ચાંદીમાં ₹ ૮૪૨નો અને સોનામાં ₹ ૧૨૦નો સાધારણ ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં મક્કમ વલણ જળવાઈ રહેતાં ભાવમાં ૦.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૧ ટકાનો ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૪૨ ઘટી આવ્યા હતા, જ્યારે સોનામાં નિરસ માગે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦નો સાધારણ ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યૌગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ સાધારણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૪૨ ઘટીને રૂ. ૮૧,૩૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સાવચેતીના અભિગમ વચ્ચે રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦ના સાધારણ ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮,૪૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮,૬૮૦ના મથાળે રહ્યા હતા.
દેશમાં ગત જૂન મહિનાના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં ભારતની સોનાની માગમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૪નાં બીજા છમાસિકગાળામાં ડ્યૂટી કપાતને કારણે ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી દેશની સોનાની માગમાં તીવ્ર ઉછાળો જોવા મળે તેવી શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે.
આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૧.૧૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૩૮૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.