મેટિની

રાજ કપૂરે જ્યારે ઝીનતને ‘આંચકી’ લીધી

આરતી ભટ્ટ

દેવ આનંદે અનેક હિરોઈન સાથે કામ કર્યું છે, પણ સુરૈયાને જીવનસાથી ન બનાવી શક્યા પછી કલ્પના કાર્તિકને પરણી જનારા દેવસાબનું નામ ક્યારેય કોઈ હિરોઈન સાથે રોમેન્ટિક રીતે જોડાયું નહોતું. દેવ આનંદે કાયમ એક અંતર રાખ્યું. જોકે, ઝીનત અમાન એમાં અપવાદ હતી. દેવસાબના દિલમાં તેના માટે પ્રેમ જાગ્યો હતો અને એ લાગણી ઝીનત સમક્ષ વ્યક્ત થાય એ પહેલા જ છૂટા પડવાનો વારો આવ્યો. આ સમગ્ર વાત દેવ આનંદે તેમની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં રજૂ કરી છે. જે તેમના જ શબ્દોમાં પેશ છે.

દેવ આનંદે લખ્યું છે કે ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોસિપ વાંચવાના ભૂખ્યા લોકોને મને અને ઝીનતને સાંકળતી મસાલેદાર વાતો અખબારો અને મેગેઝિનોમાં વાંચવા મળી રહી હતી. જાહેર જીવનમાં જ્યારે પણ ઝીનતનો ઉલ્લેખ થતો, મારી આંખો ચમકી ઊઠતી અને એ જ રીતે જ્યારે મારી વાત નીકળતી, ઝીનત ઝૂમી ઉઠતી. અમને બંનેને એકબીજા માટે અપાર લાગણી થઈ હતી. કલકત્તામાં ‘હરે રામ હરે કૃષ્ણ’ની સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે ઝૂમી ઉઠેલા ચાહકોએ ઝીનતને ખભા ઉપર ઊંચકી લીધી ત્યારે હૃદયના એક ખૂણે મેં ગર્વ અનુભવ્યો અને એક ખૂણે મને ઈર્ષા થઈ. ઝીનત માટે મારા મનમાં માલિકીભાવ પેદા થયો હતો. આ નરી મૂર્ખાઈ હતી, પણ મૂર્ખાઈ કરવાનું મન થતું હતું. આ ઘટનાના બે વર્ષ પછી ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ના પ્રીમિયર વખતે ખુલ્લેઆમ આમંત્રિતોની હાજરીમાં રાજ કપૂરે ઝીનતને કિસ કરી અને ફિલ્મના પરફોર્મન્સ માટે તારીફ કરી. ઝીનત માટે મેં ગર્વની લાગણી અનુભવી અને રાજ કપૂરના પ્રતિભાવ માટે મને આદર થયો. જોકે, ઝીનત સાથે નિકટ થવાના રાજ કપૂરનો પ્રયાસ મને રુચ્યો નહીં. આ બનાવના થોડા સમય પછી એક દિવસ મને મહેસૂસ થયું કે હું ઝીનતના ગળાડૂબ પ્રેમમાં છું. મારી આ લાગણી એની સમક્ષ વ્યક્ત કરવાની અદમ્ય ઈચ્છા થઈ. મારી ફેવરિટ રોમેન્ટિક જગ્યાએ કેન્ડલ લાઈટ ડિનર પર પ્રેમનું પુસ્તક ખોલવા હું તૈયાર થઈ ગયો. મેં ઝીનતને ફોન કરીને કહ્યું કે ‘આજે તારી સાથે ડેટ પર જવાની ઈચ્છા છે.’ એ દિવસે અમારે એક પાર્ટીમાં જવાનું હતું એની યાદ ઝીનતએ અપાવી પણ ત્યાં થોડી વાર હાજરી આપી આપણે ચુપચાપ નીકળી જઈશું એમ મેં તેને કહ્યું. ઝીનત તૈયાર થઈ અને અમે પાર્ટીમાં પહોંચ્યા અને તરત રાજ કપૂર તરત એની પાસે આવ્યો અને એને બાથમાં લેવા હાથ લંબાવ્યા અને ઝીનત પણ તેને ભેટી પડી. તરત મારા દિમાગમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. બે એક દિવસ પહેલા એવી અફવા વહેતી થઈ હતી કે રાજની નવી ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ના સ્ક્રીન ટેસ્ટ માટે ઝીનત એના સ્ટુડિયો પર ગઈ હતી. અફવા હવે હકીકત લાગી રહી હતી અને મારા દિલમાં ધ્રાસકો પડ્યો. એમાંય જ્યારે રાજએ ઝીનતને કહ્યું કે ‘શ્ર્વેત સાડીમાં તને જોવાનો એકમાત્ર અધિકાર મારો છે એ વચન તું તોડી રહી છે’ ત્યારે ઝીનતનો ચહેરો જોઈ મને ખાતરી થઈ ગઈ કે એ હવે બદલાઈ ગઈ છે. મારા હૃદયના ભાગીને ભુક્કા બોલી ગયા. થયું હમણાં ને હમણાં પાર્ટી છોડી એવી જગ્યાએ જતો રહું જ્યાં મારી સિવાય કોઈ કરતા કોઈ ન હોય અને મારા અહંકારને પહોંચેલી ઠેસ સહન કરી શકું. મેં ઝીનતના દોરેલા પેઈન્ટિંગ પર ક્રેક પડી રહી હતી. પાર્ટીમાં કેટલો સમય રહેવાની ઈચ્છા છે? મેં ઝીનતને સવાલ કર્યો. મને જવાબ આપવાને બદલે તેણે રાજ સામે એવી રીતે જોયું જાણે નીકળવાની અનુમતિ માગતી હોય. ‘અરે એને પાર્ટીમાં રહેવા દે દેવ, અને તું પણ અહીં જ રહે. મજા કર,’ રાજએ મને કહ્યું. આ સાંભળી હું એટલું જ બોલ્યો કે ઝીનત, તને ઠીક લાગે ત્યારે મને ફોન કરજે.’ પણ આપણે તો બીજી કોઈ જગ્યાએ સાથે જવાના હતા ને?’ અચાનક ઝીનતે મને પૂછ્યું. એ વાત જવા દે, એટલું જ મેં તેને કહ્યું. હું પાર્ટી છોડી ચૂપચાપ નીકળી ગયો. એ સાંજ મારા માટે પીડાદાયક સાબિત થઈ. એને કેટલો ચાહું છું એ ઝીનતને હું પહેલી વાર કહેવાનો હતો. અલબત્ત મેં તરત જાતને સંભાળી લીધી અને કેવી મૂર્ખાઈ કરી બેઠો હતો અને કેટલું બધું ધારી બેઠો હતો એનો મને ખ્યાલ આવ્યો. અચાનક એક ટોળું મારી કાર પાસેથી પસાર થયું અને એ લોકો ‘હરે કૃષ્ણ હરે રામ’નું ઉચ્ચારણ કરી રહ્યા હતા અને મેં આંખો મીંચી દીધી. મારી આંખોમાં ઝીનતની સુંદર છબી અંકિત થયેલી નજરે પડી. મેં આંખો ખોલી અને અચાનક મારા દિમાગમાં વીજળીનો ઝબકારો થયો અને નવી ફિલ્મના વિચારો મારા મનમાં દોડવા લાગ્યા.’ ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button