ઉત્સવ

બગાસું ખાવા કે ઉધરસ ખાવા પણ અમારે મોંઢું ન ખોલવું?

આવો કરે છે સવાલ સવાયા શક્તિશાળી સિંહ !

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘બખડજંતર ચેનલ’ નું બખડજંતર ચાલુ હોય. સ્પોન્સર્ડ કાર્યક્રમ કરતાં નોન સ્પોન્સર્ડ કાર્યક્રમ વધારે હોય. જાહેરાતનો દુકાળ હોય. જેમની જાહેરખબર મળી હોય, જાહેરાત પ્રસારિત થઇ હોય એ લોકો પેમેન્ટ માટે ‘અંખિયા ચુરાકે તુને કિયા જાદુ’ ગીત ટાઇપ વર્તન કરે. સુરેશ દલાલની કવિતા જેવું : ‘મનગમતો સ્વાદ થયો તૂરો, લો આપણો સંબંધ થયો પૂરો ! ’

(યુવા પેઢીની સમજ માટે બ્રેકઅપ).
અમારી ચેનલનો બે માથાળો બોસ કાયમ સપ્તમ સૂરમાં આલાપ પ્રલાપ કરે. અમને કૂતરા કરડતા હોય તેમ ઓર્ડર કરે!

‘ગિરધરલાલ, આજકાલ નવા સંસદભવનમાં મુકેલ ચાર સિંહોનાં પૂતળાં બાબતે ઘણો વિવાદ ચાલે છે. અગાઉના પૂતળામાં સિંહ બકરી જેવા નરમ દેખાતા હતા. નવા પૂતળામાં સિંહો વધારે પડતા ખૂંખાર અને ખતરનાક જણાય છે. તમે રાજુ રદીને લઇ જાવ અને સિંહનો ઇન્ટરવ્યુ કરી આવો.’ બખડજંતર ચેનલના બોસ બાબુલાલ બબુચકે અમને નવા સંસદભવનની અગાસીમાં જઇ ઇન્ટરવ્યુ લેવાની સૂચના આપી. અમે તળાજા સરતાનપુર વચ્ચે લડતા બે પાડાનો સ્ટ્રીટપોલ પર ચડીને ઇન્ટરવ્યુ લીધો હતો. હવે,હાઇ પીચ ઇન્ટરવ્યુ લેવાની તક મળી.

‘સિંહ સાહેબ નમસ્તે. તમારો ઇન્ટરવ્યું લેવો છે.’ સિંહને મેં મારો પરિચય આપ્યો.

‘સારું સારું પૂછો. વિવાદ થાય એવું ન પૂછશો.’ સિંહે આદેશ આપ્યો.

હવે કેવું લાગે છે?’અમે પૂછયું.
‘ભાઇ, ઇ તો ચાર જણા મુશ્કેરાટ બંધાયેલા હોય તેને ખબર પડે! કેટલાંય વરસોથી એકમેક સાથે જોડાયેલ છીએ. એ પણ સજજડબમ છીએ.’ સિંહે વેદના-સંવેદના વ્યક્ત કરી.

‘બરડામાં ખંજવાળ આવે તો શું કરો?’ અમે તોફાની સવાલ પૂછ્યો.

‘ભાઇ, વાત જ ના પૂછશો. સારનાથના સ્તૂપમાંથી અમને એમને એમ ઉઠાવ્યા છે. ત્યારથી માઠી દશા બેઠી છે. કોઇ મારણનો ભાવ પૂછતા નથી. કોઇ સિંહણસુખ નહીં.’ આમ કહેતાં સિંહની આંખ ભીંજાઈ ગઈ.
‘લો,આંસુ લૂંછો. મીડિયા સામે રડવાથી ઇમેજને ધક્કો લાગે. ભડ જેવો ભડ કાંઇ રડે?સિંહ જેવો સિંહ રડે તો સસલા, શિયાળ અને હરણાએ શું કરવાનું?’
અમે કેમેરો ઓફ કરાવી સિંહને ન રડવાની સલાહ આપી.

