આયાતી તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો, દેશી તેલમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ૭૨ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહેતોં આયાતી તેલના ભાવમાં વધ્યા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જેમાં ૧૦ કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચ, આરબીડી પામોલિનમાં રૂ. ત્રણ અને ક્રૂડ પામતેલ તથા સોયા ડિગમમાં રૂ. બે ઘટી આવ્યા હતા. જોકે, આજે મથકો પાછળ દેશી તેલમાં સરસવ અને કપાસિયા રિફાઈન્ડના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. પાંચ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના ૨૦થી ૩૦ જૂન ડિલિવરી શરતે રૂ. ૯૧૦ તથા ગોલ્ડન એગ્રીના જેએનપીટી તથા કંડલાથી ડિલિવરી શરતે અનુક્રમે રૂ. ૯૨૫ અને રૂ. ૯૧૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો. તેમ જ આજે સેલરિસેલ ધોરણે પણ વેપારનો અભાવ રહ્યો હતો.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૩, ક્રૂડ પામતેલના રૂ. ૮૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૫૫, સોયા ડિગમના રૂ. ૯૨૮, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૨૦, સિંગતેલના રૂ. ૧૪૮૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૫ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૦થી ૯૨૫માં અને રૂ. ૧૪૩૫માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૦૦માં ટકેલા ધોરણે થયા હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૨૫,૦૦૦ ગૂણી સોયાસીડની આવક થઈ હોવાના અહેવાલ હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૫થી ૯૬૨માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજસ્થાનના મથકો પર ૩.૫ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૧૭૫થી ૬૨૦૦માં થયા હતા. આ સિવાય સરસવ એક્સપેલેરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૭૧માં અને કચ્ચી ઘાણીના વેપાર રૂ. ૧૧૮૧માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૭૮૫થી ૨૭૯૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.