ક્રાઈમ સીન – અનિલ રાવલ
બીજે દિવસે ડીકે દિલ્હી પહોંચ્યા કે તરત જ એમના સેક્રેટરીએ કહ્યું કે ‘નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમાર કી ઓફિસ સે ફોન થા.’
ડીકેને આંચકો લાગ્યો. ‘ક્યા કહા?’ એમણે પૂછ્યું.
‘કૂછ નહીં કહા.’ ડીકેએ એમના રૂમમાં જઇને અભય તોમારને એમના મોબાઇલ પર કોલ કર્યો.
‘સરજી, આપે મને યાદ કરેલો.’ ડીકેએ કહ્યું.
‘સોરી…એ દિવસે હું પીએમને મળવાની ઉતાવળમાં હતો…એક મિનિટ ઊભો રહીને કેમ છો કેમ નહીં પણ ન કરી શક્યો.’ તોમારે કહ્યું.
‘ઇટ્સ ઓકે સર, દેશની સલામતી જેમના ખભા પર હોય એની વ્યસ્તતા હું સમજી શકું છું. સૌથી પહેલા રાષ્ટ્ર.’
‘આપણે મળીએ…..સાથે ચા પીએ. આજ બપોરની ચા તમારી સાથે…તમારે ત્યાં.’ તોમાર મૂળ મુદ્દે આવ્યા. ડીકેને ભણક આવી ગઇ.
‘આવો…..વેલકમ સર.’
ડીકેના વિશાળ ડ્રોઇંગ રૂમમાં સામસામે બેઠેલા ડીકે અને અભય તોમાર કપમાં ચાનું પાણી, દૂધ અને સાકર નાખ્યા પછી ક્યાંય સુધી અભાનપણે ચમચીઓ ફેરવી રહ્યા હતા. કદાચ સાકર ઓગળી ગઇ હતી, પણ એમના મનમાં ફરી રહેલા વિચાર ઓગળ્યા ન હતા. ડીકે મહેતા પીએમના પ્રધાનમંડળના એક ઇમાનદાર પ્રધાન…કલંકરહિત. નગરસેવકથી વિધાનસભ્ય અને વિધાનસભ્યથી સંસદસભ્ય અને સંસદસભ્યથી પ્રધાનપદ સુધીની કારકિર્દીમાં ક્યાંય ડાઘ નહીં. પણ શબનમ અને વિજય સહાય તરફથી મળેલા રિપોર્ટથી તોમારને ડીકેના કપડા પર ડાઘ દેખાયો હતો…અને એ ડાઘ હકીકતમાં કોઇ સામાન્ય ડાઘ નહીં પણ દેશદ્રોહનો મસમોટો ધબ્બો હતો. આ ડાઘ. આ ધબ્બો આ કલંક એની સ્વચ્છ પ્રતિમાને ખરડી નાખવા પૂરતો હતો. સચ્ચાઇનો સફેદપોશ કુર્તો પહેરીને સામે બેઠેલા નખશિખ ઇમાનદાર પ્રધાન સાથે વાત ક્યાંથી શરૂ કરવી એવું અભય તોમાર વિચારી રહ્યા હતા. અને ડીકે એના પૂછવાની રાહમાં હતા.
‘લીલી પટેલ’ તોમાર માત્ર નામ બોલ્યા.
‘મારી અને લીલી વચ્ચે કોઇ અપવિત્ર સંબંધ નથી.’ ડીકે બોલ્યા.
‘મારા માટે દેશદ્રોહ સિવાયનો દરેક સંબંધ પવિત્ર છે.’ તોમારે કહ્યું.
‘લીચી તમારી દીકરી છે.?’ તોમારે ચાનો કપ ઉપાડતા પૂછ્યું.
‘ના, સતિન્દરસિંઘની દીકરી છે.’ ડીકેએ કહ્યું.
‘અને લીલીના ઘરમાંથી મળી આવેલા પૈસા કોના છે.?’
