીતે બચ્યા હતા:
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ મૂજીબુર રહેમાનની હત્યાના 15 દિવસ પહેલા શેખ હસીના અને તેમની બહેન દેશ છોડીને જર્મની ચાલ્યા ગયા હતા. શેખ હસીના જર્મનીમાં પોતાના પતિ એમ. એ. વાજીદ મિંયાની સાથે હતી. તેમના પતિ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને પીએચડી કર્યા પછી સંશોધન કરી રહ્યા હતા. તે જ સમયે તેને સમગ્ર પરિવારની હત્યાની માહિતી મળી.
ભારતે આપ્યું હતું શરણ:
શેખ હસીનાના આખા પરિવારની હત્યા બાદ ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને ભારત તેમને સુરક્ષા અને આશ્રય આપશે તેવી ખાતરી આઆપી હતી. ત્યારબાદ શેખ હસીના પરિવાર સાથે નવી દિલ્હી પહોંચ્યા હતા. હસીનાના પરિવારને રક્ષણ આપવા અને તમામ ખતરાઓથી બચવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તેમને દિલ્હીના પંડારા રોડ પર એક ઘર આપવામાં આવ્યું હતું. તેના પતિને પણ નોકરી અપાઈ હતી. શેખ હસીના લગભગ 6 વર્ષ ભારતમાં રહ્યા બાદ 1981માં બાંગ્લાદેશ પરત ફર્યા હતા.