મહિલા બોક્સર સામે પુરુષને રીંગમાં ઉતારવામાં આવ્યો! મહિલા એથ્લીટ ઘાયલ, ભજ્જી-કંગનાએ પણ આપી પ્રતિક્રિયા
પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympic 2024)ઘણા કારણોસર વિવાદતમાં સપડાઈ છે. શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીમાં ‘ધ લાસ્ટ સપર’ પેન્ટિંગ આધારિત કથિત અભદ્ર રજૂઆત બાદ કેટલીક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ વિવાદોના ઘેરામાં છે. એવામાં ગુરુવારે મહિલા બોક્સિંગ (Female Boxing) સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાથી ખુબજ ગંભીર વિવાદ ઉભો થયો છે. અલ્જેરિયાની બોક્સર ઇમાન ખલીફે (Imane Khelif) ગુરુવારે પ્રથમ રાઉન્ડની મેચ જીતી લીધી હતી જ્યારે ઇટાલિયન પ્રતિસ્પર્ધી એન્જેલા કેરિની (Angela Carini) મેચની માત્ર 46 સેકન્ડ બાદ ખસી ગઈ હતી.
ઇમાન ખલીફ એક ટ્રાન્સ જેન્ડર મહિલા બોક્સર છે, જેને અંગે અગાઉ પણ ઘણા વિવાદો થઇ ચુક્યા છે. લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જતાં ખેલીફને 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેના કારણે પેરિસમાં તેની હાજરી ટોક ઓફ ધ ટાઉન બની હતી. તેમ છતાં ઈન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ તેને ઓલિમ્પિકમાં રમવા માટે લાયક જાહેર કરી હતી અને તે મેદાનમાં ઉતરી હતી.
આ પણ વાંચો : મહિલા બૉક્સિંગનો બાઉટ શરૂ થયો ને 46 સેકન્ડ પછી ઇટલીની સ્પર્ધકે ચાલતી પકડી!
ગુરુવાર, 1 ઓગસ્ટના રોજ, અલ્જેરિયાની ઈમાન ખલીફનો મહિલાઓની 66 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં ઈટાલીની એન્જેલા કેરિનીનો સામે મેચ હતો. આ મેચ રાઉન્ડ ઓફ 16માં હતી અને નોકઆઉટ રાઉન્ડ હતી. આ ઓલમ્પિકમાં બંનેની આ પ્રથમ મેચ હતી. આ મેચ 1 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 3.50 વાગ્યે રમાઈ હતી. પ્રથમ રાઉન્ડ શરૂ થયો અને કેરિની અને ખલીફ વચ્ચે માત્ર થોડા જ પંચ બાદ, કેરિનીએ અધવચ્ચેથી બહાર જવાનું નક્કી કર્યું, જે ઓલિમ્પિક બોક્સિંગમાં એક અત્યંત અસામાન્ય ઘટના છે. દરેક એથ્લેટ ઓલિમ્પિક મેડલનું સપનું જુએ છે અને પોતાનું નામ પાછું ખેંચી લેવું આશ્ચર્યજનક હતું. આ પછી કરીની જમીન પર ઘૂંટણિયે બેસી ગઈ અને રડવા લાગી. ખલિફના મુક્કાને કારણે કેરિનીનું હેડગિયર બે વખત વિખરાઈ ગયું હતું, ત્યારબાદ તેણે માત્ર 46 સેકન્ડ બાદ મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.
કેરિનીએ પછી ખલીફ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કર્યો. મેચ બંધ થયા બાદ રેફરીએ ખલીફનો હાથ હવામાં ઉંચો કર્યો હતો, પરંતુ ભાવુક બની ગયેલી કેરિનીએ રેફરી પાસેથી હાથ ખેંચીને ત્યાંથી ચાલી ગઈ.