‘જેનું અપહરણ થઇ ગયું છે એ લીચી અને પોલીસ પાર્ટીને ખબર. ઇન ફેક્ટ, લીલી અને મારી એ જ તો ચિંતા છે.’ તોમારે કહ્યું.
‘લીલી સાથેના તમારા ઘનિષ્ઠ સંબંધ છતાં તમને એના ઘરમાં સંઘરી રાખેલા પૈસા કોના છે એની ખબર ન હોય એવું કોણ માની શકે.?’
‘કેટલીક વાર નિકટની વ્યકિતને અકારણ સામાન્ય બાબતોથી વાકેફ કરાતી હોય છે તો ક્યારેક ગંભીરમાં ગંભીર વાતથી વંચિત રખાતી હોય છે.’ ડીકેએ કહ્યું.
‘તમે લીલીના ઘરેથી પૈસાની બેગ લઇને દિલ્હીમાં કોને આપવાના હતા.?’ તોમારે પૂછ્યું.
‘મારા ઘરે રાખવાનો હતો.’ ડીકેએ કહ્યું.
‘પૈસા કોના છે? ક્યા હેતુ માટેના છે એ જાણ્યા વિના.?’
‘હું લીલી અને એની દીકરીને જાણું છું એટલું મારા માટે પૂરતું છે.’
‘પૈસાની બેગનું પગેરું તમને ક્યાં લઇ જશે તમે જાણો છો.?’
તપાસ તમારા હાથમાં છે એટલે એટલું તો કહી શકું કે જો સાબિત થાય તો દેશદ્રોહના આરોપસર સજા થશે. ડીકેએ કહ્યું અને તોમારે ઊભા થતા કહ્યું: ‘એક મિનિટ હું કોલ કરી લઉં.’ તોમારે બહાર નીકળીને મોબાઇલ પર કોઇની સાથે વાત શરૂ કરી. ડીકે ટ્રાન્સપેરન્ટ ગ્લાસમાંથી તોમાર કોની સાથે વાત કરી રહ્યા હશે એની કલ્પના કરવા લાગ્યા.
‘હાઇ વે કેસના ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર મધુકર રાંગણેકર ખુદ લાપતા.’ અમન રસ્તોગીના આવા સનસનાટીભર્યા હેડિંગની પણ કોઇ અસર પડી નહીં. બીજા મીડિયાવાળા એને ફોન કરીને કેસની વધુ વિગતો માગવા લાગ્યા. કેસની તપાસ સુરતના પોલીસ કમિશનર વિજય સહાય કરી રહ્યા છે. બસ એથી વિશેષ કોઇ માહિતી અખબારી આલમને કે ન્યૂઝ ચેનલોને મળતી નહતી. બધા અંધારાંમાં ફાંફાં મારી રહ્યા હતા. અમન રસ્તોગીનો જીવ ઉચાટમાં હતો. રાંગણેકર એના વતન ગયા છે એવા સોલંકીના જવાબથી એને સંતોષ થયો નહતો. એક દિવસ એ પોલીસ કમિશનર વિજય સહાયને મળવા સુરત પહોંચી ગયો.
‘સર, લીલાસરી પોલીસ ચોકીની આખી પોલીસ ટીમનું અપહરણ થયું છે….મુંબઇ-થાણેના ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર મધુકર રાંગણેકર ગૂમ છે. અલિયાપુર પોલીસ ચોકીના સોલંકી પણ કદાચ અંધારામાં છે…તમને આમાં કોઇ મોટી રમત નથી લાગતી.? અથવા તો આ કેસ તમને મામૂલી લાગે છે.?’
‘જુઓ પોલીસ એનું કામ કરે જ છે….અમે રોજેરોજ મીડિયાને બુલેટીન નથી આપતા એટલું જ.’ વિજય સહાયે કહ્યું.
‘મને કહો…મારા અખબારના માધ્યમથી હું આજ દિવસ સુધીની આપની તપાસનો અહેવાલ પ્રમાણિકપણે લોકો સુધી પહોંચાડીશ.’ રસ્તોગીએ વાતની રગ પકડી લીધી.
