વાસ્તુશાસ્ત્ર પરંપરાનું અનેરું ઘરેણું…. વરંડો
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
વાત વરંડાની છે પણ તમે ભારતીય પરંપરામાં વરંડો કહો કે ઓસરી કહો કે ફાઇનલી પોળમાં ઘરબહાર બનેલા ઓટલાની વાત કરો. આર્કિટેક્ટ અને સાહિત્ય સૃષ્ટિમાં દરેકનો અર્થ ભલે અલગ થતો હોય તો પણ આ બધા સામાજિક મેળાવડાના ઘરમાં બનેલા આધારસ્તંભ રહ્યાં છે.
આમ તો વિશ્ર્વનું આર્કિટેક્ટ કલ્ચર માને છે કે વરંડા જેવી પ્રણાલીનો પ્રારંભ ભારતમાં થયો હતો. વિશ્ર્વને વરંડાથી માંડીને ઓટલા સુધીનું કલ્ચર ભારતે આપ્યું હતું. આ કલ્ચર દુનિયાભરની અલગ અલગ પ્રજાએ પોતપોતાની રીતે વિકસાવ્યું. વિશ્ર્વના દરેક પ્રદેશની આબોહવા, જીવન પદ્ધતિ તથા સંરક્ષણ મુજબ વરંડા કલ્ચર વિકાસ પામ્યો હતો. મજાકમાં ચોક્કસ કહી શકાય કે વોટ્સએપ તથા સોશિયલ મીડિયા નવા જમાનાની ઓટલા પરિષદ છે. કોઇને ત્યાં પરિવારજનનું નિધન થાય તો સોશિયલ મીડિયા મહદઅંશે ઓમ શાંતિમાં પૂરું કરી દેશે, પણ વરંડા, કોટ્યાર્ડ કે ઓટલા કલ્ચરની દુનિયા અલગ હતી. માણસ પોતાના સુખ-દુ:ખની વાતો ઓટલે બેસીને કરતો અને હળવાશ અનુભવતો હતો.
એમ પણ માનવામાં આવે છે કે વરંડામાં બેસીને વ્યક્તિ પરિવાર સાથે સવારમાં કલાક ચા- નાસ્તો કરે તો એનો આખો દિવસ સ્ટ્રેસ- તાણ વગર પસાર થઈ શકે છે. આધુનિક સમયમાં ફ્લેટમાં બાલ્કની થકી લોકો આ સગવડ ભોગવે છે. ફ્લેટ કલ્ચરની સૌથી મોટી સમસ્યા એ છે કે માણસ એકલો પડતો જાય છે. એક ફ્લોર પર એક જ ફ્લેટ હોય તો એની કિંમત સૌથી વધારે હોય. આ વાતનો અર્થ એ થયો કે પ્રાઇવસી માટે માણસ કિંમત ચુકવે છે. અમારે કોઈ પડોશી નથી’ એ વ્યક્તિ માટે સ્ટેટ્સની નિશાની છે. આ પરિસ્થિતિમાં માણસને વરંડાની કિંમત સમજાતી નથી. જેમના બાળપણ ગામડામાં કે પોળોમાં ગયા હશે એમને પૂછશો તો જાણવા મળશે કે વરંડો હોવો કેટલો જરૂરી છે.
સામાન્ય રીતે સમજવા માટે વરંડો અને ઓટલાના માથા પર છત હોય છે, જ્યારે કોટ્યાર્ડ ખુલ્લું હોય છે. તમે દક્ષિણ ભારતના અથવા મરાઠી શૈલીના ઘર જોશો તો કોટ્યાર્ડ વિશે ખ્યાલ આવશે. કોટ્યાર્ડમાં કૂવો હોય અને તુલસીનો ક્યારો પણ રાખવામાં આવે. કોટ્યાર્ડ આસપાસ ચારે તરફ વરંડા સાથે પણ ઘર હતાં.
શક્ય છે કે એ જમાનામાં વરંડો જ ઘરનું ડ્રોઈંગ રૂમ હશે. ઘરમાં વરંડા પછી રસોડું અને બેડરૂમ પર મહત્ત્વ અપાતું હશે. ઘરના વડીલો લગભગ આખો દિવસ વરંડામાં જ જોવાં મળે.
ગુજરાત તથા મોટાભાગના ઉત્તર ભારતમાં ઘરની બહાર તરફના ભાગમાં વરંડા હતાં. સવારમાં ખેતીની તૈયારીથી માંડી સાંજે સામાજિક તાણાવાણા પર ચર્ચા થતી હશે. દિવસ દરમિયાન બહેનોને હૈયાવરાળ કાઢવા માટે પાસપડોશીઓ સાથેનું ચર્ચા સ્થળ બની જતું હશે. દક્ષિણ ભારતમાં અથવા વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં કોટ્યાર્ડ સાથે ઘરની વચ્ચે વરંડાનો વિસ્તાર હતો. આ જ વરંડો કાશ્મીર જેવા ઠંડા વિસ્તારમાં શોધશો તો એ પહેલાં માળે હતો.
રાજસ્થાન અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હોય કે પંજાબમાં પણ ડેલો જોવા મળે છે. એક ઊંચી દીવાલની અંદર પરિવારનું આખું જગત બનેલું હશે. શક્ય છે કે વારંવારના વિદેશી આક્રમણો હોય કે જંગલી જનાવરોથી રક્ષણ મેળવવા માટે આ પ્રકારના ડેલા બનતા હશે. ડેલામાં એક તરફ ઢોરઢાંખર બાંધવામાં આવે અને બીજી તરફ ઘરની બહાર વિશાળ ઓસરી કે ચોક હોય. કદાચ ઘરના વડીલો એમનું મોટાભાગનું જીવન આ ઓસરીમાં જ પૂરું કરતાં હશે.