મેચ બાદ કરીનીએ કહ્યું કે તેણે આ પહેલા ક્યારેય કોઈ સ્પર્ધામાં આટલો જોરદાર પંચ અનુભવ્યો નથી. મેચ બાદ બોલતા, ઓલિમ્પિક મેડલ ન જીતવાથી દુઃખી થયેલી કારિનીએ કહ્યું, ‘મને લડવાની આદત છે, પરંતુ મને આવો પંચ ક્યારેય નથી લાગ્યો. મેચ ચાલુ રાખવી અશક્ય હતી. ખલીફ ગેરકાયદેસર છે એવું કહેનાર હું નથી. હું લડવા માટે રિંગમાં આવી હતી. મને મારા નાકમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. મેં હાર ન માની, પરંતુ ખલીફનો એક મુક્કો મને જોરથી વાગ્યો અને તેથી જ મેં કહ્યું, બસ. હું માથું ઊંચું રાખીને ઓલિમ્પિક છોડી રહી છું.’
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, ટેસ્લાના CEO ઈલોન મસ્ક, લેખિકા જેકે રોલિંગે ઉપરાંત હરભજન સિંહ, કંગના રનૌતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આક્ષેપ કર્યો હતો કે આ સમાન ધોરણે નથી. મેલોનીએ પેરિસમાં ઇટાલિયન એથ્લેટ્સ સાથેની મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જે એથ્લેટ્સમાં પુરૂષ આનુવંશિક લાક્ષણિકતાઓ છે તેને મહિલા સ્પર્ધાઓમાં પ્રવેશ આપવો જોઈએ નહીં.”
X પરની એક પોસ્ટમાં, મેલોનીએ લખ્યું, “હું જાણું છું કે એન્જેલા તમે હાર નહીં માનો, અને હું જાણું છું કે એક દિવસ તમે જેને લાયક છો તે પ્રાપ્ત કરશો.”
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ નેટવર્ક પર જાહેર કર્યું: “હું પુરુષોને મહિલાઓની રમતથી દૂર રાખીશ!”
X પર, જેકે રોલિંગે લખ્યું, ‘શું કોઈ તસ્વીર આપણા પુરુષોના અધિકાર આંદોલનને વધુ સારી રીતે રજૂ કરી શકે છે? એક માણસનું સ્મિત કરી રહ્યો છે કે એ જાણે છે કે તેને એક સ્પોર્ટિંગ સંસ્થા દ્વારા અયોગ્ય રીતે સુરક્ષા આપવામાં આવી છે, તે સ્ત્રીની તકલીફનો આનંદ માણી રહ્યો છે જેને તેણે હમણાં જ મુક્કો માર્યો છે અને જેની જીવનની મહત્વાકાંક્ષા તેણે હમણાં જ ભાંગી નાખી છે.’
ઈલોન મસ્કએ રિલે ગેન્સની પોસ્ટને સમર્થન આપ્યું. અમેરિકન સ્વિમર રિલે ગેન્સે લખ્યું હતું કે ‘પુરુષોને મહિલા રમતમાં સામેલ ના કરવા જોઈએ’.
હરભજન સિંહે લખ્યું- મારા મતે આ અયોગ્ય છે. ઓલિમ્પિકને આ ઘટના/મેચની સમીક્ષા કરવાની જરૂર છે.
કંગનાએ લખ્યું કે કરિનીને ખલીફ સામે લડવું પડ્યું, જે કુદરતી રીતે જન્મેલા પુરુષ એથ્લેટ છે. ખલીફનું શરીર અને દેખાવ પુરુષો જેવો છે. ખલિફે કારિનીને રિંગમાં એવી રીતે પંચ માર્યો જે રીતે કોઈ પુરુષ સામાન્ય રીતે શારીરિક શોષણના કિસ્સામાં સ્ત્રીને ફટકારે છે. જોકે, તે કહે છે કે તે એક મહિલા છે. શું તમે અનુમાન કરી શકો છો કે આ મેચ કોણ જીત્યું હશે? આ સૌથી અયોગ્ય અને અન્યાયી વર્તન છે. તમારે તમારી દીકરીઓ સાથે કરિની વિશે વાત કરવી જોઈએ જેમની પાસેથી મેડલ છીનવાઈ ગયો હતો. મહિલા રમતો બચાવો.