‘તપાસનો અહેવાલ સંપૂર્ણ તપાસને અંતે એકીસાથે મીડિયાને આપવાનો મને ઉપરથી ઓર્ડર છે.’
‘એટલે આ કેસમાં કોઇ મોટી રમત રમાતી હોવાનું તો તમે કબૂલો છો.’ રસ્તોગીએ કહ્યું.
‘મિ.રસ્તોગી, અમારા માટે દરેક કેસ મોટો અને મહત્ત્વનો છે.’
‘સર, મારા સોર્સ કહે છે કે આ કેસમાં પોલીસ તપાસ કરી જ રહી નથી.’
‘તમારા સોર્સ લોકોએ સાબિત કરવું પડે’ સહાયે કહ્યું.
‘સર, એક જ વ્યક્તિની તપાસ ટીમ રાખવાનું કોઇ ચોક્ક્સ કારણ.?’ રસ્તોગીએ પૂછ્યું.
‘સોરી, એ વિશે હું કાંઇ નહીં કહી શકું.’ સહાયે હાથ જોડીને મુલાકાત પૂરી થઇ હોવાની ઇશારત કરી. રસ્તોગી થેન્ક યુ ફોર યોર ટાઇમ સર કહીને નીકળી ગયો.
શબનમે મનપ્રિત અને યશનૂરને એના માતા-પિતાના ઘરે મોકલી આપી. બંનેની સલામતી ખાતર એણે મનપ્રિતનો મોબાઇલ નંબર પણ બદલી નાખ્યો. મનપ્રિતે કેનેડામાં જે કાંઇ બન્યું એની વિગતવાર વાત મા-બાપને કરી…કેનેડામાં ચાલતા ખાલિસ્તાનના કારસ્તાનથી નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારને વાકેફ કરી દઇને પોતે ગર્વ અનુભવી રહી હોવાનું પણ માતા-પિતાને જણાવ્યું…. સાથે એ પણ કહ્યું કે હિનાને કારણે પોતે ભારત પાછી આવી શકી છે. થોડા વખતમાં હિના પણ પાછી આવી જશે….હિના ન હોત તો કદાચ આખી જિંદગી ત્યાં સબડતી રહેત…અને યશનૂરનું ભવિષ્ય ખાલિસ્તાની મૂવમેન્ટમાં બરબાદ થઇ જાત. આખીય વાત સાંભળી રહેલા એના અનુભવી પિતાએ માત્ર એટલું જ કહ્યું કે ‘ખાલિસ્તાનીઓએ ઉગાડેલા ઝેરી ખાલિસ્તાની ઝાડની ડાળીઓનું ઝેર ક્યારેય સુકાયું નથી.’ પિતાની સુરક્ષિત છત્રછાયામાં રહેવા ગયેલી મનપ્રિતને લેન્ડલાઇન પર ફોન આવ્યો.
સામેથી હેલો અને પછી ખાંસવાનો અવાજ આવ્યો. ખાંસી અટકી પછી એણે કહ્યું:
‘મનપ્રિતે મેં કેનેડે સે સતનામ.’ ફરી ખાંસવા લાગ્યા ‘સતનામ…સતિન્દર ઔર તજિન્દર કા મામાજી..’ ફરી ખાંસ્યા.
મનપ્રિતના શરીરમાં ભયનું પ્રચંડ લખલખું પ્રસરી ગયું. નેવું વર્ષ પાર ચુકેલા મામાજીએ શા માટે ફોન કર્યો હશે.?
‘તેરે દલજિતે કા ખૂન હિનાને ક્યા હૈ…..વો રો કી એજન્ટ હૈ.’ મામાજીએ ફોન મૂકી દીધો.