ભારતીય પરંપરાના વરંડા, ઓસરી, કોટ્યાર્ડ કે ઓટલા એ ઘર અને સમાજ વચ્ચે પુલ હતો. સમાજમાં એવા ઘણાં ડેલા હશે કે જેમનું સ્થાન મોભાભર્યું હશે. આ વરંડામાં કોઈ મહેમાન ભૂખ્યા પેટે જાય એવું લગભગ બનતું નહીં. આ જ પરંપરાનો ભરપૂર ઉપયોગ અંગ્રેજોએ એમના ઘરોમાં કર્યો. ભારતમાં બનાવેલા બ્રિટિશ રેસિડેન્ટમાં વરંડા ઘરની ચારે તરફ હોય એવું પણ જોવા મળે છે. એક તરફનો વરંડો કચેરી અને મહેમાનો માટે અનામત રાખતા હશે તો એક વરંડો પરિવાર સાથે પ્રાઇવસી માટે રાખવામાં આવતો હશે.
આધુનિક સમયમાં વરંડાની ફેશન પાછી આવી રહી છે. ઘરને મોભાદાર બતાવવા ડિઝાઇનર વરંડા બનાવવામાં આવે છે. ખાસ કરીને પરિવાર તથા મહેમાનો સાથે વાતો કરવા વરંડા ઘરોમાં પાછા આવી રહ્યા છે. કોટ્યાર્ડ કે વરંડા લગભગ ખુલ્લામાં બનાવવામાં આવે છે , જેનો જાણે-અજાણે હેતુ એક જ હોય છે કે પ્રકૃતિ સાથે જીવવું છે. વરસતા વરસાદમાં વરંડામાં બેસીને ચા અને ભજિયા માણવાની મજા એસી રૂમમાં કદાચ ના જ આવે.
ભૂતકાળમાં કોટ્યાર્ડ અને વરંડાની ડિઝાઇન પવનની ગતિ અને દિશા મુજબ બનતી. હવા, પાણી અને પ્રકાશ જેવાં કુદરતી ઘટકોનો સૌથી વધારે સહવાસ મળે તો આજકાલ દરેક વ્યક્તિને વિટામિન ડીની ઊણપ મળે છે એ સામે કુદરતી રક્ષણ મળતું હશે. બાકી ફ્લેટમાં વરંડો એટલે લિફ્ટવાળો ભાગ કહી શકાય. ઘણા ફ્લેટમાં આ ભાગમાં હીંચકો મૂકવામાં આવે છે, પણ કુદરતી હવા પાણી અને પ્રકાશની સુવિધા મળે નહીં તો વરંડાની મજા અધૂરી લાગે.
વરંડાનો હેતુ હતો કે એ તમારા ઘરનો સુવિધા સાથે વિસ્તારમાં વધારો કરે. વરંડામાં ભોજનથી માંડીને પરિવાર કે મિત્રો સાથે ગાળેલો સમય બગડતા આરોગ્યનું પહેલું પગથિયું એવા સ્ટ્રેસથી દૂર રાખે છે. સરવાળે જે સુખ ઘરમાં ભોગવો છો એ જ સુખ વરંડામાં પ્રકૃતિ વચ્ચે મળે છે. ભારતીય માનસિકતામાં ભોગવવા કરતાં તેની રિસેલ વેલ્યુ કેટલી મળશે એ કિંમત વધારવામાં વરંડો મોટો ભાગ ભજવી શકે છે. એક અભ્યાસ મુજબ પશ્ર્ચિમમાં વરંડા સાથેના ઘરની કિંમત આશરે દશેક ટકા વધારે ગણવામાં આવે છે.
આધુનિક યુગમાં આર્કિટેક્ટ સાથે વરંડાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે અસંખ્ય પ્રકારના વરંડા બનાવી શકાય છે. દક્ષિણ ભારતીય પરંપરાગત વરંડા કે જેમાં ઘરની બહાર બેઠક વ્યવસ્થા જ હતી. હળવા રંગ, પ્રકાશ અને પ્રકૃતિનું સમન્વય કરીને ઘરમાં આધુનિક વરંડા બનાવી શકાય. ઘરમાં ખુલ્લી જગ્યા હોય તો ગ્રીનરી વચ્ચે વરંડા બનતા હોય છે. ઈવન, આજકાલ સ્વિમિંગ પૂલ પાસે કે હોમ થિયેટર માટે ઘરની બહાર વરંડા બનાવવામાં આવે છે. વરંડા બનાવવામાં સ્થાન, એસ્થેટિક ડિઝાઇન, ઘરના પ્રત્યેક સભ્યને અનુકૂળતા, વાતાવરણ તથા હવા પાણી અને પ્રકાશનું યોગ્ય સંયોજન સાથોસાથ અવનવી વસ્તુઓની ગોઠવણીનો આગવો શોખ ચાર ચાંદ લગાવે છે.
ચિંતા કરશો નહીં, ક્યારેક કોઈ ગ્રામ્ય કે પેલેસ પરિવેશનું રિસોર્ટ કે ગામડામાં જવાનું થાય તો વરંડાનો કલાકો સુધી લુફત માણજો. ભારતીય આર્કિટેક્ટ પરંપરાએ વિશ્ર્વભરમાં તણાવ દૂર કરવા કેટલી મોટી ભેટ આપી એ સમજવા ક્યારેક ઓટલે બેસજો.
ધ એન્ડ :
ગાંધી આશ્રમની ડિઝાઇન આંખ બંધ કરીને વિચારશો તો સૌથી પહેલો વિશાળ વરંડો જ યાદ આવશે.