સ્પોર્ટસ

‘મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’, આવું કહીને કોણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું?

પૅરિસ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઍન્ડી મરેએ પૅરિસ ઑલિમ્પિક્સમાં મેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાંના પરાજય બાદ ટેનિસમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે નિવૃત્તિની સોશિયલ મીડિયામાં જાહેરાત કરતી વખતે ‘આમ પણ મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’ એવું એક્સ (ટ્વિટર) પર મજાકમાં લખ્યું હતું.

મરે અને તેના બ્રિટિશ જોડીદાર ડૅન ઇવાન્સનો ગુરુવારે ક્વૉર્ટરમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ અને ટૉમી પૉલ સામે 2-6, 4-6થી પરાજય થયો હતો. ઍન્ડી મરેએ કરોડરજ્જુની સર્જરીને કારણે ઑલિમ્પિક્સની સિંગલ્સમાંથી નામ પાછું ખેંચી લીધું હતું.
મરેએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ એક્સ પરના પોતાના બાયોમાં ફેરફાર કરીને ‘હું ટેનિસ રમ્યો’ એવું લખ્યું હતું.

આ પણ વાંચો: બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે

ગ્રૅન્ડ સ્લૅમના ત્રણ ચૅમ્પિયન ટાઇટલ અને છ રનર-અપ ટાઇટલ જીતનાર મરેએ ‘હું મારી શરતો પર ટેનિસમાંથી સન્યાસ લઈ રહ્યો છું’ એવું કહીને રિટાયરમેન્ટની જાહેરાત કર્યા બાદ કહ્યું, ‘મને મારી કરીઅર, મારી ઉપલબ્ધિઓ પર અને મેં ટેનિસમાં જે યોગદાન આપ્યું એ બદલ પોતાના પર ગર્વ છે. થોડા મહિનાથી હું વિચારી જ રહ્યો હતો કે હવે મારી નિવૃત્તિનો સમય આવી ગયો છે. અહીં ઑલિમ્પિક્સમાં હું ભાગ લઈ શક્યો એનો પણ મને આનંદ છે.’

ટેનિસમાં સિંગલ્સના સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર નોવાક જૉકોવિચે થોડા દિવસ પહેલાં મરેને ટેનિસના સૌથી મહાન યોદ્ધાઓમાં ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મરેની લડાયક શક્તિ આવનારી અનેક પેઢીઓને પ્રેરિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button