આ જગ્યાએ નોંધાયો હતો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો
અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura Virus in Gujarat)ના કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે, છેલ્લા પાંચ દિવસમાં આ વાયરસને કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહિસાગર અને ખેડા જિલ્લામાં 1-1 શંકાસ્પદ કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ આ વાયરસથી પીડિત 6 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જેમાં રાજસ્થાનના બે દર્દીઓ અને મધ્ય પ્રદેશમાંથી એક દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીના સેમ્પલ પૂણે ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 12થી 15 દિવસમાં આવશે.
ચાંદીપુરા વાયરસ શું છે?
આ વાયરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસના સંક્રમણનો સૌ પ્રથમ કેસ નાગપુરના ચાંદીપુરમાં નોંધાયો હતો, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.
આપણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, પાંચ બાળકોના મોત
ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ અસર 15 વર્ષથી નીચેના બાળકોને થાય છે. આ ઉંમરના બાળકોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે. ચાંદીપુરાની સારવાર માટે હજુ સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી.
ચાંદીપુરા વાયરસના ચેપના લક્ષણો શું છે?
ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવ આવે છે, તેમાં ફલૂ જેવા જ લક્ષણો હોય છે અને ગંભીર એન્સેફાલીટીસ પણ થાય છે. એન્સેફાલીટીસ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.