નવી મુંબઈમાં રૂ. બે કરોડનું મેફેડ્રોન જપ્ત: બે ડ્રગ પેડલર પકડાયા
મુંબઈ: નવી મુંબઈમાં પોલીસે રૂ. બે કરોડની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરીને બે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સલાઉદ્દીન અલાહુદ્દીન શેખ (21) અને ફઝલ જાફર ખાન (21) તરીકે થઇ હોઇ તેઓ માહિમના રહેવાસી છે.
આ પણ વાંચો: નવી મુંબઈમાં સીબીઆઈએ લાંચના કેસમાંઆરપીએફના અધિકારીની ધરપકડ કરી
એએનસીના અધિકારીઓને માહિતી મળી હતી કે બે ડ્રગ પેડલર નવી મુંબઈના વાશી વિસ્તારમાં સેક્ટર-6 ખાતે ગ્રાહકોને મેફેડ્રોન વેચવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે મંગળવારે સાયન-પનવેલ હાઇવે પર વાશી વિલેજ ખાતે છટકું ગોઠવ્યું હતું અને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) અજયકુમાર લાંડગેએ કહ્યું હતું.
બંને આરોપીની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. બે કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું. આરોપીઓએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે વાશીમાં આવવાના હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)