ઇંગ્લૅન્ડના જાણીતા પેસ બોલરની ઓવરમાં બન્યા 43 રન

હોવ: એક તરફ ઇંગ્લૅન્ડની ટીમ ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝમાં ભારત સામે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ માટેની તૈયારીમાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ કાઉન્ટી ક્રિકેટમાં તેમના જ જૂના સાથી પેસ બોલર ઑલી રૉબિન્સનની બોલિંગની ધુલાઈ થઈ હતી. તેની એક ઓવરમાં 43 રન બન્યા હતા જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં બીજા નંબરની સૌથી ખર્ચાળ ઓવર છે.
સસેક્સ કાઉન્ટી ક્લબની ટીમ વતી રમતા રૉબિન્સનની એક ઓવરમાં લેસ્ટરશરના બૅટર લુઇ કિમ્બરે જોરદાર ફટકાબાજી કરી હતી.
રૉબિન્સનની એક ઓવરમાં પાંચ સિક્સર અને ત્રણ સિક્સર ફટકારવામાં આવી હતી. એમાંથી ત્રણ બાઉન્ડરી નો-બૉલમાં ગઈ હતી.
આ પણ વાંચો: ભારતને ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે બદલો લેવાનો મોકો
રૉબિન્સનની નવ બૉલની ઓવરમાં આ મુજબ રન બન્યા હતા: 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1.
રૉબિન્સને ઓવર શરૂ કરી ત્યારે કિમ્બર 72 રને હતો. જોકે ઓવરમાં ફટકાબાજી કરીને કિમ્બર છેલ્લે 109 રને અણનમ રહ્યો હતો.
30 વર્ષનો રૉબિન્સન ઇંગ્લૅન્ડ વતી 12 ટેસ્ટ રમી ચૂક્યો છે.
રૉબિન્સનની ઓવરમાં બનેલા 43 રન ઇંગ્લૅન્ડ વતી રમી ચૂકેલા તમામ બોલર્સની બોલિંગમાં સૌથી ખર્ચાળ ઓવર છે. તેણે આ અણગમતો રેકૉર્ડ બનાવીને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ પ્લેયર ઍલેક્સ ટ્યૂડરને ઝાંખા પાડી દીધા છે. 1998માં સરે વિરુદ્ધ લૅન્કેશરની મૅચમાં ટ્યૂડરની ઓવરમાં 38 રન બન્યા હતા જેમાંના 34 રન ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફે બનાવ્યા હતા.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ ઓવર ન્યૂ ઝીલૅન્ડના ઑફ સ્પિનર વર્ટ વૅન્સના નામે છે. 1990માં વેલિંગ્ટન અને કૅન્ટરબ્યૂરી વચ્ચેની મૅચમાં વર્ટની એક ઓવરમાં 77 રન બન્યા હતા. એ ઓવરમાં વર્ટથી 17 નો-બૉલ પડ્યા હતા.