હિના…..જેણે મને કહ્યું હતું કે ખાલિસ્તાની વિરોધીઓએ તારા પતિ દલજિત બબ્બરનું મર્ડર કર્યું છે…એ હિના જેણે મને અને યશનૂરને ભારત પાછા મોકલવા નકલી પાસપોર્ટ બનાવી આપ્યા હતા. એ હિના જેણે મને શબનમ મારી ફ્ર્રેન્ડ છે એવું કહીને સલામતીની ખાતરી આપી હતી….એણે મારા દલજિતનું મર્ડર કર્યું.? એના મનમાં બદલાની ભાવના સળગી ઊઠી. એણે શબનમને કોલ કર્યો.
શબનમ ઠંડે કલેજે મનપ્રિતની સામે બેસીને કોફી પી રહી હતી.
મૈંને આપકો યે પૂછા થા કી આપ હિના કો કૈસે જાનતી હો…લેકિન યે નહીં પૂછા કી આપ કૌન હો.? ક્યા કરતી હો.?’ મનપ્રિતે નિર્દોષભાવે પૂછતી હોવાનો ડોળ કર્યો.
‘મૈં હોમ મિનિસ્ટ્રી મેં હું ઔર હોમ મિનિસ્ટર કી પીએ હું.’ શબનમે એવો જ નિર્દોષભાવ બતાવ્યો.
‘ઓહ ઇસલિયે નેશનલ સિક્યોરિટી ચીફ કે પાસ મુઝે લે જાના આપકે લિયે આસાન થા.’
‘જી.’ શબનમ કહ્યું.
‘હિના કેનેડા મેં ક્યા કર રહી હૈ.?’ મનપ્રિતે પૂછ્યું…
‘વો ભી તુમ્હારી તરહા ખાલિસ્તાની મૂવમેન્ટ કી જાલ મેં ફંસ ગઇ હૈ….કભી ભી નીકલ કર આયેગી.’ શબનમે જવાબ આપ્યો.
‘આપ ઝુઠ બોલ રહી હૈ…હિના રો કી એજન્ટ હૈ….આપ ભી શાયદ રો કી એજન્ટ હૈ.’
‘યે સબ કિસને કહા તુમકો.?’
‘મુઝે પતા ચલ ગયા હૈ…..મેરે દલજિત કા મર્ડર હિનાને કિયા હૈ.’ મનપ્રિત ગુસ્સામાં બોલી.
‘ઔર તુમ કેનેડા મેં તજિન્દર ઔર સતિન્દર કા મર્ડર કર કે ભારત આ ગઇ હો….વો ભી નકલી પાસપોર્ટ બનવા કર.’ શબનમ ઠંડે કલેજે બોલી.
મનપ્રિતના મનમાં હિનાની અસલિયતનું આખું ચિત્ર ઊભું થઇ ગયું. હિનાએ મને શાર્કના જડબામાંથી બચાવી….સમંદરમાંથી કાઢીને માછલીઘરમાં રાખી દીધી છે…..હું મર્યાદિત જગ્યામાં આમતેમ સરકી શકું છું, પણ છટકી શકું એમ નથી.
‘યે સબ કિસને કહા આપકો?’ એણે પૂછ્યું.
હમારે પાસ સબૂત હૈ…હિના કી ગવાહી…..નકલી પાસપોર્ટ. તુમ્હારે પાસ હૈ? કોઇ સબૂત કોઇ ગવાહ જો સાબિત કર સકે કી બબ્બર કા મર્ડર હિનાને કિયા હૈ. રો કે પાસ પક્કી ખબર થી કી બબ્બર દેશ કે લિયે ખતરા હૈ…ઇસલિયે વો મારા ગયા….ઔર તુમ ઇસલિયે બચ ગઇ ક્યોં કી હિનાને તુમ કો બચાયા…તુમને હમ કો એડિશનલ ઇન્ફર્મેશન દી હૈ.
‘મનપ્રિત, અબ…તુમ્હારી સલામતી તુમ્હારે હી હાથોં મેં હૈ.’ શબનમ કોફીની છેલ્લી સિપ મારીને નીકળી ગઇ. (ક્રમશ:)