‘હા, ભૂલ થઇ ગઇ. આ સીન પર કાતર મારજો. મારી વ્હાલી સિંહણના સોગન છે.’
‘સાહેબ, તમે જંગલના રાજા. તમને બંધન કેવી રીતે ફાવે છે?’અમે બંધનમુક્તિ જેવો સવાલ કર્યો.

ભાઇ, એની રામાયણ છે. રાષ્ટ્રીય ચિહ્ન – પ્રતીક થવાની કિંમત તો ચુકવવી પડે ને. અમે કયાં કયાં ફેલાયેલા નથી. રૂપિયાની નોટ પર છપાઇએ, જજની ખુરશી પર ખોડાઇઅ, બાબુઓ, મંત્રીના લેટરપેડ પર ઇપાઇએ, વિઝિટિંગ કાર્ડમાં એમ્બોસ થઇએ.અમે ટાઢ, તડકો, વરસાદમાં પણ અહીં વરસોથી અડીખમ ઊભા છીએ. ખંજવાળ આવે શું કરીએ? કેડના કડાકા બોલી ગયા છીએ. લોકો અમને ત્રણ સમજે છે. હકીકતમાં અમે ચાર છીએ. અહીંથી છૂટા પડીએ તો ગિર અભયારણ્યમાં જઇને બોડમાં ઘસઘસાટ ઊંઘવું છે સિંહે તેની ઇચ્છા દર્શાવી. .
તમારી એકતા તમારા સાથે રહેવામાં છે. પછી છૂટા થવાનો કુવિચાર શા માટે? અમે વધુ એક સવાલ પૂછ્યો.

‘રિપોર્ટર બાબુ , તમે દિવસના ૨૪ કલાકમાં અઢાર કલાક કામ કરો તો કોથળા જેવા થઇ જાવ તો અમારો શું વાંક?’ સિંહે લોજિકલ વાત કરી.

‘તમે જૂના પ્રતીકની મુકાબલે વધુ આક્રમકતા કે હિંસાત્મક તેવર દેખાડો છે તે યોગ્ય છે?!’

અમે વિવાદના મુદે સવાલ કર્યો.

‘શું અમે બકરી કે સસલા છીએ? પેલી કહેવત સાંભળી છે ને કે બાકર બચ્ચા લાખ બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજારા . ક્યાંય અહિંસક સિંહ હોવાનું સાંભળ્યું છે?’ સિંહે અમારી તરફ ધુરકતાં સવાલનું ફીંડલું વાળી દીધું.

‘સિંહભાઇ . તમે અગાઉ આપણા મૌની બાબાની જેમ મોંઢું બંધ રાખતા હતા. આ નવા જન્મમાં
હવે ત્રાડ પાડતા હોય તેવો પોઝ કેમ આપ્યો છે? તમે પંચશીલ અને શાંતિમય સહાસ્તિત્વનો સિદ્ધાંત ત્યજીને કેમ આક્રમક બન્યા છો?’ અમે લોકાના મનમાં રહેલો સવાલ હિંમત કરીને પૂછી કાઢ્યો.

ભાઇ ,ટીવીવાળા મનઘડંત સવાલ કરીને તમારી ચેનલના ટીઆરપી વધારવાના ગોરખધંધો શું કામ કરો છો? અમે અહિંસક અને જૈન સિંહ જ છીએ. અમને બગાસું આવે તો અમારે બગાસું ખાવા અથવા ઉધરસ ખાવા પણ મોંઢું ન ખોલવું? વાહ ભાઇ ,વાહ શું તમારું ષડયંત્ર છે! અમને બદનામ કરવાનું કાવતરું છે. અમે અમારા સમર્થકો સાથે ચર્ચા-પરામર્શ કરીને તમારા મીડિયા હાઉસ પર એક અબજનો માનહાનિનો દાવો ઠોકી દઇશું આમ કહી સિંહે ત્રાડ પાડી અમને નૌદોગ્યારહ ..

હું અને રાજુ રદી મુઠીઓ વાળીને વગર પૂંછડીએ ભાગ્યા. અમને ખબર છે કે ઊભી પૂંછડીએ લખ્યું હોત તો વાનરની ખાતાવહીમાં અમને ઉમેરી નાખ્યા હોત!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button